તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા ફી નિયમન સમિતિના ચેરમેનની ખાલી જગ્યા સત્વરે ભરવા રજૂઆત
સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ (FRC) ના ચેરમેનનું પદ છેલ્લા પાંચ મહિનાથી ખાલી રહેતા

રાજકોટ, તા.૧૫: રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ એમ કુલ ૧૧ જિલ્લાની ૫,૦૦૦ થી વધુ ખાનગી શાળાઓની ફી નક્કી કરવાની સત્તા છે. આ ફી નિયમન સમિતિ (FRC) ના ચેરમેનની જગ્યા છેલ્લા પાંચ મહિના કરતા વધારે સમયથી ખાલી હોવાથી આશરે ૬૫૦ સ્કૂલોની ફી વધારા માટેના નિર્ણય અટકેલા પડયા છે, જેની સીધી અસર બે લાખથી વધુ વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળા સંચાલકો ઉપર પડી રહી છે. જે સંદર્ભે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સરકારશ્રીને ફી નિયમન સમિતિ ના ચેરમેનની ખાલી જગ્યા સત્વરે ભરવા રજૂઆત અને માંગણી કરવામાં આવી છે.
આ અંગે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી. વી. મહેતા અખબારી યાદીમાં જણાવે છે કે, સરકારશ્રી દ્વારા અમલ કરવામાં આવતા ખાનગી શાળાઓના ફી નિર્ધારણ કાયદા અનુસાર સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ કાર્યરત છે, પરંતુ ગત તા. ૩૧ જાન્યુઆરી, ૨૦૨૫ ના સમિતિના પૂર્વ ચેરમેન પી.જે. અગ્રાવત દ્વારા રાજીનામું અપાયા બાદ, સરકારશ્રી દ્વારા હજુ સુધી નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. સત્વરે ચેરમેનની નિમણૂક કરે એ અનિવાર્ય છે. હાલમાં આશરે ૬૫૦ જેટલી સૌરાષ્ટ્ર ઝોનની શાળાઓના ફી વધારા માટેના નિર્ણયો અટકેલા છે.
એક વખત ચેરમેનની નિમણૂક થાય અને જે-તે શાળાની ફી નિર્ધારણની અરજી પર નિર્ણય આવે ત્યારબાદ શાળા સંચાલક અને વાલીઓ વચ્ચે નિર્ધારીત થયેલ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ ની ફી અંગે સર્જાયેલ અસમંજસભરી સ્થિતિનો અંત આવશે અને આ મુંજવણનો ઉકેલ મળશે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા જે પણ ફી નક્કી કરવામાં આવશે, તે વધારો કે ઘટાડો જે કઈ હશે તે શાળા સંચાલકોને માન્ય રહેશે અને તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા ભવિષ્યમાં વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ માટે જે કોઈપણ ફી નક્કી કરવામાં આવશે તે શાળા સંચાલકોને માન્ય રહેશે. શાળા સંચાલકો હંમેશા ફી નિર્ધારણ સમિતિ દ્વારા નક્કી થયેલી ફી ને જ અનુસરે છે. તેમજ હાલમાં જ્યાં સુધી ફી નિર્ધારણ સમિતિ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટેની ફી નક્કી કરવામાં ન આવે, ત્યાં સુધી શાળા સંચાલકોને તેમની સુચિત ફી લેવા અંગેની છુટ આપવા શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવે છે.(૨૩.૨૮)
(4:01 PM IST)










