તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
કલેકટર તંત્રે નાની ખાણી-પીણી-રમકડા કે અન્ય સ્ટોલ ધારકો અંગે ફોર્મ પ્રક્રિયામાં કોઇ નિર્ણય નહી લેતા નવો વિવાદ
સ્ટોલ ધારકો અને તંત્રનો સ્ટાફ મૂંઝવણમાં : અમારે ફોર્મ દેવા કે નહિ તે પ્રશ્ન થઇ પડયો છે : મોટી રાઇડ માલીકોને કયાંયથી સપોર્ટ નહિ મળતા આંદોલનના માર્ગેઃ ધરણા કરવાની ચેતવણી

રાજકોટ તા.૧૫: રાજકોટનો પરંપરાગત લોકમેળો આ વર્ષે મોટી રાઇડ્સ વગર યોજાઈ શકે તેવી શકયતાઓ પ્રબળ બની છે. રાજકોટ કલેક્ટરે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, નિર્ધારિત સમયમર્યાદામાં SOP નું પાલન કરી ફોર્મ નહીં ભરનાર મોટી રાઇડ્સને મેળામાં પ્રવેશ મળશે નહીં. કલેક્ટરે એવું પણ જણાવ્યું હતું કે જો મોટી રાઇડ્સના ફોર્મ નહીં ભરાય તો તંત્ર મોટી રાઇડ્સ વગર મેળો યોજવા તૈયાર છે.
અગાઉ કલેક્ટરે પત્રકારોને જણાવ્યું હતું કે ઓછા ફોર્મ ભરાયા હોવાથી ખાણીપીણી, રમકડાં અને નાની રાઇડ્સના માલિકો ફોર્મ ભરી શકે તે માટે ત્રણથી પાંચ દિવસનો વધારાનો સમય આપવામાં આવશે. જોકે, તંત્ર દ્વારા હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે સ્ટોલધારકો અને રાજકોટ કલેકટર તંત્રના અધિકારીઓ કર્મચારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. આ અચોક્કસતાને કારણે લોકમેળાના અન્ય કામો પણ અટકી પડ્યા છે.
બીજી તરફ, આજે ઘેલા સોમનાથ ખાતે યોજાનાર લોકમેળાની હરાજીની કાર્યવાહી હોવાથી મોટી રાઇડ્સના સંચાલકો ત્યાં દોડી ગયા છે. આ ઉપરાંત, ગાંધીનગરમાં સીએમઓ હાઉસ અને રાજ્યના ગળહમંત્રીને મળવા ગયેલા મોટી રાઇડ્સના માલિકોને પણ કોઈ સકારાત્મક પ્રતિસાદ મળ્યો નથી.
જેના પરિણામે, મોટી રાઇડ્સના સંચાલકો હવે આંદોલનના માર્ગે વળ્યા છે. રાઇડ્સ માલિક એસોસિયેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આગામી સમયમાં કલેક્ટર તંત્ર સામે SOP અને કડક નિયમોના મુદ્દે ધરણાં સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. દરમિયાન તંત્રે મંડપ, સફાઇ, ખાનગી સિકયુરિટી, વિડીયોગ્રાફી સહિતની બાબતે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ માર્ગ -મકાન, દક્ષિણ મામલતદાર તથા અન્ય અધીકારીઓને જવાબદારી સોંપાઇ છે. (૩.૧૨)
(2:53 PM IST)










