તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
જંગલેશ્વરમાં નામીચા સમીર ઉર્ફ મુરઘાએ ટોળકી રચી કારનો બૂકડો બોલાવ્યો
હોટલ સંચાલક યાસીન સુહણાના નાના ભાઇને મહોરમ વખતે નીયાજ મામલે મુરઘાના ભાઇ સાથે બોલાચાલી થઇ હોઇ તેના કારણે મોડી રાતે ભવાની ચોક જેસાણી હોલ સામે પાર્ક કરાયેલી યાસીનની કારના બોનેટમાં તલવાર, ધારીયા, કુહાડાના ઘા માર્યાઃ સોડા બોટલોથી તમામ કાચ ફોડી નાંખ્યાઃ ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૫: શહેરના જંગલેશ્વરમાં રહેતાં અને હોટેલ ચલાવતાં યુવાનના નાના ભાઇને મહોરમ વખતે નીયાજ આપવા મામલે નામચીન શખ્સ સમીર ઉર્ફ મુરઘાના ભાઇ સાથે બોલાચાલી થઇ હોઇ તેનો ખાર રાખી સમીર ઉર્ફ મુરઘોએ ટોળકી રચી હોટેલ સંચાલક યુવાનની કારમાં મધરાતે તોડફોડ કરી અઢી લાખનું નુકસાન કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાતે આ શખ્સ બાઇક પર સાગ્રીતોને લઇને જંગલેશ્વર ભવાની ચોકના જેસાણી હોલ પાસે આવ્યો હતો અને અહિ પાર્ક કરેલી કારના બોનેટમાં તલવાર, ધારીયા, કુહાડાના ઘા ફટકારી તેમજ તમામ કાચ તોડીફોડી નાંખ્યા હતાં. ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં ભક્તિનગર પોલીસે જંગલેશ્વર શેરી નં. ૧૮માં નુરાની ચોક કાજલ પાન સામેની શેરીમાં રહેતાં યાસીનભાઇ હુશેનભાઇ સુહણા (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી સમીર ઉર્ફ મુરઘો અને તેની સાથેના સાતેક અજાણ્યા શખ્સો સામે રોયોટીંગ અને તોડફોડ કરવાનો ગુનો દાખલ કર્યો છે.
યાસીનભાઇ સુહણા તેના નાના ભાઇ સોહિલ અને પત્નિ અમરીન સાથે રહે છે અને દોસ્તી ચોક પાસે હસનશા પીરની દરગાહ પાસે હોટલ ચલાવે છે. યાસીનભાઇએ જણાવ્યું હતું કે રાતે સાડા બારેક વાગ્યે મારા મિત્ર સોયેબ કે જે ભવાની ચોક મદીના પાન પાસે આવેલા ક્વાર્ટરમાં રહે છે ત્યાં હું ગયો હતો. મારા ફઇનો દિકરો મોહસીન કે જે જેસાણી હોલ સામે રહે છે તેને મારી કાર લઇ બહારગામ જવાનું હોઇ જેથી મારા નાના ભાઇ સોહિલે મારા ફઇના દિકરાના ઘર પાસે કાર રાખી હતી.
ત્યારબાદ રાતે દોઢેક વાગ્યે મારા ફઇના દિકરા મોહસીનનો મને ફોન આવ્યો હતો કે તારી કારમાં છ સાત જણા આવીને કાચમાં તોડફોડ કરી ગયા છે. જેથી મેં ૧૦૦ નંબર ઉપર ફોન કર્યો હતો અને પોલીસની ગાડી આવી ગઇ હતી. હું પોલીસ સાથે જેસાણી હોલ સામે મારા ભાઇને જયાં મારી આઇ-૨૦ કાર જીજે૦૩એલબી-૮૨૩૪ પાર્ક કરી હતી ત્યાં જતાં મારી કારના તમામ સાઇડના કાચ તૂટેલા જોવા મળ્યા હતાં. તેમજ બોનેટ ઉપર કુહાડાના, તલવારના અને ધારીયાના ઘા મારેલા નિશાન જોવા મળ્યા હતાં.
આ પછી મેં અને મારા ફઇના દિકરા મોહસીને જેસાણી હોલના સીસીટીવી કેમેરા ચેક કરતાં રાતે એકાદ વાગ્યે સમીર ઉર્ફ મુરઘો અને તેની સાથેના અજાણ્યા શખસો બાઇક પર આવી મારી ગાડી ઉપર સોડા બોટલોના ઘા તથા કુહાડા, તલવાર, ધારીયાના ઘા કરતાં દેખાયા હતાં. આ તોડફોડને કારણે મારી કારમાં આશરે ૨,૫૦,૦૦૦નું નુકસાન થયું છે. આ બનાવનું કારણ એવુ છે કે મારા નાના ભાઇ સોહીલને મહોરમ વખતે નીયાજ દેવા મામલે સમીર ઉર્ફ મુરઘાના નાના ભાઇ શાહરૂખ સાથે બોલાચાલી થઇ હતી. આ બાબતનો ખાર રાખી મુરઘાએ ટોળકી રચી અમારી કારમાં તોડફોડ કરી હતી. ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં એએસઆઇ એચ. કે. ડાંગર, નિલેષભાઇ મકવાણા સહિતે ગુનો દાખલ કરી મુરઘો સહિતને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે. સમીર ઉર્ફ મુરઘો નામચીનની છાપ ધરાવે છે અને મારામારી, ચોરી, ફાયરીંગ સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડયો છે. થોડા સમય પહેલા જ તેને પાસામાં ધકેલાયો હતો. ત્યાં હવે તેણે ટોળકી રચી કારમાં તોડફોડ કરી છે. તેમ પોલીસ સુત્રોએ કહ્યું હતું. (૧૪.૮)
(2:52 PM IST)










