તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
રાજકોટ-જેતપુર સિક્સલેન વિવાદ વકર્યો : વરાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને NHAI નો ૨૫ લાખનો દંડ, ધીમા કામ બદલ બે નોટિસ!
ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતીમાં બેદરકારી, હાઈવે પર વાહનોની લાંબી કતારોથી હાલાકી : જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિએ ચક્કાજામની ચીમકી ઉચ્ચારી : ૨૪% નીચા ભાવે લીધેલો પ્રોજેક્ટ અધૂરો!

રાજકોટ: રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેનું કામ સંભાળતી વરાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. ટ્રાફિક મેનેજમેન્ટ અને સલામતીમાં ઘોર બેદરકારી દાખવવા બદલ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા કંપનીને ૨૫ લાખ રૂપિયાનો જંગી દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, કામની અત્યંત ધીમી ગતિને કારણે કંપનીને બે નોટિસો પણ પાઠવવામાં આવી હોવાનું NHAI ના સૂત્રોએ જણાવ્યું છે.
હાઈવે પર લાંબી કતારો, આંદોલનની ચીમકી:
શુક્રવારે (૧૩ જુલાઈ) સાંજે ૬ વાગ્યા પછી રાજકોટ-જેતપુર હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને પગલે જનહિત હાઈવે હક્ક આંદોલન સમિતિના સભ્ય રોહિત રાજપૂત સ્થળ પર પહોંચ્યા હતા અને વાહનચાલકોની સમસ્યાને ઉજાગર કરી હતી. તેમણે જાહેર કર્યું છે કે, જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં આ સમિતિ દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે.
કાર્યની ગતિ અત્યંત ધીમી, મુદત પૂરી થવા છતાં કામ અધૂરું:
રાજકોટ-જેતપુર સિક્સલેનનું ૬૭ કિલોમીટરનું કામ સપ્ટેમ્બર-૨૦૨૨ માં ૨૪ મહિનામાં પૂર્ણ કરવાની શરતે વરાહ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સોંપવામાં આવ્યું હતું. પરંતુ, આશ્ચર્યજનક રીતે, આ એજન્સી દ્વારા અત્યાર સુધીમાં માત્ર ૨૦ કિલોમીટરનું કામ જ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીનું ૪૭ કિલોમીટરનું કામ હજુ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં ૧૮ બ્રિજ અને ૧૪ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે, જેના કારણે વારંવાર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે અને પ્રવાસીઓને પારાવાર મુશ્કેલી પડે છે.
ભૂતકાળમાં પણ વિવાદોમાં ઘેરાયેલી એજન્સી:
નોંધનીય છે કે, આજ એજન્સીને અગાઉ રાજકોટ-અમદાવાદ સિક્સલેનનો પેટા કોન્ટ્રાક્ટ પણ આપવામાં આવ્યો હતો. રાજકોટથી બામણબોર સુધીનું કામ સમયસર પૂર્ણ ન કરવા બદલ આ એજન્સીને અડધો ડઝન વખત નોટિસ ફટકારવામાં આવી હતી. આટલા વિવાદો છતાં, રાજકોટ-જેતપુર સિક્સલેનનો ૧૨૦૪ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આ એજન્સીએ ૨૪ ટકા નીચા ભાવે રાખતા સરકારે તેને આ કામ સોંપ્યું હતું. જોકે, તેમાં પણ હવે એજન્સી દ્વારા ધીમું કામ કરવામાં આવતા અને સિક્સલેન બનાવવા માટે વૈકલ્પિક માર્ગ તૈયાર ન કરતા આ ગંભીર સમસ્યા સર્જાઈ છે.
કોંગ્રેસનું આંદોલન અને NHAIની લાલ આંખ:
છેલ્લા એકાદ પખવાડિયાથી રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેને લઈને કોંગ્રેસ દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. બે-બે વખત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જ્યાં સુધી રોડ ટકાટક ન બને ત્યાં સુધી ટોલ ન વસૂલવાની માંગણી કરવામાં આવી હતી. આ દબાણને પગલે નેશનલ હાઈવે ઓથોરિટીએ વાહનચાલકોને ટોલમાં ૨૫ ટકા રાહત આપવાની જાહેરાત કરી હતી. હવે, NHAI એ કામ કરનાર એજન્સી સામે લાલ આંખ કરીને ટ્રાફિકજામ સબબ ૨૫ લાખનો દંડ ફટકાર્યો છે.
ટ્રાફિકજામ ન થાય તે માટે હાઈવે પર ૧૨ ક્રેઈન તૈનાત કરવામાં આવી છે અને બંને ટોલ નાકા ખાતે વધારાની ૨ ક્રેઈન પણ મૂકવામાં આવી છે. ગઈકાલે પીપળીયા પાસે જે જામ થયો હતો ત્યાં બેરીયર મૂકી દેવામાં આવતા થોડા કલાકોમાં ટ્રાફિક ક્લિયર થઈ ગયો હતો. જોકે, આ દંડ અને ક્રેઈનની ગોઠવણીથી લાંબા ગાળાનો ઉકેલ આવશે કે કેમ, તે જોવું રહ્યું.
(10:52 PM IST)










