<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th July 2025

રાજકોટના લાલપરીના અજય ચારોલાની ભેદી હત્યા: સવારે ઘરેથી નીકળ્યા બાદ લાશ મળી

વહેલી સવારે બનાવ: એક હિન્દીભાષી શખ્સ ઘરે આવી પિતા કાનજીભાઈને 'તુમ્હારે લડકે કો કિસીને છુરી સે મારા હૈ' કહીને ભાગી ગયો: બી ડિવિઝન પોલીસ દ્વારા તપાસ

રાજકોટઃ શહેરમાં વધુ એક રહસ્યમય હત્યા થઈ છે. કુવાડવા રોડ લાલપરી મફતિયા પરામાં રહેતા અને રૂડાનગરમાં રિક્ષાના ફેરા કરતાં પાંત્રીસ વર્ષીય યુવાનને વહેલી સવારે ચાર વાગ્યે ઘરેથી નીકળ્યો પછી લાલપરીના ઢાળ નજીક આંગણવાડી પાછળના રસ્તે કોઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી પતાવી દેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. હત્યા કોણે શા માટે કરી? તેની તપાસ શરૂ થઈ છે. હત્યા બાદ એક હિન્દીભાષી શખ્સ ઘરે આવી હત્યાનો ભોગ બનનારના પિતાને તુમ્હારે લડકે કો કિસીને છુરીસે મારા હૈ...તેમ કહી ભાગી ગયો હતો. માતા પિતા શોધવા નીકળતાં દીકરાની લાશ મળી હતી.

આ બનાવમાં બી ડિવિઝન પોલીસે  હત્યાનો ભોગ બનનાર યુવાન અજયભાઈના પિતા લાલપરી મફતીયાપરા શેરી નં-૬ સાગર પાન ચોકમાં રહેતાં કાનજીભાઈ બચુભાઈ ચારોલા કોળી (ઉ.વ-૫૬)ની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

કાનજીભાઈ ચારોલાએ જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહુ છુ અને જેતપુરમા જે સાડીઓ બને છે તે સાડીઓને ઇશ્વરીયા મહાદેવના મંદીરના પાછળના ભાગે આજી-૨ નદીમાં ધોલાઇની મજૂરીનુ કામ કરી મારૂ ગુજરાન ચલાવુ છુ. મારા પરિવારમા મારા પત્ની અને બે દિકરીઓ છે. જેમા મોટી દીકરી હીરલ ઉ.વ.૩૨ જેના ધમલપર ખાતે લગ્ન થયેલ છે. ત્યારબાદ તેનાથી નાની દિકરી રૂપા ઉ.વ.૨૨ જેના લગ્ન મોરબી ખાતે થયેલ છે તે ત્યાં સાસરે છે અને એક દિકરો જેનુ નામ અજય (ઉ.વ.૩૫) છે. તેમજ મારા દિકરા અજયની પત્નીનુ નામ કિરણ છે. મારા દીકરા અજયને બે દિકરીઓ છે. જેમા મોટી દિકરી હેમાંશી ઉ.વ.૧૩ અને નાની દિકરી જાનુ ઉ.વ.૮ અને દિકરો રાહુલ ઉ.વ.૧૦ છે. 

કાનજીભાએ વધુમાં જણાવ્યું હતું કે મારો દિકરો અજય રૂડાનગર ખાતે એસીડની રીક્ષા ચલાવી રાજકોટ શહેરમા અલગ અલગ જગ્યાએ એસીડ પહોચવાડનુ કામ કરતો હતો. તેણે ધો.-૨ સુધી લાલપરી સરકારી શાળામા અભ્યાસ કરેલ હતો. મારો દિકરો અજય તેની પત્ની અને બાળકો સાથે અમારા ઘરમા ઉપરના માળે રહે છે. જ્યારે હુ મારી પત્ની મંગુબેન સાથે નીચેના માળે રહુ છુ. 

રવિવારે તા.૧૩/૦૭/૨૦૨૫ના સવારનાં છએક વાગ્યાના સુમારે હું જાગેલ અને રોજિંદી ક્રિયાઓમાં લાગી ગયેલ બાદમાં આશરે સાતેક વાગ્યાના સુમારે હું અને મારી પત્ની અમારા ઘરે હાજર હતા તે સમયે એક શખ્સ અમારા ઘરે આવેલ અને અમોને હિંદી ભાષામાં જણાવેલ કે “તુમ્હારે લડકે કો કીસીને છુરી સે મારા હૈ. ઔર વો કુછ બોલ નહી રહા હૈ આપ જલ્દી સે આઓ." તેમ કહી આ શખ્સ ત્યાંથી ભાગીને જતો રહેલ. જેથી અમો ગભરાઈ ગયેલ અને સૌથી પહેલા ઉપરના માળે જઈ અમારી વહુ કિરણને પુછેલ કે ""અજય ક્યાં? ” ત્યારે કિરણે જણાવેલ કે ""ઈ તો સવારના ચારેક વાગ્યે મને રોટલી બનાવવાનુ કહી ઘરેથી નિકળી ગયેલ છે.” 

આ વાત પુત્રવધુ કિરણે મોને જણાવતા હું તથા મારા પત્ની ઘરેથી મારા દિકરાને શોધવા માટે નિકળી પડેલ અને શોધતા-શોધતા લાલપરી મફતીયાપરા ઢાળ ઉતરતા આવતી આંગણવાડીની પાછળના ભાગે રસ્તાના ઉપર આવતા મારો દિકરો અજય લોહીલુહાણ હાલતમાં રસ્તાની બાજુના ભાગે પડેલ હતો. અને અમોએ નજીક જઈને જોયેલ તો મારા દિકરા અજયના જમણાં પગના થાપાના નીચેના ભાગે કોઈ તીક્ષ્ણ હથિયારથી ઈજા થયેલ હોય તેવું લાગતુ હતું અને જમીન ઉપર પુષ્કળ લોહી પડેલ હતુ. અને ત્યાં ઘણાં લોકો ભેગા થયેલ હતા. તે દરમ્યાન કોઈએ ૧૦૮ ને ફોન કરેલ હોય જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ ગાડી આવેલ હતી. અને ૧૦૮ના ડોક્ટરે મારા દિકરાન અજયને તપાસી તેને મૃત જાહેર કર્યો હતો.

 સવારનાં ચાર વાગ્યાથી સાત વાગ્યા દરમ્યાન મારા દિકરા અજય સાથે કોઈ અજાણ્યા શખ્સે કોઈ કારણસર ઝગડો કરી તીક્ષ્ણ હથિયાર વડે  જમણાં પગના થાપાના નીચેના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી તેને જાનથી મારી નાખ્યો હતો.બી ડિવિઝન પીઆઇ એસ.એસ. રાણે, ડી સ્ટાફ ટીમ, ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબીની ટીમો દ્વારા તપાસ શરૂ થઈ છે.

(9:25 PM IST)