તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th July 2025
પુત્રવધુના આપઘાત કેસમાં સાસુ સસરાને જામીનમુકત કરતી રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટ

રાજકોટ તા.૧૨: પુત્રવધુની આત્મહત્યાના કેસમાં સસરા તથા સાસુના જામીન અરજી મંજુર કરવાનો હુકમ રાજકોટ સેસન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
આ કેસની હકિકત એવી છે કે, રાજકોટ શહેરમાં કોઠારિયા મેઈન રોડ વિસ્તારમાં રહેતા અનિલભાઈ હિમ્મતભાઈ સોરાણીના પત્નિ નીરુબેને પોતાના ઘરે તા.૨૦/૦૫/૨૦૨૫ ના રોજ એ પોતાની જાતે ગળે ફાંસો ખાઈ લીધેલ, જેથી આ નીરુબેનના પિતા લક્ષ્મણભાઈ મેરામભાઇ સદાદીયા એ નીરુબેનના પતિ અનીલભાઈ, સસરા હિમ્મતભાઈ અને સાસુ કૈલાશબેન વિરૂધ્ધ ફરીયાદ નોંધાવેલ કે મારી પુત્રીના લગ્ન અનીલભાઈ સાથે આશરે સાત વર્ષ અગાઉ જ્ઞાતિના રીત રીવાજ મુજબ થયેલા અને મારી પુત્રીને તેના પતિ, સસરા તથા સાસુ માનસીક અને શારીરક ત્રાસ આપી ખોટી રીતે હેરાન પરેશાન કરી મરવા માટે મજબુર કરતા મારી દીકરીએ પોતાના ઘરે ગળા ફાસો ખાઈ આપઘાત કરી લીધેલ હોય જેથી તે અંગેની ફરીયાદ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં પતિ અનીલભાઈ, સસરા હિમ્મતભાઈ અને સાસુ કૈલાશબેન સામે બી.એન.એસ. ની કલમ - ૧૦૮, ૫૪ મુજબ ફરીયાદ આપેલ . જે ફરીયાદ રાજકોટના આજીડેમ પોલીસ સ્ટેશનમાં પોલીસે નોંધતા પોલીસે આરોપીઓની ઘરપકડ કરેલ અને આરોપીને જેલ હવાલે કરેલ. ઉપર મુજબની ફરીયાદ થતાં આરોપી હિમ્મતભાઈ અને કૈલાશબેન નાઓએ રેગ્યુલર જામીન મેળવવા માટે નામદાર સેસન્સ કોર્ટમાં એડીશનલ સેસન્સ જજ સી.વી. રાણાની કોર્ટ રાજકોટમાં તેમના એડવોકેટ સત્યજીતસિંહ જે. ભટ્ટી દ્વારા જામીન અરજી કરેલ, જે ફોજદારી પરચુરણ અરજીના કામે આરોપીના એડવોકેટ શ્રી સત્યજીતસિંહ જે. ભટ્ટી દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે આરોપી નિદોર્ષ છે, કહેવાતો કોઈ ગુન્હો કરેલ નથી.
આરોપી સસરા અને સાસુ છે. સીધી કે આડકતરી રીતે સંડોવાયેલ નથી. આરોપીને ખોટી રીતે ગુનામાં સંડોવી દિધેલ છે. ફરીયાદ પાછળથી થોડા દિવસ બાદ કરેલ છે. આરોપીએ ફરીયાદીને કયારેય દુઃખ ત્રાસ આપેલ નથી. આરોપી વિરૂધ્ધ ડાઇંગ ડેકલેરેશન નથી કે કોઈ લખાણ નથી. આરોપીના પરીવારમા સંતાનો છે તેનુ ગુજરાન તથા ભરણપોષણ આરોપી ઉપર ચાલે છે. જેથી આરોપીને જામીન ઉપર મુકત કરવા જોઈએ. તેમજ આ કામના આરોપી નામદાર કોર્ટ ફરમાવે તે તમામ શરતોનું પાલન કરવા તૈયાર છે. આરોપીઓના વકીલ સત્યજીત જે ભટ્ટીએ વધુમાં દલીલ કરેલ કે આ કેસમાં કોઇપણ સંજોગોમાં બી.એન.એસ. ની કલમ - ૧૦૮, ૫૪ લાગુ પાડી શકાય નહી.
શારીરીક કે માનસીક ત્રાસને લીધે આપઘાત અંગેનો કોઈ કેસ થતો નથી. અને ખોટા આક્ષેપોવાળી ફરીયાદ આરોપી સામે કરવામાં આવેલ છે.
આમ આરોપીના વકીલ શ્રી સત્યજીતસિંહ જે. ભટ્ટીની દલીલો ગ્રાહ્ય રાખી નામદાર સેસન્સ કોર્ટ રાજકોટનાએ કેસની હકીકતો, સંજોગો તથા કાયદાના સિધ્ધાંતો ધ્યાને રાખી આરોપીઓને જામીન પર મુકત કરવાનો હુકમ એડીશ્નલ સેસન્સ જજ સી.વી. રાણાએ કરેલ છે.
આ કેસમાં આરોપી હિંમતભાઇ અને કૈલાશબેન વતી રાજકોટના ધારાશાસ્ત્રી સત્યજીતસિંહ જે. ભટ્ટી, હર્ષ બરવાડીયા, યશપાલસિંહ જાડેજા, અર્જુન જરીયા, જયદીપ વોરા રોકાયેલ હતા.
(4:14 PM IST)










