<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 12th July 2025

બપોરના સમયે કોઇ ન હોઇ નાનાને પતાવવા હર્ષ સોલંકીએ એ સમય પસંદ કર્યો'તોઃ હથોડીના દસેક ઘા ફટકાર્યા'તા

રૈયાધારમાં એકલા રહેતાં વૃધ્‍ધની હત્‍યાનો ભેદ ખુલવાની સાથે ચોંકાવનારી વિગતો સામે આવીઃ ક્રાઇમ બેઝ શો અને ફિલ્‍મો જોઇને ખોફનાક પ્‍લાનને અંજામ આપવા તૈયારી કરી હતીઃ પુરાવાનો નાશ કરવા કપડા, લાશ સળગાવવા અગાઉથી પેટ્રોલ સાથે લઇ ગયો હતો : ચહેરા પર લગરીકેય અફસોસ નથીઃ કોલેજના બીજા વર્ષમાં અભ્‍યાસ છોડી ચુકેલો ૨૦ વર્ષનો હર્ષ અવળા રસ્‍તે ચડયોઃ ૧૫ તોલા સોનાની ચોરી કરી તેના પર ૮.૬૫ લાખની લોન લીધીઃ તેમાંથી ૫ લાખનું દેણુ ભર્યુઃ ૪ લાખ એવીએટર ઓનલાઇન ગેમમાં હારી ગયોઃ ક્રેડીટ કાર્ડના એક લાખ ચડી ગયા હતાં: ૧ લાખનો એપલ ફોન વાપરતો હતોઃ હત્‍યા પછી કંઇ જાણતો ન હોય તેમ સતત પોસ્‍ટમોર્ટમ રૂમે પણ હાજર હતો : નાના મનસુખભાઇ પૈસાની સતત ઉઘરાણી કરી મેણા મારતા'તાઃ હત્‍યા બાદ નાના મરી જ ગયા છે તેની ખાત્રી કરી તેના કપડા લાશ ઉપર નાંખી પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતીઃ જો કે મોટો ભડકો થયો નહિ, ધીમે-ધીમે ખુરશી સળગી અને રાતે ધૂમાડા બહાર આવતાં ઘટના જાહેર થઇ હતી

 

 

રાજકોટ તા. ૧૨: રૈયાધારમાં શાંતિનગરના ગેઇટ સામે  મોમાઇનગર મફતીયાપરામાં એકલા રહેતાં મનસુખભાઇ આણંદજીભાઇ ટાંક (ઉ.વ.૭૩) નામના વૃધ્‍ધની કરપીણ હત્‍યાનો ભેદ પોલીે ઉકેલી નાંખતાં ચોંકાવનારી વિગતો ખુલી છે. વૃધ્‍ધ મનસુખભાઇની હત્‍યા તેના જ દોહિત્ર કોઠારીયા રોડ પીરવાડી પાછળ જુની ગણેશ સોસાયટી-૬માં રહેતાં હર્ષ બિપીનભાઇ સોલંકી (ઉ.વ.૨૦)એ કરી હોવાનું ખુલતાં તેની ધરપકડ કરી લેવાઇ છે. હર્ષે આ ખોફનાક પ્‍લાનને અંજામ આપતાં પહેલા ક્રાઇમ બેઝ સિરીઝ, ફિલ્‍મ જોયા હતાં અને પુરાવાનો નાશ કેમ કરવો તેની માહિતી પણ ઓનલાઇન મેળવી હતી. નાના મનસુખભાઇને ૪ લાખ અને  બીજા ૩૮ હજાર ચુકવવાના હોઇ આ રકમની તે સતત ઉઘરાણી કરતાં હોઇ અને હર્ષ અગાઉ ચોરીના ગુનામાં આવી ગયો હોઇ તે બાબતે પણ તેને નાના મેણા મારતાં હોઇ તેની હત્‍યા કરી હોવાનું કબુલ્‍યું છે. બપોરના સમયે મોટે ભાગે લોકોની અવર-જવર ઓછી હોઇ તેણે હત્‍યા માટે એ સમય પસંદ કર્યો હતો અને હથોડીના આઠથી દસ ઘા ફટકારી નાનાને પતાવી દીધા હતાં.

ડીસીપી જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે હત્‍યાની ઘટના જાહેર થતાં અલગ અલટ ટીમોએ સીસીટીવી કેમેરા ચેક કરવા, હ્યુમન સોર્સ, ટેકનીકલ સોર્સની મદદથી તપાસ આરંભી હતી. આ તપાસમાં હત્‍યાનો ભોગ બનનાર વૃધ્‍ધના દિકરી દક્ષાબેન બિપીનભાઇ સોલંકીનો દિકરો હર્ષ શંકાના દાયરામાં આવતાં તેને પોલીસે ઉઠાવી લીધો હતો. પરંતુ પોતે કંઇ જાણતો જ ન હોવાનું રટણ કર્યુ હતું. અંતે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા સામે આવતાં હર્ષએ હત્‍યાનો ગુનો કબુલ્‍યો હતો.

હર્ષ રાજકોટ પી.ડી. માલવીયા કોલેજમાં  ભણતો હતો. પરંતુ બી કોમના બીજા વર્ષમાં અભ્‍યાસ અધુરો છોડી દીધો હતો. એ પછી તે અવળા રસ્‍તે ચડયો હતો અને અમદાવાદ સોલા વિસ્‍તારમાં સોનામહોર જ્‍વેલર્સમાથી પંદર તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ દાગીના પેડક રોડ પર બેંકમાં મુકી રૂા. ૮,૬૫,૦૦૦ની ગોલ્‍ડ લોન લીધી હતી. આ લોનના રૂપિયામાંથી ૫ લાખનું દેણુ ભર્યુ હતું. ૪ લાખ ઓનલાઇન એવીએટર ગેમમાં હારી ગયો હતો. ૧ લાખનો એપલનો ૧૫ મોડેલનો રોકડેથી મોબાઇલ લીધો હતો. બાકીના ૨ લાખ પિતા બિપીનભાઇને આપ્‍યા હતાં. જો કે બાદમાં હર્ષ ચોરીના ગુનામાં પકડાઇ જતાં મુદ્દામાલ જમા કરાવવાનો હોઇ પિતા બિપીનભાઇએ અમુક રકમ પોતાની પાસેથી સગા સંબંધીઓ પાસેથી એકઠી કરી હતી. બાકીના ૪ લાખ સસરા મનસુખભાઇ પાસેથી લીધા હતાં.

જો કે મનસુખભાઇ પોતે આપેલી રકમનું દર મહિને ૪ હજાર વ્‍યાજ વસુલતા હતાં. આ ઉપરાંત હર્ષએ બીજા ૩૫ હજાર પણ નાના મનસુખભાઇ પાસેથી લીધા હોઇ તેનું પણ તે ૧૮૦૦ માસીક વ્‍યાજ ભરતો હતો. હર્ષ છુટયા બાદ નાના મનસુખભાઇ તેની પાસે અવાર-નવાર પોતાના રૂપિયાની ઉઘરાણી કરતાં હતાં અને તે ચોરીમાં પકડાયો હોઇ સમાજમાં નામ બદનામ કર્યુ છે તેમ કહી મેણા ટોણા મારતાં હોઇ જેથી હર્ષને ખુબ ગુસ્‍સો આવ્‍યો હતો. નાના પાસેથી લીધેલા પૈસા ચુકવવા ન પડે અને કાયમની કચ-કચમાંથી છુટકારો મળી જાય એ માટે તેણે નાની હત્‍યાનો પ્‍લાન ઘડયો હતો. ક્રાઇમ બેઝ વેબ શો, દ્રશ્‍યમ ફિલ્‍મ અને પુરાવાનો નાશ કરવા અંગને કેટલાક વિડીયો તેણે જોયા પછી હત્‍યાને અંજામ આપ્‍યો હતો. હત્‍યા થઇ એ દિવસે સવારે તે માધાપર ચોકડીએથી શીશામાં પેટ્રોલ લઇને પહોંચ્‍યો હતો. પણ સવારે સફળતા ન મળતાં બપોરે પોણા ત્રણથી પોણા ચારના સમયમાં મોટા ભાગના લોકો સુતા હોઇ અને અવર-જવર ઓછી ફરી એ સમયે એક્‍ટીવામાં પેટ્રોલની બોટલ લઇ પહોંચી ગયો હતો.

તે ઘરમાં ગયો પછી નાના મનસુખભાઇ સાથે થોડો સમય વાતો કરી હતી. જેવા તેના નાના તિજોરમાંથી કંઇક લેવા ઉભા થયા એ સાથે જ તે હથોડીથી તૂટી પડયો હતો અને આઠ-દસ ઘા ઝનૂનની ફટકારી મોતને  ઘાટ ઉતારી દીધા હતાં. નાના મૃત્‍યુ પામ્‍યા છે તેની ખાત્રી કર્યા બાદ પુરાવાનો નાશ કરવા તેણે લાશ પર કપડા નાંખ્‍યા હતાં અને પેટ્રોલ છાંટી કાંડી ચાંપી હતી. પૈસાના હિસાબની ડાયરી પણ સળગાવી નાંખી હતી.

જો કે કોઇપણ કારણોસર આગ વધુ લાગી નહોતી, એટલે લાશ પુરી સળગી નહોતી. હત્‍યા બાદ હર્ષ નિરાંતે નીકળી ગયો હતો અને ઘરે જઇ સુઇ ગયો હતો.  જો કે આગના તણખા સાવ બુઝાયા ન હોઇ તેના કારણે ખુરશી સળગી હતી અને રાત પડયો વધુ ધૂમાડો થતાં પડોશીને જાણ થઇ હતી. આ રીતે ઘટના જાહેર થઇ હતી. હત્‍યા બાદ હર્ષ પોસ્‍ટમોર્ટમ રૂમે પણ હાજર હતો અને જાણે પોતે કંઇ જાણતો ન હોઇ તેવું વર્તન કરતો હતો. જો કે અંતે પોલીસ તપાસમાં તેનો ભાંડો ફુટયો હતો.  તેના ચહેરા પર આ ગુનો આચર્યાનો લગરીકેય અફસોસ નહોતો. (૧૪.૬)

 

 

 

ડીસીપી, એસીપીનું સુપરવિઝન, બે પીઆઇ, ચાર પીએસઆઇ અને તેમની ટીમોની કામગીરી

ઞ્જપોલીસ કમિશનર બ્રજેશુકમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાના માગર્દશન હેઠળ ડીસીપી ઝોન-૨ જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇના સીધા સુપરવીઝન અને રાહબરીમાં  પીઆઇ એચ. એન. પટેલ, એએસઆઇ જગમાલભાઇ ખટાણા, હેડકોન્‍સ. વિજુભા જાડેજા, મહિપાલસિંહ જાડેજા, વિરદેવસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્‍સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્‍યરાજસિંહ જાડેજા, મૈસુરભાઇ કુંભારવાડીયા તથા એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. કુલદીપસિંહ રાણા, નાસતા ફરતા સ્‍ક્‍વોડના અનિલભાઇ જીલરીયા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરા, ડીસીબીના પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ એમ. કે. મોવલીયા, એ. એન. પરમાર, એએસઆઇ વિજયરાજસિંહ જાડેજા, હેડકોન્‍સ. પ્રદિપસિંહ જાડેજા, જયદેવસિંહ પરમાર, કોન્‍સ. સંજયભાઇ ખાખરીયા અને પ્રતિકસિંહ રાઠોડે આ કામગીરી કરી હતી.

(2:53 PM IST)