તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
રાજકોટ, અમદાવાદના શખ્સ કોપી કરી સળીયા બનાવી વેંચતા'તાઃ ૩૨.૩૦ લાખનો મુદ્દામાલ કબ્જે
વાંકાનેરના જાલીડામાં અજય સ્ટીલ ફેક્ટરીમાં સીઆઇડી ક્રાઇમનો દરોડો : ભાવનગરની સળીયા કંપનીના અધિકારી આદિત્ય નાગરની રાજકોટ સીઆઇડી ક્રાઇમ ઝોનમાં ફરિયાદઃ અમદાવાદના કનૈયાલાલ પટેલ, કુંભારવાડાના યામીન ગાંજા વિરૂધ્ધ કોપીરાઇટનો ગુનો દાખલ થયો

રાજકોટ તા. ૧૦: વાંકાનેરના જાલીડા ગામે અજય સ્ટીલ નામની ફેક્ટરીમાં અમદાવાદના શખ્સ અને રાજકોટના કુંભારવાડાના શખ્સે મળી ભાવનગર કાળીયાબીડની રૂદ્ર ટીએમટી કંપનીના લોખંડના સળીયાની કોપી કરી રૂદ્રએક્સ ટીએમટીના નામે સળીયાનુ ઉત્પાદન કરી વેંચાણ ચાલુ કર્યુ હોઇ કંપનીના અધિકારીએ સીઆઇડી ક્રાઇમની ટીમની સાથે રાખી દરોડો પાડતાં આ ફેક્ટરીમાં કોપીરાઇટ ભંગ થતો હોઇ બંને સામે ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે ફેક્ટરીમાંથી અલગ અલગ માપ સાઇઝના સળીયા, ડાય, સળીયા પેક કરવાના સ્ટીકરના બોક્સ તેમજ અન્ય બે સળીયાની ડાય મળી કુલ રૂા. ૩૨,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં સીઆઇડી ક્રાઇમ રાજકોટ ઝોન પોલીસ સ્ટેશનમાં અમદાવાદ ન્યુ રાણીપ ગણેશ હોમ્સ ચેનપુર રોડ-૪૦૩ ખાતે રહેતાં આદિત્યભાઇ અમરીશભાઇ નાગર (ઉ.વ.૪૩)ની ફરિયાદ પરથી રાજકોટ કુંભારવાડા મેઇન રોડ પર રહેતાં યામીનભાઇ મહમદભાઇ ગાજા અને અમદાવાદ સોલાના કનૈયાલાલ તુલસીદાસ પટેલ વિરૂધ્ધ કોપીરાઇટ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
આદિત્યભાઇ નાગર ભાવનગરના કાળીયાબીડમાં આવેલી રૂદ્ર ગ્લોબલ ઇન્ફા પ્રોડક્ટસ લિમટેડ નામની કંપનીમાં હેડ ઓફ મિડીયા અને એડવર્ટાઇઝીંગ તરીકેની ફરજ બજાવે છે. કંપનીના કોપીરાઇટ અને ટ્રેડ માર્કના હક્કોના રક્ષણની ફરજ તેને બજાવવાની હોય છે. આ માટે તેને કંપનીના ડિરેક્ટર તરફથી ઓથોરીટી લેટર મળ્યો છે. આ કંપની રૂદ્ર ટીએમટી નામે બાર્સનું વેચાણ, ઉત્પાદન, સંગ્રહ, જાહેરાત અને સપ્લાય કરે છે. કંપનીના કોપીરાઇટ હક્કોનો કોઇ ભંગ કરે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરવાની જવાબદારી આદિત્યભાઇ નીભાવે છે.
તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે અમને માહિતી મળી હતી કે વાંકાનેરના જાલીડા ગામે આવેલી અજય સ્ટીલ નામની ફેક્ટરીમાં અમારી રૂદ્રા ટીએમટી બાર્સનું કોપી કરી રૂદ્રા એક્સ ટીએમટીના નામે વેંચાણ થાય છે. આથી અમે સીઆઇડી ક્રાઇમમાં જાણ કરતાં અમે તથા પીએસઆઇ એ. સી. ઇશરાણી, હેડકોનસ. વિષ્ણુભાઇ, કોન્સ. દિનેશભાઇ સહિતનાએ જાલીડા ગામે અજય સ્ટીલ ફેક્ટરીમાં પહોંચી તપાસ કરતાં ત્યાં એક વ્યક્તિ હાજર હોઇ તેની પુછતાછ કરતાં પોતાનું નામ યામીન મહમદભાઇ ગાંજા (રહે. કુંભારવાડા મેઇન રોડ, હાડવૈદ્ય સુરાભાઇના દવાખાનાની સામે, રાજકોટ) જણાવ્યું હતું. તેમજ પોતે આ ફેક્ટરીના માલિક હોવાનું કહ્યુ઼ હતું.
આ ફેક્ટરીમાં અમારી રૂદ્ર ટીએમટી બાર્સના નામે કોપી કરી રૂદ્ર એક્સ ટીએમટીના નામે વેંચાણ થતું હોઇ આ બાબતે તેને પુછતાં તેણે કહેલું કે તેણે રૂદ્ર એક્સ ટીએમટી બ્રાન્ડના માલિક અમદાવાદ સોલાના કનૈયાલાલ તુલસીદાસ પટેલના નામે ટ્રેડ માર્ક કરાવેલ છે. આ તેણે બતાવેલ પરંતુ કોપીરાઇટ રજીસ્ટ્રેશન માંગતા તે ન હોઇ તેની સામે ગુનો નોંધાવ્યો હતો. ફેક્ટરીમાંથી રૂદ્ર એક્સ ટીએમટી બ્રાન્ડની બાર્સના રેપરવાળા લોખડના સળીયાનો જથ્થો મળી આવ્યો હતો. જે કબ્જે કરાવ્યો હતો.
આઠ એમએમની સાઇઝના ૩,૫૦,૦૦૦ના ૭૦૦ કિલો સળીયા, ૧૦ એમએમના ૪,૬૦,૦૦૦ના ૯૦૦૦ કિલો સળીયા, ૧૨ એમએમના ૬,૩૦,૦૦૦ના ૧૨૫૦૦ કિલો સળીયા, ૧૬ એમએમ સાઇઝના ૫,૦૦,૦૦૦ના ૧૦,૦૦૦ કિલો સળીયા, ૨૦ એમએમના ૩,૫૦,૦૦૦ના ૭૦૦૦ કિલો અને ૧૨ તથા ૧૦ એમએમ મિક્સમાં ૩,૦૦,૦૦૦ના ૭૦૦૦ કિલો અને રૂદ્ર એક્સ ટીએમટી સળીયાની ડાયના રોલ નંગ-૩ તેમજ ફ્રેન્ડસ અને જીએમ સળીયાની ડાય પણ મળી અને સળીયાની પેકેજીંગના રૂદ્ર એક્સ ટીએમટી સ્ટીકરના ત્રણ બોક્સ મળી કુલ ૯૮૦૦૦નો માલસામાન મળી આ તમામ થઇ કુલ રૂા. ૩૨,૩૦,૦૦૦નો મુદ્દામાલ સીઆઇડી ક્રાઇમની ટીમે કબ્જે કર્યો હતો.
આમ રૂદ્ર એક્સ ટીએમટી બ્રાન્ડના માલિક અમદાવાદના કનૈયાલાલ પટેલ અને રાજકોટના યામીન ગાંજાએ જાલીડાની અજય સ્ટીલ નામની ફેક્ટરીમાં રૂદ્ર ગ્લોબ ઇન્ફા પ્રોડક્ટસ લિ.ની રૂદ્ર ટીએમટી બાર્સનુ કોપી કરી રૂદ્ર એક્સ ટીએમટીના નામે વેંચાણ, ઉત્પાદન, સંગ્રહ, જાહેરાત, સપ્લાય કરતાં હોઇ બંને સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાવાયો હતો. સીઆઇડી ક્રાઇમના ડિટેક્ટીવ ઇન્સ. એસ. એ. પાટીલ વધુ તપાસ કરે છે
(4:23 PM IST)










