News of Thursday, 10th July 2025
મનપાના પ્લાસ્ટીક પ્રદુષણ દૂર કરવા માય થેલી અભિયાનમાં ૧૯૩૮ લોકો જોડાયા
દર ગુરૂ-શુક્ર શહેરના ૬ સ્થળોએ અભિયાન ચાલી રહ્યું છે સખી મંડળની બહેનો દ્વારા જુના કપડામાંથી ૩૨૭૫ કાપડની થેલીઓ બનાવી વિતરણ કરવામાં આવી

રાજકોટ, તા. ૧૦ : ૦૫ જુન વિશ્વ પર્યાવરણ દિન-૨૦૨૫ની ઉજવણીનાં અનુસંધાને મહાનગરપાલિકા દ્વારા ‘‘સ્વચ્છ ભારત મિશન'' હેઠળ પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે તા.૦૫-જુન થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન "My Theli" કેમ્પેઈનનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં, અઠવાડીયાના બે દિવસ (ગુરૂવાર અને શુક્રવાર)નાં રોજ શહેરના છ સ્થળોએથી સખી મંડળના બહેનો મારફત નાગરિકો દ્વારા લાવેલ જુના કપડામાંથી કાપડની આકર્ષક થેલી સ્થળ પર જ સિલાઈ કરી આપવામાં આવશે.
આ કેમ્પેઇનથી પ્લાસ્ટિકથી થતા પ્રદુષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે તમામ ઘર પ્લાસ્ટિકની થેલીથી મુકત થાય તે માટે ૧. સેન્ટ્રલઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબર રોડ, ૨. વોર્ડઓફીસ, વોર્ડ નં. ૧૭(અ), સહકાર નગર મેઈન રોડ, શાળા નં. ૫૧ની બાજુમાં ૩. ઇસ્ટઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા, ભાવનગર રોડ, ૪. વોર્ડઓફીસ, વોર્ડ નં. ૪, ૫૦ ફૂટ રોડ, રાજેશ ઓઈલમિલ સામે, દેવલોક પાર્ક ગેટ સામે, ૫. વેસ્ટઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા, બીગ બજાર પાસે, ૬. મલ્ટીએક્ટીવીટી સેન્ટર, નાના મૌવા સર્કલ પાસે દર ગુરૂ-શુક્ર કાર્યરત છે. અત્યાર સુધી કુલ ૧૯૩૮ શહેરીજનો દ્વારા સેન્ટરની મુલાકાત લીધેલ અને ૩૨૭૫ જેટલી જુના કપડામાંથી કાપડની થેલી સ્વસહાય જૂથના બહેનો દ્વારા સ્થળ પર જ સિલાઈ કરી આપવામાં આવેલ હતી.આ ‘‘માય થેલી'' સવારનાં ૧૦ થી ૦૨ અને બપોરના ૦૩ થી સાંજના ૦૬ કલાક સુધી (દર ગુરુવાર અને શુક્રવાર)નાં રોજ જોડાઇ શકશે. શહેરના નાગરિકોને આ કેમ્પેઈનમાં જોડાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
(3:34 PM IST)










