<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

લોકમેળો : મોટી રાઇડ માટે આજે છેલ્લો દિવસઃ પછી નો એન્‍ટ્રી : કલેકટરની સાફ વાત

નાની રાઇડ-ખાણીપીણી-રમકડા માટે ફોર્મ ઉપાડ-ભરવા અંગે વધુ પાંચ દિવસ વધારી દેવાયા : ૧પમી સુધી એન્‍ટ્રીની જાહેરાત : દબાણ અંગે કલેકટર આક્રમકઃ મહિકા-અમરગઢ -ભીચરીના દબાણો અંગે અભ્‍યાસ ચાલુઃ સ્‍ટાફ કે જેની પણ સંડોવણી હશે તેની સામે પગલાઃ ૮ દિવસ પછી પરીણામ આપીશ : કલેકટર સમક્ષ હાલ ૬રપ કેસો પેન્‍ડીંગ : બે વર્ષથી વધુ પેન્‍ડીંગ હોય તેવા રર૯ કેસોઃ તેને પહેલી પ્રાયોરીટી અપાશે : ચુંટણી પંચના નવા નિયમો મુજબ રાજકોટ શહેર-જીલ્લામાં ૬રપ થી વધુ મતદાન મથકો વધી શકે છેઃ હાલ આ પ્રાથમીક સ્‍ટેજે

 

રાજકોટ, તા., ૧૦: રાજકોટ જીલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશે આજે લોકમેળા અંગે પ્રશ્નોતરી અને માત્ર રપ ફોર્મ ભરાયા, ૧૩૦ ફોર્મ ઉપડયા, તથા મોટી રાઇડ માલીકો આવ્‍યા નથી, તે અંગે સાફ સાફ વાત કરતા અને જાહેરાત કરતા જણાવેલ કે મોટી રાઇડ માલીકો માટે આજે છેલ્લો દિવસ છે. પછી એન્‍ટ્રી નહી મળે. કારણ કે બાદમાં મોટી રાઇડ ધારકો પાછળથી આવે તો પણ ફાઉન્‍ડેશન સહિતની બાબતે ઇન્‍સ્‍ટોલેશન શકય નથી.

કલેકટરની આ જાહેરાતથી હવે તંત્રે મેળા અંગે તડામાર તૈયારીઓ રાઇડ વગર મેળો યોજવા શરૂ કરી છે. બીજી બાજુ રાઇડ માલીકોને આજે મુખ્‍યમંત્રી કાર્યાલયથી તેડુ આવ્‍યું હોય, આગેવાનો ગાંધીનગર દોડી ગયા છે.

ઓછા ફોર્મ-ઓછા સ્‍ટોલ અંગે કલેકટરે જણાવેલ કે અમે નાની રાઇડ, ખાણીપીણી, રમકડા તથા અન્‍ય સ્‍ટોલ ધારકો માટે કાલ પછી ૩ થી પ દિવસ ફોર્મ ઉપાડ-ભરવા અંગે વધારી રહયા છીએ. તંત્રે આ ચોથી વખત મુદત વધારી છે. હવે ૧પ મી સુધી નાના સ્‍ટોલ ધારકોને માટે ફોર્મ ઉપાડ-ભરવા અંગે કાર્યવાહી થશે.

તેમણે જણાવેલ કે આ દિવસો વધાર્યા બાદ સ્‍થિતિ કેવી ડેવલપ થાય છે તેના ઉપર અન્‍ય કાર્યક્રમો અંગે નિર્ણયો લેવાશે.

દબાણો અંગે કલેકટરે જણાવેલ કે દબાણ હટાવ ઝુંબેશ ચાલુ જ રહેશે. તેમજ મહિકા અને અમરગઢ-ભીચરીમાં કરોડોની જમીન ઉપર પાકા બાંધકામોનું દબાણ અંગે ડો. ઓમપ્રકાશે જણાવેલ કે હાલ આ બંને ગામો અંગે અભ્‍યાસ કરી રહયો છું. આમા સ્‍ટાફ કે અન્‍ય કોઇ જેની પાસે સંડોવણી હશે તેમને છોડાશે નહી, તમને ૮ દિ'માં પરીણામ મળશે.

રેવન્‍યુ કેસો પેન્‍ડીંગ અંગે કલેકટરે જણાવેલ કે હાલ ૬રપ જેટલા કેસો પેન્‍ડીંગ છે. તેમાં પણ બે વર્ષ કે તેથી વધુ વાળા રર૯ કેસો પેન્‍ડીંગ છે. આ કેસોને પ્રથમ પ્રાયોરીટી આપી ઝડપી સુનાવણી અંગે હાથ ઉપર લેવાયા છે. આજે કલેકટરના બપોર બાદ મહેસુલ-અપીલના બોર્ડમાં ૩પ કેસો અંગે સુનાવણી થનાર છે.

ચુંટણી પંચના તાજેતરના મતદાન મથક દીઠ ૧ર૦૦ મતદાર રાખવા અંગે કલેકટરે અકિલાને જણાવ્‍યું હતું કે, આ નિયમથી રાજકોટ શહેર-જીલ્લામાં ૬રપ આસપાસ નવા બુથો વધી શકે છે. આ મતલબનો રીપોર્ટ કરાયો છે. સ્‍ટાફમાં પણ વધારો થશે. પરંતુ આ બધુ પ્રિમેચ્‍યોર છે. ફાઇનલ ચુંટણી પંચની સુચના મુજબ કાર્યવાહી થશે.

રાજકોટ શહેર જીલ્લાના તમામ બ્રીજની સ્‍થિતિ અંગે કલેકટરે જણાવ્‍યું હતું કે આ બાબતે ગઇકાલે સાંજે મીટીંગ લેવાઇ હતી.  અને ૪૮ થી ૭ર કલાકમાં તમામ બ્રીજની સ્‍થિતિ જાણી રીપોર્ટ કરવા સબંધીત અધિકારીઓને જાણ કરી દેવાઇ છે. બાદમાં જે તે પુલ અંગે કાર્યવાહી થશે. (૪.૧૯)

(3:06 PM IST)