<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th July 2025

રાજકોટ લોકમેળોઃ કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસઃ માત્ર રપ ફોર્મ ભરાયા હોય જે ફોર્મ ભરશે તેને સ્‍ટોલ મળી જશે

હાલ કુલ ર૩૮ સ્‍ટોલઃ પરંતુ તંત્ર હવે સ્‍ટોલ ઘટાડશેઃ આખો પ્‍લાન ફેરવવા આદેશો... : હજુ મંડપ-સફાઇ-સિકયોરીટી-લાઇટના ટેન્‍ડરો મંગાવાયા જ નથીઃ આખો મેળો કડક SOPના કારણે ગોટે ચડયો

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટનો રેસકોર્સ મેદાન પર યોજાનાર કલેકટર તંત્ર આયોજીત આખો લોકમેળો રાઇડ સંચાલકો માટેની કડક એસઓપીને કારણે ગોટે ચડી ગયો છે.

લોકમેળામાં તંત્રે રમકડા, ખાણીપીણી, નાની-મધ્‍યમ ચકરડી, ટી-કોર્નર, આઇસ્‍ક્રીમ ચોકઠા અને રાઇડો મળીને કુલ ર૩૮ સ્‍ટોલ રાખ્‍યા, પરંતુ જેટલા સ્‍ટોલ રાખ્‍યા છે તેટલા ફોર્મ ઉપડયા નથી, માત્ર ૧૩૦ ફોર્મ ગયા છે, અને રપ ભરાયા છે, તેમાં ૬ તો આઇસ્‍ક્રીમ ચોકઠાના છે, તંત્રે ત્રણ વખત ફોર્મ ઉપાડવા-ભરવા અંગે મુદત વધારી, આજે ફોર્મ ઉપાડનો અને કાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, હવે તંત્ર મુદત વધારવાનું નથી, આથી શેરબજારમાં કોઇ કંપની ફર્મ એલોટમેન્‍ટ જાહેર કરે તેમ જે ફોર્મ ભરશે તેને સ્‍ટોલ મળી જાય તેવો ઘાટ રચાયો છે.

અધિકારી સુત્રોના કહેવા મુજબ ફોર્મ ઓછા ગયા હોય, અમારે ફરજીયાત સ્‍ટોલ ઘટાડવા પડશે, જેના પરિણામે આખો પ્‍લાન ફેરવવા અંગે સુચના અપાઇ છે, બીજી બાજૂ હજુ મંડપ, સફાઇ, સિકયોરીટી, લાઇટ અંગેના ટેન્‍ડરોના કોઇ ઠેકાણા નથી, ટેન્‍ડરો મંગાવાયા નથી, આમ આખો મેળો કડક એસઓપીના કારણે ગોટે ચડી ગયો છે.

મેળામાં ઉંચા ફજતફાળકા, મોટા ઝૂલા, ઉંચક-નીચક, મોતના કૂવા, ટ્રેન વિગેરેનું મૂખ્‍ય આકર્ષણ હોય છે, આ લોકો આવ્‍યા નથી, જેના પરિણામે રમકડા-ખાણીપીણીના સ્‍ટોલ ધારકો પણ મેદાનમાં ઉતર્યા નથી, આથી મેળો અત્‍યારથી ફિકકો પડી ગયો છે.

કલેકટર તંત્રનું કહેવુ છે કે ભલે રાઇડના ધંધાર્થીઓ આવ્‍યા ન હોય, મેળામાં અમારી પાસે ૩૦ થી ૪૦ ટકા જગ્‍યા રહેશે, જયાં અવનવી સ્‍પર્ધાઓ, નવી નવી રમતો, યોગ સહિતની બાબતો રાખવા અંગે તૈયારીઓ કરી છે, તંત્રને આશા છે કે, લોકમેળો દર વર્ષની જેમ જમાવટ કરશે, અને રાજકોટ સહિત સૌરાષ્‍ટ્રભરમાંથી હરખ ઘેલી પ્રજા જન્‍માષ્‍ટમીના તહેવારો માણવા મેળામાં ઉમટી પડશે તેવી આશા છે.

(11:23 AM IST)