તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Wednesday, 9th July 2025
એસટી બસ પોર્ટ પર વિદ્યાર્થી પાસની હાલાકીઃ મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત

રાજકોટ : રાજકોટ એસટી બસ પોર્ટ પર વિદ્યાર્થી પાસ કઢાવવામાં પડતી હાલાકીને લઈને ગુજરાત એસટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે. સમિતિના સભ્યો ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, લાખાભાઈ ઊંધાડ, એસ.પી. રાજાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, પ્રફુલાબેન ચૌહાણ, કૈલાશબેન વાઘેલાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે કે વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અનિヘતિ સમય : પાસની બારી ગમે ત્યારે ખુલે છે અને ગમે ત્યારે બંધ થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને ધરમધક્કા થાય છે. અગાઉ સવારે ૭ વાગ્યે ખુલતી બારી હવે ૯ વાગ્યે ખોલવામાં આવે છે.
સર્વર ડાઉન : વારંવાર સર્વર ડાઉનની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને લાંબી લાઇનોમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે.
બેઠક વ્યવસ્થાનો અભાવ : પાસ કઢાવવાના સ્થળે બેઠક વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને ઊભા રહેવાની ફરજ પડે છે.
જાણકારીનો અભાવ : પાસ બારી પર પાસ કાઢવાના સમયનું કોઈ બોર્ડ લગાવવામાં આવેલ નથી.
આ સમસ્યાઓ અંગે સમિતિના ગજેન્દ્રસિંહ ઝાલાને હેલ્પલાઇન નંબર ૯૪૨૬૨ ૨૯૩૯૬ પર ટેલિફોનિક ફરિયાદ મળતા, તેમણે તાત્કાલિક એસટી બસ પોર્ટની મુલાકાત લીધી અને ફરજ પરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એ.ટી.આઈ. આર.ડી. મકવાણાને ટેલિફોનિક રજૂઆત કરી. બાદમાં, રાજકોટના સિનિયર ડેપો મેનેજર શ્રી ઘનશ્યામભાઈ હરિભાઈ ચગને આ અંગે લેખિત ફરિયાદ કરવામાં આવી, જેમાં નીચેની માંગણીઓ કરવામાં આવી છે.
પાસ બારીનો સમય જૂના સમય મુજબ સવારે ૭ વાગ્યાનો કરવો. પાસ કાઢવાના સમય દર્શાવતું બોર્ડ તાત્કાલિક લગાવવું. વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા ઊભી કરવી. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે પાસમાં સ્વાભાવિક રીતે થતી ભીડને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અલગ લાઇનોની વ્યવસ્થા કરવી. જરૂર જણાય તો વધુ એક પાસ બારી ખોલવી. મુસાફર હિતરક્ષક સમિતિએ વિદ્યાર્થીઓને પડતી આ હાલાકી તાત્કાલિક નિવારવા અપીલ કરી છે.
(3:56 PM IST)










