તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 7th July 2025
છેલ્લા સપ્તાહમાં ઝાડા-ઉલ્ટી-શરદી-ઉધરસ-તાવના ૧૯૨૮ કેસ
વરસાદી ઋતુમાં રોગચાળાનો ફુફાડોઃ ગત અઠવાડીયા કરતા શહેરમાં આ અઠવાડીયામાં દર્દીની સંખ્યામાં વધારોઃ ચીકનગુનીયાના ૧ દર્દીઃ ૪૪૮૨૫ ઘરોમાં પોરાનાશક કામગીરીનો દાવોઃ મચ્છર ઉત્પતિ સબબ ૩૩૫ને નોટીસ

રાજકોટ, તા.૭: શહેરમાં ચોમાસા ઋતુમાં રોગચાળાનો પગપેસારો વધુ થવા પામ્યો છે. કેમ કે, મનપાના આરોગ્ય વિભાગમાં ગત સપ્તાહ કરતા આ સપ્તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળ્યા છે.
ગત અઠવાડીયે ૧૮૦૦ જેટલા દર્દી મનપા તંત્રનાં ચોપડે નોંધાયા છે. જયારે આ સપ્તાહે ૧૯૦૦થી વધુ દર્દી નોંધાયા છે. મચ્છરજન્ય રોગના ૩ કેસ નોંધાયો છે.
આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૩૦ જુન થી ૬ જુલાઇ સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્છરજન્ય રોગચાળાનો ૧ કેસ
છેલ્લા સપ્તાહમાં ચીકનગુનીયાના ૧ કેસ નોંધાયો છે.
શરદી-તાવના ૧૯૨૮ થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ ૬૯૯ તેમજ સામાન્ય તાવના ૯૩૮ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૨૯૧, ટાઇફોડના ૨ તથા કમળાના ૪ સહિત કુલ ૧૯૨૮ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૯,૪૩૭ તેમજ સામાન્ય તાવના ૧૯,૭૭૪ અને ઝાડા-ઉલ્ટીના કેસ ૫૧૧૪ તથા ટાઇફોડનો ૫૭ તેમજ કમળાના ૭૭ કેસ નોંધાયા છે.
મચ્છર ઉત્પતિ સબબ ૩૩પને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ધનીષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૪૪,૮૨૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૩૫૨ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૬૭૯ થી વધુ સ્થળોએ મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ દેખાતા ૩૩પ લોકોને નોટીસ પાઠવી હતી.(૨૮.૧)
(2:51 PM IST)










