<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

બુધવારે LIC સહિત કેન્‍દ્રિય ટ્રેડ યુનિયનોની રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલઃ વીમા કાનૂન સૂધારા બીલનો વિરોધ

રાજકોટ હોસ્‍પીટલ ચોકમાં ધરણા કરાશે : વીમા-બેન્‍કીંગ ક્ષેત્રે ખાનગીકરણની તજવીજ સામે યુનિયનો આક્રમક

 

આગામી તા. ૯મી જુલાઈને બુધવારે કેન્‍દ્રીય ટ્રેડ યુનિયનોએ  વીમા અને બેન્‍કિંગ ક્ષેત્રે ખાનગીકરણ સહિતના કેન્‍દ્ર સરકારના વિવિધ પગલાના વિરોધમાં તથા મજૂર કાયદાઓમાં સુધારા વધારા કરવાની સરકારની તજવીજના વિરોધમાં વિવિધ માગણીઓ સાથે રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલનું એલાન આપેલ છે. તેમાં જીવન વીમા સંસ્‍થા એલઆઇસી ઓફ ઇન્‍ડિયાના રાષ્‍ટ્રીય સ્‍તરના સંગઠન ઓલ ઇન્‍ડિયા ઇન્‍સ્‍યોરન્‍સ એમ્‍પ્‍લોઇઝ એસોસિયેશનના દેશભરના કર્મચારીઓ સહિત કેન્‍દ્રીય ટ્રેડ યુનિયનોના લાખો કર્મચારીઓ હડતાલમાં જોડાશે . તેથી આ હડતાલ અભૂતપૂર્વ બની રહેશે.

ગત મે માસમાં દિલ્‍હી ખાતે ટ્રેડ યુનિયનના અગ્રણીઓની મીટીંગ મળી હતી. તેમાં પ્રથમ તા. ૨૦મી મે ના રોજ કેન્‍દ્ર સરકારની આર્થિક નીતિઓનો વિરોધમાં હડતાલનું એલાન આપવાનું નક્કી કરવામાં આવેલ. પરંતુ તે સમયે પહેલગામમાં આતંકી હુમલો થતા તે પરિસ્‍થિતિને ધ્‍યાનમાં લઇ એ એલાન પાછું ખેંચી તા. ૯મી જુલાઈને બુધવારે રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલ પાડવાનું નક્કી કરવામાં આવેલ. તે મુજબ આ હડતાલ પાડવામાં આવશે. વીમા ક્ષેત્રે વિદેશી મૂડી રોકાણનું પ્રમાણ વધારીને ૧૦૦% કરવાના સરકારના પગલાનો વિરોધ, વીમા કાનૂન સુધારા બિલનો વિરોધ, આઉટર્સોસિંગનો વિરોધ, જાહેર સાહસોના ખાનગીકરણનો વિરોધ અને મજૂર હિત વિરોધી કાયદા લાવવાના વિરોધમાં આ હડતાલનું એલાન આપવામાં આવેલ છે. વિરોધ ઉપરાંત સરકાર સમક્ષ યુનિયનો દ્વારા વિવિધ માગણીઓ પણ મુકવામાં આવી છે . જેમાં વીમા પ્રીમિયમ ઉપરનો GST દૂર કરવો, LIC માં વર્ગ ૩ અને ૪ માં નવી ભરતી કરવી, પેન્‍શનની જૂની સ્‍કીમ પુનઃ ચાલુ કરવી,  સામાન્‍ય વીમા ક્ષેત્રની ચારેય કંપનીઓનું મર્જર કરવું અને લઘુતમ વેતન રૂ.૨૬,૦૦૦ કરવાની માગણીઓ મુખ્‍ય છે.

તારીખ ૯મી એ બુધવારે રાષ્‍ટ્રવ્‍યાપી હડતાલ પાડવા ઉપરાંત કર્મચારીઓ જે તે કચેરીઓ સામે સૂત્રોચાર કરી દેખાવો કરશે અને રાજકોટમાં  હોસ્‍પિટલ ચોકમાં એકત્ર થઈ ધરણાં કરશે. (રર.૫)

(11:10 AM IST)