<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

રાજકોટના લોકલાડીલા મ્યુનિસિપલ કમિશનર એસ જગદીશન રાજકોટની મુલાકાતે: જુના સંસ્મરણો વાગોળ્યા

રાજકોટ: ગુજરાતભરમાં મ્યુનિસિપલ  કમિશનરની સત્તાઓ શું છે અને ધારે તો આ સત્તાઓનો ઉપયોગ કરીને લોકો માટે તેઓ  શું કરી શકે ? તેની પ્રથમ વખત પ્રતીતિ કરાવનાર રાજકોટના લોકલાડીલા અને એક સમયના મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર શ્રી એસ. જગદીશન આજે રાજકોટની અંગત મુલાકાતે આવ્યા હતા.. તેમણે કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને જુના સંસ્મરણો યાદ કરી મિત્રોને મળ્યા હતા.
અકિલા પરિવાર સાથે તેમનો દાયકાઓ જુનો નાતો રહ્યો છે. આજે બપોર પછી તેઓ અકિલા કાર્યાલય ઉપર આવ્યા હતા અને અકિલા પરિવારના શ્રી કિરીટભાઈ ગણાત્રા અને અજીતભાઈ ગણાત્રા સાથે જુના સંસ્મરણોની યાદ તાજા કરી હતી. 
શ્રી જગદીશનની બદલી રાજકોટથી રાજકીય હસ્તક્ષેપ થી કરવામાં આવી ત્યારે રાજકોટમાં પ્રચંડ આક્રોશ છવાયેલો અને કર્ફ્યું લાદવો પડ્યો તેવો રોષ જોવા મળેલ.
તેમની પ્રમાણિકતા અને લોકો પ્રત્યેની નિષ્ઠાને કારણે અધિકારીઓથી માંડીને રાજકીય આગેવાનો સુધી કોઈની હિંમત નહોતી કે અજુગતી ભલામણો કરે. આજે પણ રાજકોટના નગરજનો અગ્રણીઓ અને અધિકારીઓ તેમને ખૂબ જ લાગણી અને પ્રેમથી યાદ કરી રહ્યા છે..
રાજકોટમાં તેઓ પૂર્વ આર.ડી.સી શ્રી જે. જી. હિંગરાજીયાને ત્યાં વાસ્તુપૂજન અને હવનમાં હાજરી આપવા આવ્યા હતા. આ ઉપરાંત દિવસ દરમિયાન પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયા, કોર્પોરેશનના પૂર્વ એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી પી કે ટાંક તથા નિવૃત્ત એન્જિનિયર જે વી હેરમા ઉપરાંત સૌરાષ્ટ્રના ખ્યાતનામ તસ્વીરકાર પ્રવીણભાઈ ગજ્જરને પણ મળ્યા હતા. તેઓ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિવૃત્ત સહાયક કમિશનર સ્વ. પાવાગઢીના પરિવારને પારિવારિક સંબંધોના નાતે મળવા તેમના નિવાસસ્થાને ગયા હતા. લોધીકા સંઘના ચેરમેન અને સૌરાષ્ટ્રના સિનિયર પત્રકાર તથા "રાજકોટ મિરર"ના પ્રણેતા શ્રી નરેન્દ્રસિંહ જાડેજાને પણ મળ્યા હતા. તેમણે રાષ્ટ્રીયશાળા ખાતેના કાર્યક્રમમાં ખાસ હાજરી આપી હતી.

 

(11:04 PM IST)