તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th July 2025
પરેશ અને સાગરે ૧૦ લાખની સ્કોર્પિયો ભાડે લઇ જઇ પાટણના હારીજમાં ગીરવે મુકી દીધી!
બજરંગવાડી પોલીસ ચોકી સામે આઇ મોગલ કાર રેન્ટલ નામે ઓફિસ ધરાવતાં ભાવેશભાઇ સોખડની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસે પરેશ વાઢેર અને સાગર પરમારની શોધખોળ હાથ ધરીઃ જીપીએસને આધારે ભાવેશભાઇ સોખડ હારીજ ગયા, ત્યાં ગાડી પડી હોઇ પોલીસને બોલાવીને પાછા એ સ્થળે આવતાં ત્યાંથી પણ ગૂમ થઇ ગઇ

રાજકોટ તા.૪: ભાડેથી કાર મેળવીને પરત ન આપી ઠગાઇ કરવાનો વધુ એક બનાવ નોંધાયો છે. બજરંગવાડી પાસે ઓફિસ ધરાવતાં અને કાર ભાડે આપવાનું કામ કરતાં યુવાન પાસેથી રાજકોટ, સુરેન્દ્રનગરના બે શખ્સ ભાડેથી ૧૦ લાખની સ્કોર્પિયો લઇ ગયા બાદ પરત આપવા ન આવતાં અને ફોન બંધ કરી દેતાં જીપીએસ સિસ્ટમને આધારે તપાસ કરતાં આ ગાડી પાટણના હારીજ ખાતે હોઇ ત્યાં જઇ તપાસ કરી ગાડી મળી આવતાં પોલીસને જાણ કરવા જતાં હારીજ પોલીસ સાથે આવી હતી. જો કે ત્યાં સુધીમાં ત્યાંથી પણ આ સ્કોર્પિયો ગૂમ થઇ ગઇ હતી!
આ અંગે ગાંધીગ્રામ પોલીસે મોરબી રોડ રાધામીરા પાર્ક-૧ મકાન નં. ૪માં રહેતાં ભાવેશભાઇ અમરશીભાઇ સોખડ (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી પરેશ અરજણભાઇ વાઢેર, સાગર ખાનાભાઇ પરમાર અને તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
ભાવેશભાઇ સોખડ બજરંગવાડી પોલીસ ચોકી સામે આઇ મોગલ કાર રેન્ટલ નામે ઓફિસ ચલાવે છે. અહિ તે પાર્ટનર યોગીરાજસિંહ મહિપતસિંહ રાઠોડ સાથે બેસી અલગ અલગ ગાડીઓ ભાડે આપે છે. ભાવેશભાઇએ જણાવ્યું હતું કે ગત ૨૯/૬ના રોજ ત્રણેક વાગ્યે હું ઓફિસે હતો ત્યારે પરેશ વાઢેરે મને ફોન કરી સ્કોર્પીયો ગાડી ભાડે જોઇએ છે તેવી વાત કરી હતી. જેથી મેં તેને ભાડાના રૂા. ૬૦૦૦ થશે તેવી વાત કરી હતી. એ પછી પરેશે વ્હોટસએપ પરથી મને તેના ડોક્યુમેન્ટ આધારકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સના ફોટા મોકલ્યા હતાં. એ પછી તેણે ગાડી લેવા આવે છે એવો ફોન કર્યો હતો. પરંતુ લેવા ન આવતાં મેં તેને ફોન કરતાં તેણે કહેલું કે હું એસ્ટ્રોન ચોકમાં છું અને હમણા આવુ છું. આ પછી પણ તે ન આવતાં મેં ફરી તેને ફોન કરી હું તમને એસ્ટ્રોન ચોકમાં ગાડી આપી જાઉ છું તેમ કહી જીજે૩૬એએલ-૦૩૦૩ નંબરની સ્કોર્પિયો લઇને હું એસ્ટ્રોન ચોકમાં ગયો હતો.જ્યાં પરેશ વાઢેર અને સાગર પરમાર મળ્યા હતાં. મેં તેના ડોક્યુમેન્ટ લીધા હતાં અને તપાસી ફોટા પાડી તેને પાછા આપી દીધા હતાં. સાગર પરમારે અમે તમને ગાડી કાલે પાછી આપીશું કહી ૬૦૦૦ ભાડાના રોકડા આપ્યા હતાં. આ પછી ૩૦/૬ના રોજ મને આ બંનેએ ગાડી પાછી ન આપતાં મેંતેને ફોન કરતાં પરેશે રાતે ગાડી આપી જશે તેમ કહ્યું હતું. જો કે રાતે પણ તે આવ્યો નહોતો. મેં ફરી ફોન કરતાં તેનો ફોન બંધ થઇ ગયો હતો. ત્યારપછી મેં સતત આ બંનેનો કોન્ટેક્ટ કર્યો હતો પરંતુ સંપર્ક થઇ શક્યો નહોતો. મારી બધી ગાડીઓમાં જીપીએસ લગાડેલુ હોઇ મેં જીપીએસ લોકેશન ચેક કરતાં તે પણ બંધ આવતું હતું. અગાઉના લોકેશનને આધારે મારી આ ગાડી છેલ્લે હારીજ-પાટણ હોવાની ખબર પડી હતી. આથી અમે ત્યાં જતાં ગાડી મળી હતી અને અમારી પાસે બીજી ચાવી હોઇ તેનાથી ચેક કરતાં ખરાઇ થઇ હતી કે આ ગાડી અમારી જ છે. જો કે તેમાંથી બંને નંબર પ્લેટ કાઢી નાખેલી હતી. તપાસ કરતાં ખબર પડી હતી કે આ બંનેએ મારી પાસેથી ભાડેથી ગાડી મેળવી ગિરવે આપી દીધી હતી. આની જાણ અમે હારીજ પોલીસને કરી હતી. અમે પોલીસને લઇ ફરી જ્યાં ગાડી પડી હતી ત્યાં જતાં ગાડી ગાયબ હતી!
આ પછી અમેં અમારી રીતે શોધખોળ ચાલુ રાખી હતી. અંતે બંનેનો પત્તો ન મળતાં અમારી ૧૦ લાખની ગાડી ભાડેથી મેળવી છેતરપીંડી કરી બીજે ગીરવે મુકી દીધાની ખબર પડતાં પોલીસને જાણ કરી હતી. પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ પી. બી. પટેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પરેશ રાજકોટનો રહેવાસી છે અને સાગર સુરેન્દ્રનગરના જુજર ગામનો છે. પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી છે.
(2:38 PM IST)










