News of Friday, 4th July 2025
સુત્રાપાડાના કરણ બારડે ડો. આદિત્ય પરમાર બની મહિલા અધિકારીને ફસાવ્યાઃ તું મારી પત્નિ છો કહી વારંવાર દૂષ્કર્મ
પીજીવીસીએલના પેટા કોન્ટ્રાકટરે ઇન્સ્ટાગ્રામથી પરિચય કેળવી પોતે રાજકોટ સિવિલ હોસ્પિટલનો ડોક્ટર છે તેવી ઓળખ આપીઃ ભોગ બનનારને આ ગઠીયાની જ એક પરિચીત મહિલા મારફત સાચી હકિકતની જાણ થઇ : મહિલા અધિકારીની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે ગાંધીગ્રામમાં રહેતાં ગાંગેઠા ગામના શખ્સને સકંજામાં લીધોઃ કરણે પોતાની પોલ ખુલી જતાં મહિલા અધિકારીને ધમકાવ્યાઃ મહિલા અધિકારીના ટુવ્હીલરમાં જીપીએસ ટ્રેકર પણ ફીટ કરાવી રાખ્યું હતું!

રાજકોટ તા. ૪: સરકારી કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતાં અપરિણીત મહિલા અધિકારીને હાલ રાજકોટ રહેતાં મુળ સુત્રપાડાના ગાંગેઠા ગામના વતની અને પીજીવીસીએલના પેટા કોન્ટ્રાક્ટ રાખી કામ કરતાં શખ્સે ઇન્સ્ટાગ્રામથી મેસેજ કરી પોતે રાજકોટ સિવિલ હોસ્પિટલનો ડો. આદિત્ય પરમાર છે તેવી ઓળખા આપી મહિલા અધિકારી સાથે પોતાના દુઃખની વાતો કરી બાદમાં તેમને ઇમોશનલ કરી ફસાવી તું મારી ગર્લફ્રેન્ડ નહિ મારી પત્નિ જ છો તેમ કહી વારંવાર બળજબરીથી શરીર સંબંધ બાંધી લીધા હતાં. બાદમાં આ મહિલા અધિકારીને એક મહિલાએ મેસેજ કરી ડોક્ટર તરીકે ઓળખ આપનારો હકિકતે ડોક્ટર નથી પણ પીજીવીસીએલનો પેટા કોન્ટ્રાક્ટર કરણ બાડર છે અને પોતાને તેની સાથે દસેક વર્ષથી સંબંધ હોવાનું કહેતાં મહિલા અધિકારી હતપ્રભ થઇ ગયા હતાં અને છેતરપીૈડી, દૂર્ષ્મ, જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ શખ્સને સકંજામાં લીધો છે.
માલવીયાનગર પોલીસે આ બનાવમાં ભોગ બનનાર સરકારી કચેરીના મહિલા અધિકારીની ફરિયાદ પરથી હાલ રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતાં મુળ ગીર સોમનાથના સુત્રપાડાના ગાંગેઠા ગામના કરણ જોધાભાઇ બારડ વિરૂધ્ધ ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે. ભોગ બનનાર મહિલા અધિકારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના લગ્ન થયા નથી અને પરિવાર સાથે રહે છે. ગયા વર્ષે તે ઇન્સ્ટાગ્રામ આઇડી ચેક કરતા હતાં ત્યારે એક આઇડી પરથી રિક્વેસ્ટ આવતાં તેમણે સ્વીકારી નહોતી. એ પછી એ જ દિવસે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી પછી ડિલીટ કરી નાંખ્યો હતો. આથી તેણીએ હું તમને ઓળખતી નથી તેમ કહેતાં મેસેજ કરનારે હું ડો. આદિત્ય અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે નોકરી કરુ છું તેમ કહ્યું હતું. જેથી તેને એમબીબીએસ અને અભ્યાસ ક્યાં કર્યો તેની વિગતો પુછતાં તેણે પોતાનું ડોક્ટરનું આઇડી કાર્ડ મોકલ્યું હતુ઼. ગૂગલ પર સર્ચ કરતાં એમડી ડોક્ટર આદિત્યસિંહ રાજકોટ સિવિલ હોસ્પિટલ જણાયેલ. જેથી તેના પર વિશ્વાસ આવતાં તેમણે આ આદિત્ય પરમાર સાથે ચેટ કરીચર્ચા કરી હતી અને પોતાનો પરીચય પણ આપ્યો હતો.
આ પછી તેણે પોતાના પરિચયમાં કહેલુ કે હું જુનાગઢનો છું મારા પિતા કોરોના સમયમાં અકસ્માતમાં ગુજરી ગયા છે, તેઓ ઇલેક્ટ્રીક એન્જિનીયર હતાં. આ પછી આદિત્યને ઇન્સ્ટાગ્રામ પર તેના ડોક્ટર હોવાની કોઇ માહિતી કેમ નથી? તેવુ પુછતાં તેણે કહેલુ કે એક છોકરીએ મારા પર ખોટો બ્લેમ કર્યો હતો અને તેના કારણે હું અને મારા પરિવારજનો હેરાન થયા હોવાથી હું પ્રોફાઇલમાં ડોક્ટર તરીકેના ફોટા રાખતો નથી. એ પછી મોબાઇલ નંબરની આપ-લે થઇ હતી અને વ્હોટ્સએપ પર ચેટ કરતાં હતાં. એક વખતે તેણે એવુ પણ કહેલું કે મને પીજીવીસીએલમાં પણ ડોક્ટરની નોકરીની ઓફર આવી હતી પરંતુ મારે પ્રાઇવેટ હોસ્પિટલ છે એટલે મેં ઓફર સ્વીકારી નથી.
થોડા દિવસ પછી આ મહિલા અધિકારીએ ડો. આદિત્ય પરમારને રૂબરૂ મળવા બોલાવતાં તે આવ્યો નહોતો. વ્હોટ્સએપ પર ચેટી વખતે તેણે તેના ઘરની વાતો પરિસ્થિતિ જણાવતાં મહિલા અધિકારીને તેના પ્રત્યે લાગણી ઉત્પન્ન થઇ હતી. પછી એક વખત રાજકોટ રૂબરૂ મળ્યા હતાં. બાદમાં મુલાકાતો વધી હતી. તે તેના દુઃખની વાતો કરી ઇમોશનલ કરી દેતો હતો. તેણે આર્થિક રીતે તકલીફો જણાવતાંમહિલા અધિકારીએ તેને મદદ કરી હતી અને પોતાના મિત્ર કરણ જોધાભાઇ બારડ અને જગત જાદવના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફરકરવાનું કહેતાં તેને રકમ આપી હતી. એ પછી ડો. આદિત્યએ કહેલુ કે હવે હું સરકારી કચેરીમાં ડોક્ટર તરીકે જોડાવાનો છું તું રાજકોટમાં ફલેટ લઇ લે તેમ કહેતાં આ અધિકારીએ તેની વાત માની હતી.
ત્યારબાદ એક દિવસ તેણે રડતા રડતા કહેલુ કે મારા એક સગા મને મારવા આવે છે મને તારા ઘરે લઇ જા. આથી મહિલા અધિકારી તેને પોતાના ઘરે લઇ ગયેલ. જ્યાં તેણે લાગણીભરી વાતો કરી તું મારી ગર્લફ્રેન્ડ નહિ તું મારી પત્નિ જ છો તેમ કહી મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી લીધો હતો. એ પછી સવારે તે જતો રહ્યો હતો.ત્યારબાદ રાતે તે અવાર-નવાર ઘરે આવી તું મારી પત્નિ જ છો કહી સંબંધ બાંધી લેતો હતો. ત્યારપછી આજથી દોઢ બે મહિના પહેલા આ અધિકારીને એક મહિલાનો મેસેજ વ્હોટ્સએપથી આવતાં અને વાત કરતાં તેની જાણ આદિત્યને કરતાં તેણે આ મહિલા સાથે સંબંધ ન રાખતી તેમ કહીદીધુ હતું. આ પછી આદિત્યએ તેણીને મહિલા અધિકારીના ફોનમાંથી ફોન કરી ધમકાવી હતી. મારા ફોનમાં રેકોર્ડ હોઇ બાદમાં આ વાત સાંભળતા ખબર પડી હતી કે તેમની સાથે ડો. આદિત્ય પરમાર બનીને સંબંધ રાખનારો હકિકતે કરણ જોધાભાઇ બારડ છે. એ જ રાતે તે ફરી ઘરે આવતાં તેને ખોટી ઓળખ શા માટે આપી? તેમ પુછતાં તેણે ગોળગોળ વાતો કરી હતી અને ફરી બળજબરી આચરી લીધી હતી. આથી તેણી ખુબ હેબતાઇ ગયા હતાં અને મેસેજ કરનાર મહિલાને પુછતાં તેણે કહેલું કે-આ કરણ સાથે તો મારે ઘણા વર્ષથી સંબંધ હતો, અમે એ ક જ જ્ઞાતિના છીએ અને કરણનું ગામ સુત્રાપાડાનું ગાંગેઠા છે. તેમજ કરણ ડોક્ટર નહિ હોવાનું અને તે ધોરણ ૧૨માં ફેલઇ થયાનું તેમજ આઇટીઆઇ કરી પીજીવીસીએલમાં પેટા કોન્ટ્રાક્ટ રાખતો હોવાનું આ મહિલાએ કહ્યું હતું.
આ પછી મહિલા અધિકારી મેસેજ કરનાર મહિલાને રૂબરૂ મળવા જતાં તેમનું એક્ટીવા બંધ થઇ ગયુ હતું. આ વખતે જ આદિત્ય ઉર્ફ કરણ આવી ગયો હતો અને તેમને તથા મહિલાને વાત કરતાં જોઇ ગાળો દેવા માંડયો હતો. મહિલા અધિકારીને પોતે અહિ વાત કરવા ભેગા થયા એ કરણને કેમ ખબર પડી? તે અંગે વિચાર કર્યો હતો. બાદ વાહન ગેરેજમાં આપતાં તેમાંથી જીપીએસ ટ્રેકર નીકળ્યું હતું. જેથી કરણે મારી સાથે છેતરપીંડી કરી હોવાની અને ફસાવી બળજબરી આચરી લીધાનું સમજાયું હતું. તેમજ જ્ઞાતિ પ્રત્યે ચેટીંગમાં અપમાનીત શબ્દો લખી ગાળો દીધી હોઇ તેણી ખુબ ભયભીત થઇ ગયા હતાં. પોતે એક અધિકારી હોઇ અને બદનામીની બીક હોઇ ફરિયાદ કરી નહોતી. પણ કરણ માથાભારે હોઇ તે ભવિષ્યમાં ખુબ હેરાન કરશે તેવુ લાગતાં અંતે પોલીસને જાણ કરી હતી. તેમ વધુમાં ભોગ બનનાર મહિલા અધિકારીએ જણાવતાં માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ સી. પી. રાઠોડ, એમ. જે. ધાધલ સહિતની ટીમે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. આ શખ્સ અપરિણીત છે. તેની વિશેષ પુછતાછ હાથ ધરવામાં આવશે.
(1:34 PM IST)










