<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 4th July 2025

શાપરમાં વધુ નશો કરવા માટે બે મિત્રોએ દેશી દારૂમાં એસિડ ભેળવી પી લેતાં હાલત બગડીઃ સારવાર હેઠળ

ડ્રાઇવીંગ કરતાં વિશાલ પરમાર અને ચાની હોટલમાં કામ કરતાં યુવરાજ રાઠોડે એસિડ મિશ્રીત દારૂ પીધા પછી તરફડીયા મારવા માંડયાઃ યુવરાજે મામાને ફોન કરી દવાખાને લઇ જવા કહેતાં બંનેને સારવાર માટે ખસેડાયા

રાજકોટ તા. ૪: નશો કરવા માટે અમુક લોકો ન કરવાના અખતરા કરતાં હોય છે. દરમિયાન શાપર વેરાવળમાં બે મિત્રોએ દેશી દારૂમાં સંડાસ બાથરૂમ સાફ કરવાનું એસિડ ભેળવીને પી લેતાં બંનેની હાલત બગડતાં સારવાર માટે રાજકોટ હોસ્‍પિટલમાં દાખલ કરાયા છે.

જાણવા મળ્‍યા મુજબ શાપરમાં રહેતાં વિશાલ રાજુભાઇ પરમાર (ઉ.વ.૧૮) અને તેના મિત્ર યુવરાજ ગુલાબભાઇ રાઠોડ (ઉ.વ.૧૯)એ રાતે સાડા નવેક વાગ્‍યે શાપરમાં પિતૃકૃપા હોટલ નજીક પાન ગેઇટ અંદર એસિડ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, પ્રશાંતભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહે શાપર પોલીસને જાણ કરી હતી.

યુવરાજ સવારે પણ બેભાન હાલતમાં હતો. જ્‍યારે તેનો મિત્ર વિશાલ સવારે ભાનમાં આવતાં તેણે કહ્યું હતું કે પોતે દેશી દારૂ પીતો હોઇ ગત રાતે કોથળી લીધી હતી અને બાદમાં વધુ નશો કરવા માટે તેમાં સડાસ સાફ કરવાનું એસિડ ભેળવવાનું નક્કી કરી કરિયાણાની દુકાનેથી એસિડ લિક્‍વીડની બોટલ લીધી હતી. એ પછી તે મિત્ર યુવરાજ પાસે ગયો હતો અને તેને પણ પીવાનું કહ્યું હતું. જો કે પહેલા તો યુવરાજે પોતે દારૂ નથી પીતો તેમ કહી ના પાડી હતી. પણ બાદમાં પોતે પી જતાં યુવરાજે પણ પી લીધુ હતું. દેશીમાં એસિડની અડધી બોટલ ભેળવી દીધાનું પણ વિશાલે રટણ કર્યુ હતું.

યુવરાજની હાલત બગડી જતાં તે તરફડીયા મારવા માંડયો હતો. બાદમાં તેણે મામાને ફોન કરી પોતે હોટલ પાસે પટમાં છે, દવાખાને લઇ જવા તેવી બૂમો ફોનમાં પાડતાં તેના મામા સહિતના પરિવારજનો પહોંચ્‍યા હતાં અને યુવરાજ તથા વિશાલ બંનેને રાજકોટ સારવાર માટે ખસેડયા હતાં. યુવરાજ બે ભાઇ અને બે બહેનમાં નાનો છે અને ચાની હોટેલમાં નોકરી કરે છે. તેના પિતા હયાત નથી. જ્‍યારે વિશાલ બે ભાઇ અને બે બહેનમાં બીજો છે અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેના પિતા પણ ડ્રાઇવીંગ કરે છે. શાપર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:40 AM IST)