<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

મહાપાલીકામાં કાયમી સફાઇ કામદારોના સીધીલીટીના વારસદારોની ભરતીમાં ગેરરીતીના કેસમાં તપાસની માંગણી

આવી શંકાસ્‍પદ વ્‍યક્‍તિની નોકરી સ્‍થગિત કરાવો : રાજકોટ કામદાર યુનિયન

રાજકોટ તા. ૧ : મહાનગરપાલીકા રાજકોટ ખાતે કાયમી સફાઇ કામદારોની સીધીલીટીના વારસદારો તરીકે નોકરી મેળવવાની બાબતમાં બોગસ સર્ટીફીકેટના આધારે થયેલ ભ્રષ્‍ટાચાર અને ભરતી પ્રક્રિયામાં આચરાયેલ ગેરરીતી દુર કરવા રાજકોટ સફાઇ કામદાર યુનિયને માંગણી ઉઠાવી છે.

કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયાએ એક યાદીમાં વિગતો વર્ણવતા જણાવ્‍યુ છે કે વાલ્‍મીકી સમાજના અમુક આગેવાનો દ્વારા નોકરી મેળવવાના બહાને ગરીબ અને અશિક્ષિત કાયમી સફાઇ કામદારો પાસેથી મોટી રકમનો ભ્રષ્‍ટાચાર કરાયો છે. બોગસ મેડીકલ સર્ટીફીકેટ તૈયાર કરી અપાયાના પુરાવા સાથે આ બાબતે રાજકોટ નામદાર કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્‍યો છે. જયાં સુધી આ કોર્ટ કેસનો ચુકાદો ન આવે ત્‍યાં સુધી જે તે શંકાસ્‍પદ વ્‍યક્‍તિને નોકરી મેળવવાની પ્રક્રિયા પર સ્‍થગીત રાખવા તેમજ ભ્રષ્‍ટાચારમાં સંડોવાયેલ લોકોને કોર્ટ સમક્ષ હાજર કરવા માંગણી ઉઠાવવામાં આવી છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા તેમજ સાથે ગીતાબેન ચૌહાણ, રાજેશ વાઘેલા, ચેતના ચુડાસમા, વિશાલ બેડીયા, સંજય ચુડાસમા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:32 PM IST)