<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

રૈયા રોડ નહેરૂનગરમાં મુળ જામનગરના રિયાઝ ખલીફાએ ઝેરી દવા પીધીઃ વ્‍યાજખોરી કારણભુત

જામનગરમાં વ્‍યાજખોરો પાછળ પડી જતાં થોડા મહિના પહેલા ગામ મુકી રાજકોટ આવ્‍યાઃ છતાં પીછો છોડતા નથી

રાજકોટ તા. ૧: વ્‍યાજના વિષચક્રમાં ફસાઇ જતો માણસ ઘણીવાર મજબૂર થઇ આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરે છે. વધુ એક આવા બનાવમાં મુળ જામનગરના વતની અને હાલ કેટલાક મહિનાથી રાજકોટ રૈયા રોડ પર નેહરૂનગરમાં રહેતાં રિયાઝભાઇ કરીમભાઇ ખલીફા (ઉ.વ.૩૯) નામના યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર હેઠળ છે.

નહેરૂનગર-૨માં રહેતાં રિયાઝભાઇ ખલીફા રાતે બારેક વાગ્‍યે ઉલ્‍ટીઓ કરવા માંડતાં પરિવારજનોએ પુછતાં પોતે ઝેરી દવા પી લીધાનું કહેતાં તુરત જ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇ, શક્‍તિસિંહે કરતાં ગાંધીગ્રામના હેડકોન્‍સ. મિહીરસિંહ બારડે જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાતનો પ્રયાસ કરનાર રિયાઝભાઇ હાલ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં એક પુત્રી છે અને પોતે ચાર ભાઇ તથા એક બહેનમાં નાના છે. તેના સ્‍વજનોએ કહ્યું હતું કે અમે મુળ જામનગરના વતની છીએ. ત્‍યાં વાહન લે-વેંચના ધંધા માટે રિયાઝભાઇએ અલગ અલગ લોકો પાસેથી વ્‍યાજે રકમ લઇ સામે અનેકગણી રકમ ચુકવી દીધી હતી. છતાં વધુ વ્‍યાજ માંગી હેરાન કરવામાં આવતાં હોઇ આઠેક મહિના પહેલા જામનગરમાં વ્‍યાજખોરીની ફરિયાદ નોંધાવી હતી. એ પછી અમે રાજકોટ આવી ભાડેથી રહીએ છીએ. હજુ પણ વ્‍યાજખોરો ઉઘરાણીના ફોન કરી ધમકાવતાં હોઇ કંટાળીને રિયાઝભાઇએ આ પગલુ ભર્યુ છે. 

(11:39 AM IST)