<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st July 2025

શહેર એસઓજીએ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમ કમ્‍પાઉન્‍ડના ચરખા રેસ્‍ટોરન્‍ટ પાસેથી ઝડપી લીધોઃ ૧૦૦ના દરની ૧૭ નકલી નોટો મળી

પોરબંદરનો પત્રકાર હિતેષ દાવડા રાજકોટમાં જાલીનોટ સાથે ઝડપાયો : અજાણ્‍યા શખ્‍સે પોરબંદરમાં આપ્‍યાનુ઼ રટણઃ જાતે છાપ્‍યાની પોલીસને શંકાઃ બે વીકલી અખબાર પ્રસિધ્‍ધ કરે છેઃ વિશેષ પુછતાછ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ સંજયસિંહ જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ ધ્રાંગુની ટીમની કાર્યવાહીઃ હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, અનોપસિંહ ઝાલાની બાતમી

 

રાજકોટ તા. ૧: શહેર એસઓજીએ જાલીનોટ સાથે પોરબંદરના એક પત્રકારને રાજકોટમાં ઝડપી લીધો છે. રૂપિયા સોના દરની જાલીનોટો આ શખ્‍સ પાસેથી મળી આવી છે. પ્રાથમિક તપાસમાં તે જાતે જ આ નોટોને કલર પ્રિન્‍ટરમાં છાપીને વટાવવા માટે રાજકોટ આવ્‍યાની શક્‍યતા છે. શહેર એસઓજીની ટીમે મહાત્‍મા ગાંધી મ્‍યુઝિયમના કમ્‍પાઉન્‍ડમાં આવેલા રેસ્‍ટોરન્‍ટ પાસેથી આ શખ્‍સને પકડી લીધો હતો. તેની વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્‍યા મુજબ શહેર એસઓજીની ટીમ ગુનેગારોને શોધવા અને ગુનાખોરી અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ અને અનોપસિંહ ઝાલાને બાતમી મળી હતી કે એક શખ્‍સ મહાત્‍મા ગાંધી મ્‍યુઝિમય કમ્‍પાઉન્‍ડમાં આવેલા ચરખા રેસ્‍ટોરન્‍ટ પાસે શંકાસ્‍પદ રીતે આટાફેરા કરે છે અને તેની પાસે જાલી ચલણી નોટો છે. આ બાતમીને આધારે ટીમ ત્‍યાં પહોંચી હતી અને બાતમી મુજબના શખ્‍સને અટકાયતમાં લઇ તલાસી લેતાં અલગ અલગ દરની ૧૪૮૦ રૂપિયાની અસલી ચલણી નોટોની થપ્‍પીઓ મળી આવી હતી. આ નોટોમાં તેણે પચાસ, વીસ, દસના ક્રમમાં ગોઠવીને અલગ અલગ થપ્‍પી બનાવીને રાખી હતી. આવી બાવન નોટો અસલી હતી.

અન્‍ય ૧૭ નોટો કે જે ૧૦૦ રૂપિયાના દરની હતી તે પોલીસને શંકાસ્‍પદ જણાતાં ખરાઇ કરાવવામાં આવતાં આ નોટો નકલી હોવાનું ખુલતાં આ શખ્‍સને અટકાયતમાં લઇ તેની સામે ડીસીબી પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્‍યો હતો. પુછપરછમાં આ શખ્‍સે પોતાનું નામ હિતેષ  કનુભાઇ દાવડા (ઉ.વ.૬૧-રહે. વાડી પ્‍લોટ- શેરી નં. ૫, ઉકાભાઇની ઘંટીવાળી શેરી, પોરબંદર) જણાવ્‍યું હતું. પોલીસની પ્રાથમિક પુછતાછમાં હિતેષ દાવડાએ પોતે પોરબંદરમાં વીકલી છાપા બહાર પાડતો હોવાનું અને પત્રકાર હોવાનું કહ્યું હતું. પોતે બે અલગ અલગ વીકલી છાપા બહાર પાડે છે.

પોલીસની પ્રાથમિક પુછતાછમાં એવુ રટણ કર્યુ હતું કે પોતાને આ જાલીનોટો પોરબંદરમાં એક શખ્‍સે આપી હતી. જો કે પોલીસને શંકા છે કે કલર પ્રિન્‍ટરમાં કે પછી ઝેરોક્ષ મશીનનો ઉપયોગ કરી આ નોટો જાતે જ છાપી હોઇ શકે છે. હિતેષને એક નાનો ભાઇ છે અને પોતે અપરિણીત છે. અમુક નોટો તેણે રાજકોટ આવી વટાવી નાંખી હોવાની પણ શક્‍યતા છે. ખરેખર નકલી નોટો ક્‍યાંથી લાવ્‍યો? કેટલી વટાવી? જાતે છાપી કે કેમ? તે સહિતની તપાસ કરવાની હોઇ વિશેષ પુછપરછ માટે રિમાન્‍ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અંતર્ગત એસઓજી પીઆઇ સંજયસિંહ એમ. જાડેજા, પીઆઇ એન. વી. હરિયાણી, પીએસઆઇ વી. વી. ધ્રાંગુ, એએસઆઇ વિરન્‍દ્રસિંહ ઝાલા, અરૂણભાઇ બાંભણીયા, હેડકોન્‍સ. હરદેવસિંહ જાડેજા, યોગરાજસિંહ ગોહિલ, મોૈલિકભાઇ સાવલીયા, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ ઝાલા, કોન્‍સ. અનોપસિંહ ઝાલા, હરદેવસિંહ વાળા, કોન્‍સ. મોનાબેન બુસા, ડ્રા.કોન્‍સ. દિવ્‍યરાજસિંહે આ કામગીરી કરી હતી. જપ્‍ત કરાયેલી ૧૦૦ના દરની ૧૭ નોટો નકલી જ હોવાનો પ્રાથમિક અભિપ્રાય એફએસએલ અધિકારી એસ. એચ. ઉપાધ્‍યાયએ આપ્‍યો હતો.

(10:48 AM IST)