તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Monday, 30th June 2025
પુજીત ટ્રસ્ટના ‘સુપર ૪૦ પ્રોજેકટ'ના ૪ બાળકો જી-એડવાન્સમાં ઉતીર્ણ
પ્રયાગરાજ ચુડાસમા, જીનલ માંડવીયા, વૈશાલી સરવૈયા, માનાણી જીતનું ઉત્કૃષ્ઠ પરફોર્મ : હવે આઇઆઇટીમાં કેડી કંડારશે

રાજકોટ તા. ૩૦ : પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ૨૦૨૩ થી શરૂ કરાયેલ સુપર-૪૦ પ્રોજેકટના ચાર બાળકોએ ૨૦૨૫માં લેવાયેલ જી-એડવાન્સમાં ઉતીર્ણ થઇ સંસ્થાનું નામ રોશન કરેલ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા પુજીત ટ્રસ્ટના આગેવાનોએ જણાવ્યુ હતુ કે પુજીત મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ૧૯૯૯થી જ્ઞાન પ્રબોધિની પ્રોજેકટ ચલાવવામાં આવે છે. જેમાં ભણવામાં હોશિયાર પરંતુ આર્થિક રીતે ચિંતિત બાળકોને પસંદ કરી આવા બાળકોને શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા સંસ્થા મદદરૂપ બને છે.
એજ રીતે ધો.૧૦ બાદ સાયન્સમાં પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવા ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે પણ ટ્રસ્ટ દ્વારા ૨૦૨૩માં સુપર ૪૦ પ્રોજેકટ સંસ્થાના ચેરમેન શ્રી વિજયભાઇ રૂપાણી અને ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણીની આગેવાની હેઠળ શરૂ કરવામાં આવ્યો હતો.
દર વર્ષે આ પ્રોજેકટમાં એન્જીનીયરીંગ અને મેડીકલના મળી કુલ ૪૦ બાળકોને પરીક્ષા લઇ પસંદગી કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે ૨૩ બાળકો જી થકી એન્જીનીયરીંગ માટે અને ૧૭ બાળકો નીટ માટે પસંદ કરાયા હતા.
તાજેતરમાં જ જી એડવાન્સડ પરીક્ષાનું પરિણામ જાહેર થતા જી મેઇન્સમાં ૧૯ બાળકો અને જી એડવાન્સડમાં ૪ બાળકો ઉતીર્ણ થયા છે. (૧) પ્રયાગરાજ ચુડાસમા, (ર) જીનલ માંડવીયા, (૩) વૈશાલી સરવૈયા, (૪) માનાણી જીતે સુંદર પરફોર્મ કરી બતાવ્યુ છે. આ ચારેય બાળકો જી એડવાન્સન્ડમાં કવોલીફાઇડ થયા છે અને ભવિષ્યમાં આઇઆઇટી એમની પસંદગી છે. જયારે બાકીના બાળકો દેશની ટોચની યુનિવર્સિટીમાં એન્જિનીયરીંગ માટે પસંદ થયા છે.
ઉલ્લેખનીય છે કે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા દર બે વર્ષ બાળકોને સઘન તૈયારી કરાવવામાં આવેલ. આ પ્રોજેકટ અંતર્ગત સંપૂર્ણ શૈક્ષણિક ખર્ચ પુજીત ટ્રસ્ટ દ્વારા વહન કરવામાં આવે છે.
આ પ્રોજેકટ માટે ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રૂપાણી, અમીનેશભાઇ રૂપાણી, મહેશભાઇ ભટ્ટ, જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવિયા, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, હસુભાઇ ગણાત્રા, રાજેશભાઇ શેઠ વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. આ પ્રોજેકટને સફળ બનાવવા ભાવિનભાઇ ભટ્ટ, હર્ષદભાઇ પરમારની આગેવાનીમાં બે વર્ષ બાળકોએ સારી મહેનત કરેલ.
આ પ્રોજેકટમાં સૌરાષ્ટ્ર કચ્છ અને રાજકોટમાં ધો.૧૦ (એસ.એસ.સી.) બોર્ડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં સાયન્સ સ્ટ્રીમ પસંદ કરી નીટમાંથી ડોકટર અને આઇઆઇટીમાંથી એન્જીનીયર બનવાનું સ્વપ્ન જોતા હોય તેમને તમામ આર્થિક ખર્ચ સંસ્થા ભોગવે છે. દર વર્ષે ડીસેમ્બર મહીનામાં પરીક્ષાના ફોર્મ ભરાવવામાં આવે છે અને જાન્યુઆરીમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના સિલેકટેડ શહેરોમાં અંદાજિત ૨૦ થી વધુ સેન્ટર પર પરીક્ષા લેવાય છે. માર્ચમાં ટોપ ૪૦ વિદ્યાર્થીઓને સીલેકટ કરી સુપર ૪૦ પ્રોજેકટમાં સામેલ કરવામાં આવે છે.
સુપર ૪૦ પરીક્ષાની પેપર સ્ટાઇલમાં ૧૦૦ માર્કસના એમસીકયુ પુછવામાં આવે છે. જેમાં ૪૦ મેથ્સના, ૨૦ બાયલોજીના, ૧૫ ફીઝીકસના ૧૫ કેમેસ્ટ્રીના અને ૧૦ ઇંગ્લીશના એમસીકયુ હોય છે.
પ્રોજેકટની વધુ માહીતી માટે ટ્રસ્ટના મુખ્ય ભવન ‘કિલ્લોલ', ૧-મયુરનગર, મહાનગરપાલીકાની પૂર્વઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ફોન ૦૨૮૧-૨૭૦૪૫૪૫ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા'ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સમક્ષ વિગતો વર્ણવતા ટ્રસ્ટના વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટ, હર્ષદભાઇ પરમાર અને જી એડવાન્સ ઉતીર્ણ કરનાર પ્રયાગરાજ ચુડાસમા, જીનલ માંડવીયા, વૈશાલી સરવૈયા, માનાણી જીત નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(4:44 PM IST)










