<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

દાણાપીઠમાં છ દૂકાનોમાં ચોરી-ચોરીનો પ્રયાસ કરનારા બે તસ્‍કરને શોધવા ટીમો કામે લાગી

બે તસ્‍કર સીસીટીવીમાં દેખાયા હોઇ તેના આધારે એ-ડિવીઝન, ડીસીબી, પીસીબી દ્વારા તપાસ

રાજકોટઃ શહેરની દાણાપીઠ પરાબજારમાં શનિ-રવિવારની રાતે ત્રાટકેલા બે તસ્‍કરે છ દૂકાનોના તાળા તોડી બેંમાથી ચોરી અને ત્રણમાં પ્રયાસ કર્યો હતો. ડ્રાયફ્રુટની દુકાનમાંથી રૂ.૧૩,૫૦૦ની ચોરી થઈ હતી. જયારે અન્‍ય પાંચ દુકાનોમાં ચોરીનો પ્રયાસ કરતાં વેપારીઓમાં દેકારો મચી ગયો હતો. વેપારીઓએ નાઇટ પેટ્રોલીંગ કડક બનાવવા માંગણી કરી હતી. બે તસ્‍કર સીસીટીમાં કેદ થયા હોઇ તેને શોધી કાઢવા પીઆઇ બી. વી. બોરીસાગર, પીએસઆઇ રાણા અને ટીમે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં કાલાવડ રોડ પર હરીહર સોસાયટી શેરી નં પમાં રહેતા અને દાણાપીઠ ચોકમાં પીતાંબરદાસ ભવાનભાઈ ગોળવાળા નામે ડ્રાઈફુટની દુકાન ધરાવતા પ્રિતેશભાઇ  મનહરભાઈ કકકડ નામના વેપારીએ ફરિયાદ નોંધાવી છે. તેની દૂકાનના તાળા-નકુચા તોડી રોકડા ૪૫૦૦, ફોન મળી ૧૩૫૦૦ની મત્તા ચોરી જવાયાનું અને  હીરાચંદ ધનજી, લક્ષ્મણ ટ્રેડિંગ, જગદીશ ટ્રેડિંગ,અંકુર ટ્રેડિંગ, જયેન્‍દ્ર કુમાર છોટાલાલ અને ગોકુળ ટ્રેડિંગ સહિતની દુકાનોમાં તાળા તોડી ચોરીનો પ્રયાસ કરાયાનું જણાવાયું હતુ.

(4:51 PM IST)