<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

રાજકોટના ૧૦ સાયકલવીરો હિમાલયના પહાડોમાં સાયકલીંગ કરશે

મનાલીથી લેહ અને કારગીલ સુધી સાયકલીંગ કરશેઃ મેડિકલ ટીમ અને એમ્‍બ્‍યુલન્‍સ પણ સાથે રહેશે

રાજકોટઃ રંગીલા રાજકોટવાસીઓની વાત જ કંઈક અલગ હોય છે, સારા સ્‍વાસ્‍થ્‍ય માટે લોકો દરરોજ કંઈક પ્રવૃતિઓ સાથે જોડાયેલા હોય છે, ૨૪ કલાક ધમધમતા રાજકોટમાં ઘણાં લોકો સવારે ચા-ગાંઠિયા-થેપલા ખાઈને સુવે છે તો ઘણાં બધા લોકો સારા સ્‍વાસ્‍થ્‍ય માટે ઉઠીને દોડવા -સાયકલિંગ કરવા નીકળી જાય છે, તો દરરોજ સાયકલિંગ કરનાર આ મિત્ર વર્તુળ એક સાહસ કરવા જઈ રહ્યું છે.

રાજકોટના આ ૧૦ મિત્રો આગામી તા.૯ જુલાઈથી મનાલી-લેહ-કારગિલ સાયકલિંગ કરનાર છે. જેના માટે મનાલીથી સાયકલ રેન્‍ટ પર લઈ સાયકલિંગની શરૂઆત કરશે. જેમાં તેઓ ૫૦૦ કિમી સાયકલિંગ કરવાના છે. જે ‘‘મનાલી'' થી ‘‘લેહ'' અને ‘‘લેહ'' થી ‘‘કારગિલ''. જેમાં તેઓને ‘‘ટાઢ-તાપ-વરસાદ''ની સાથે સાથે ઓછા ઓક્‍સિજન સ્‍તરનો પણ સામનો કરવો પડશે. દરરોજનું ૪૦ થી ૫૦ કિમી સાયકલિંગ કરશે જેમનો રસ્‍તો તદ્‌ન કઠિન છે. ખૂબ ઉંચા ઉંચા ઢાળનો પણ સામનો થશે, જેમની તૈયારી ઘણા મહિનાઓથી શરૂ કરી દીધી છે. આ મનાલી-લેહ-કારગિલ સાયકલિંગમાં રાજકોટ શહેરમાંથી કુલ ૧૦ લોકો સહભાગી થયેલ છે. આ સાયકલ પ્રવાસમાં મેડીકલ ટીમ અને એમ્‍બ્‍યુલન્‍સ પણ સાથે રહેશે.

હાલ આ મિત્ર વર્તુળ દ્વારા મનાલી-લેહ-કારિગલ સાયકલિંગમાં માટે તડામાર તૈયારીઓ શરૂ કરેલ છે. જેમ કે, રાજકોટના માધાપર ચોકડીથી લઈને ગોંડલ ચોકડી સુધીના દરેક એ દરેક પુલ પર, ભીચરી માતાજીના મંદિર પાસેના હિલી વિસ્‍તારમાં આ સાથે રાજકોટ થી દ્વારકા-સાળંગપુર-જૂનાગઢ-જામનગર પણ પ્રેક્‍ટિસ કરી ચૂક્‍યા છે.

આ મનાલી-લેહ-કારગિલ સાયકલિંગમાં અમિત ટાંક, પાર્થ મહેતા (વાધર), ભાવિન મચ્‍છર, સાહિલ લાખાણી (મો.૯૮૨૪૬ ૭૩૨૪૮), નિલેશ સચદેવ, મહેન્‍દ્ર કનેરિયા, હર્ષ મણવર, રિયા મણવર, રમેશ કાનાણી, અને જય માનસુરીયા જોડાનાર છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:56 PM IST)