<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 30th June 2025

રાજકોટ-સૌરાષ્‍ટ્રમાં બરફના કારખાનાનો ‘તપતો સુરજ' અચાનક આથમી ગયો!!

છેલ્લા એક દશકામાં છુટક બરફનું વેચાણ સતત ઘટવાને કારણે : ર૦૦૧ની સાલમાં માત્ર રાજકોટમાંજ રપ બરફના કારખાના ધમધમતા હતા તેની સામે આજે માત્ર નવ કારખાના જ ચાલુ છે : લગ્ન પ્રસંગે પાણી તેમજ છાશ ઠંડી કરવા હવે બરફના સ્‍થાને કોલ્‍ડ વોટર જગ આવી ગયો : ઉનાળામાં હવે માત્ર ગોલા-ઠંડાપીણા પુરતીજ બરફની જરૂરીયાત રહી છે : દશકા પહેલા ઉનાળાની સીઝનમાં અનેક લોકો ફુટપાથ પર બરફ વેચતા જોવા મળતા : લોકોની આર્થિક સમુધ્‍ધિ વધતા અને ખાનગી બેંકોની સરળ લોનને કારણે ઘેર ઘેર ફ્રીઝ આવ્‍યા

રાજકોટ તા. ૩૦:  આજથી ૧૦-૧પ વર્ષ પહેલા રાજકોટ સૌરાષ્‍ટ્રમાં અનેક બરફના કારખાના જોવા મળતા હતા પરંતુ છેલ્લા દસ વર્ષમાં એવુ પરિવર્તન આવ્‍યું કે સૌરાષ્‍ટ્ર સહિત રાજકોટમાં અનેક બરફના કારખાનાને તાળા લાગી ગયેલા જોવા મળે છે હવે રાજકોટની વાત કરીએ તો ગણ્‍યા ગાઠીયા (આંગળીના વેઢે) ગણી શકાય તેટલા જ કારખાના જોવા મળે છે.

દસકામાં જ બદલાવ આવ્‍યો

દેશમાં ખાનગી કારણને લઇને ખાનગી બેંકો તેમજ એનબીએફસી (નોન બેકીંગ ફાઇનાન્‍સ) કંપનીઓના આગમન બાદ લોકોને ઓછા વ્‍યાજે  ઝડપથી લોન મળવા લાગતા અને તે પણ હપ્તેથી મળતા અનેક મધ્‍યમથી લઇ સામાન્‍ય વર્ગના લોકોએ પોતાની શકિત મુજબ રૂા. ૧૦ હજારથી ર૦-રપ હજારમાં લોન દ્વારા ફ્રીઝ ખરીદી લેતા ઘરમાં વપરાતા બરફની ડીમાન્‍ડ ઘટવા લાગતા બરફના છૂટક વેચાણમાં ભારે ઘટાડો થવા લાગેલ જેથી કારખાના બંધ થવાનું આ એક મોટુ કારણ માની શકાય.

ઉનાળાના સમયે બપોરના

ઘર વપરાશી બરફનું

વેચાણ ઘટી ગયુ

ઉનાળાની શરૂઆત એટલે કે એપ્રિલથી જુન માસ ત્રણ થી સાડા ત્રણ માસ બપોરના સમયે પ્રાઇવેટ વેપારી પેઢી અથવા કારખાનામાં નોકરી કરતા કામદારો બપોરે જમવા સમયે ઘેર જતી વખતે માત્ર એક અથવા બે રૂપિયાનો બરફ ઘરે લઇને જતા અને તેમાંથી પાણી તેમજ છાસ-ઠંડી કરીને ઘરના તમામ સભ્‍યો પીતા અને સખ્‍ત ગરમીમાં ઠંડકનો અહેસાસ કરી સંતોષ માનતા હતાં.

આ ઉનાળાના સમયે બપોરે ઘેર જમવા જતા અનેક લોકોની બરફની ખરીદી સાવ ઘટી જવાથી બરફના છૂટક વેચાણમાં ઘટાડો થતા બરફના કારખાનના માલિકોને વેપારમાં મોટી ખોટ પડી હતી. હવે ઘેર-ઘેર ફ્રીઝ વસાવાતા આમ છૂટક બરફનું વેચાણ સાવ તળીયે પહોંચી ગયુ આ પરિવર્તન છેલ્લા દસ વર્ષમાં થતા કારખાના માલિકોને કારખાના બંધ કરવાની નોબત આવી હતી. જેના ફળ સ્‍વરૂપે આજે બરફના કારખાના હવે નામશેષ થઇ જવા પામ્‍યા છે.

લગ્ન પ્રસંગના ફંકશનમાં તૈયાર

કોલ્‍ડ વોટર જગનો વપરાશ વધ્‍યો

અગાઉ ઉનાળાના સમયમાં લગ્ન પ્રસંગ - સગાઇ કે લગ્ન પ્રસંગે કોઇ પણ મોટો જમણવાર હોય ૧૦૦ થી ૫૦૦ વ્‍યકિતઓ માટે ૧૦ કિલોથી લઇને ૫૦ કે ૧૦૦ કિલો સુધી લોકો ઠંડા પાણી તેમજ છાશ ઠંડી કરવા માટે બરફ મંગાવતા હતા. તેના સ્‍થાને હવે અત્‍યારે બરફથી પાણી ઠંડુ કરવાના બદલે કોલ્‍ડ વોટર જગ (ઠંડા પાણીના) જગનું ચલણ વધી જતા આવા પ્રસંગોપાત વહેચાતા ૧૦ થી ૫૦ કિલોના જથ્‍થામાં બરફનું વેચાણ પણ ઘટી જવા પામેલ છે.

ડેરી ફાર્મ -પાનની દુકાનો - આઇસ્‍ક્રીમની દુકાનોમાં ફ્રીઝ આવી ગયા

અગાઉ ડેરીફાર્મવાળા દૂધ બગડે નહિ એટલે મોટી પેટીમાં દુધના લોખંડના કેન રાખી તેની આસપાસ બરફ ભરીને દૂધને ઠંડુ રાખતા હતા તેમજ આઇસ્‍ક્રીમ ઠંડો રાખવા ઓગળે નહિ એટલા માટે પણ બરફનો ઉપયોગ થતો હતો પરંતુ હવે ડેરી ફાર્મમાં પણ ફ્રીઝ આવી જતા ડેરી ફાર્મ માટે વપરાતા બરફનું વેચાણ પણ સારૂ એવુ ઘટી ગયુ છે આવી જ રીતે પાનવાળા પણ  લોખંડની પેટીમાં બરફ રાખીને સોડા -ઠંડા પીણાની બોટલો ઠંડી કરતા હતા તેને પણ ફ્રીઝ વસાવી લેતા. બરફના વેચાણમાં મોટો ફટકો પડયો છે

જયારે બરફની વધુ માંગ હતી ત્‍યારે અનેક

લોકો ફુટપાથ પર બરફ વેચતા'તા

આજથી ૧૦-૧પ વર્ષ પહેલા જયારે ઘરે ઘરે ફ્રીઝ નહોતા ત્‍યારે છૂટક ઘર વપરાશી બરફની માંગ રહેતા અનેક નાના લોકો ફુટપાથ પર પણ બરફ વેચતા જોવા મળતા હતા. બપોરના સમયે નોકરી - કારખાનામાંથી જમવા માટે ઘેર જતા સમયે અનેક લોકો આવી ફુટપાથ પર બેસતા લોકો પાસેથી  એક અથવા બે રૂપિયાનો બરફ ઘેર ઠંડા પાણી તેમજ છાશ ઠંડી કરવા લઇ જતા હતાં. જેની ફુટપથ પર બેસતા બરફ વેચતા લોકો દિવસ દરમિયાન બરફની ચાર થી પાંચ લાદી વહેચીને સારો એવો વેપાર કરતા હતા અને રોજી-રોટી મેળવતા હતાં. પરંતુ છેલ્લા દશ વર્ષમાં તો બરફનું વેચાણ ઘટી જતા હવે ફુટપાથ પર બરફ વેચતા કોઇ લોકો જોવા મળતા નથી. (૬-ર)

 

પાનની દુકાન, આઇસ્‍ક્રીમ પાર્લર, હોટલ, રેસ્‍ટોરન્‍ટને ફ્રીઝની સુવિધા આપતા બરફનું વેચાણ સાવ ઘટી ગયુ

ઠંડાપીણા આઇસ્‍ક્રીમની નામાંકિત કંપનીઓએ

રાજકોટ તા.૩૦ : કેન્‍દ્રમાં સને ૨૦૦૧ની સાલમાં વડાપ્રધાન મનમોહનસિંહની સરકારે ખાનગીકરણને મંજુર આપી પ્રોત્‍સાહન આપતા અનેક ખાનગી બેંકો અને ફાયનાન્‍સ કંપનીઓએ હરિફાઇને કારણે લોનની પ્રક્રિયા સરળ બનાવી ઝડપથી લોન આપવા લાગેલ તેમજ સમય જતા વ્‍યાજદરો પણ ઘટતા અને નાના હપ્‍તે લોન મળતા અનેક લોકોએ તેમજ નાના વેપારીઓએ પોતાની જરૂરીયાત મુજબ ફ્રીઝ વસાવવા લાગ્‍યા હતા.

આવી સસ્‍તી લોનની સુવિધાનો લાભ સામાન્‍ય લોકોએ ફાયદો ઉઠાવ્‍યો પરંતુ સાથોસાથ કોકાકોલા, અમુલ હેવમોર, શીતલ આઇસ્‍ક્રીમ જેવી અનેક નામાંકિત કંપનીઓએ પણ પોતાનુ વેચાણ વધારવા અને હરિફાઇમાં ટકવા માટે ખુદ કંપનીઓએ ફ્રીઝ તેમની પ્રોડકટ ઠંડાપીણા- આઇસ્‍ક્રીમના વેચાણ કરતા વેપારીઓને આપવા લાગતા વેપારીઓને પણ ફાયદો થવા લાગ્‍યો. આમ બહુ જ ટુકા ગાળામાં પાનની દુકાનો ડેરી ફાર્મ, આઇસ્‍ક્રીમ પાર્લર તેમજ હોટલ, રેસ્‍ટોરન્‍ટમાં અનેક જગ્‍યાએ ફ્રીઝની સુવિધા ઉપલબ્‍ધ થતા બરફના છુટક વેચાણમાં ૧૦ વર્ષમાં જબરો ઘટાડો થતા અનેક કારખાના માલિકોએ ના છુટકે કારખાના બંધ કરી અન્‍ય બીઝનેસ તરફ વળવાની નોબત આવી હતી.

બરફના કારખાના બંધ થવા

પાછળની આ છે ખરી વાસ્‍તવીકતા...

બરફનું વેચાણ ઘટવાની સાથે સમય જતા કારખાનાને જાળવી રાખવા તેનો મેન્‍ટેન્‍સ- રીપેરીંગનો ખર્ચ સ્‍ટાફના પગારનો ખર્ચ સતત વધતો જતો હતો. આમ ખર્ચ વધવાને કારણે પણ અમુક બરફના કારખાના બંધ થઇ ગયા હતા.(૬.ર)

 

ક્રિષ્‍ના આઇસ ફેકટરીના પ્રો.રસીકભાઇ પટેલે બરફના શિવલીંગ અમરનાથ દર્શન બર્ફાનીબાબાની પ્રતિકૃતિઓ બનાવવા બીડુ ઝડપ્‍યું

છુટક બરફની ડીમાન્‍ડ ઘટવાના પડકાર સામે સમય સાથે તાલ મિલાવી

રાજકોટઃ આધુનિક ટેકનોલોજી સમયના બદલાવ સાથે પાન-પાર્લર ડેરી ફાર્મ હોટલ રેસ્‍ટોરન્‍ટમાં પણ બદલાવ આવવા લાગતા વેપાર અને આર્થિક સમૃધ્‍ધિ વધતા ઝડપથી લોન મળતા અનેક  ધંધાર્થીને કંપનીઓ દ્વારા ફીઝની સવલત મળતા બરફનું વેચાણ ઘટવા લાગવા છતા રાજકોટે આઇસ ફેકટરી એશોના પ્રમુખે તેમની ક્રિષ્‍ના આઇસ ફેકટરી ચાલુ જ રાખી છે. પરંતુ બરફના વેચાણ ઘટવાની સાથે તેને સમય સાથે તાલ મિલાવી અપગ્રેડ થવાનું વિચાર્યુ અને તેમાં તેને સફળતા પણ મળી.

ક્રિષ્‍ના આઇસ ફેકટરીના માલિક રસિકભાઇ પટેલે પવિત્ર શ્રાવણ માસમાં બરફમાંથી શિવલીંગ-અમરનાથ દર્શન તેમજ બર્ફાની બાબાની કૃતિઓ બનાવવા વિચાર આવ્‍યો અને તે વિચારને તેને અમલમાં મુકયો હતો. પવિત્ર શ્રાવણ માસમાં અનેક શિવમંદિરોમાં બરફના શિવલીંગ બર્ફાની બાબા તેમજ અમરનાથ દર્શન માટે બરફમાંથી આ પ્રકારની પ્રતિકૃતિઓ કલર વાળા બરફમાં બનાવવાનું ચાલુ કરતા શ્રાવણ માસમાં અનેક શિવ મંદિરો માટે ક્રિષ્‍ના આઇસ ફેકટરીને ઓર્ડર મળવા લાગેલ હતા.

રાજકોટ આઇસ ફેકટરી એશોસી એશનના પ્રમુખ રસીકભાઇ પટેલ (મવડી પ્‍લોટ) મો. ૯૪૨૬૭ ૮૫૨૮૨)એ જણાવ્‍યું હતું કે સમયાંતરે ટેકનોલોજીને કારણે બદલાવ આવતો ગયો તેમ બરફનું છુટક વેચાણ ઘટતા અનેક કારખાનાઓ બંધ થઇ ગયા છે.

એક સમયે એટલે કે ૨૦૦૧ની સાલમાં માત્ર રાજકોટમાં આજે ૨૫ જેટલા બરફના કારખાના હતા.તે સામે અત્‍યારે રાજકોટમાં માત્ર નવ કારખાના જ કાર્યરત છે. તેમાં પણ ચોમાસા તેમજ શિયાળાની ઋતુંમાં આ નવ માંથી પણ લગભગ ૫૦ ટકા કારખાના બંધ થઇ જતા હોય છે માત્ર ૪ થી ૫ કારખાના જ ચાલુ રહે છે.

સતકભાઇ પટેલે જણાવેલ છે હાલ તેઓ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન બરફના શિવલીંગ બાબા અમરનાથ તેમ બરફના હિમાલય દર્શનની પ્રતિકૃતિઓ બનાવી અનેક શિવમંદિરોમાં સ્‍થાપિત કરી આપે છે. અને આ માટે ખાસ કરીને શ્રાવણમાસના સોમવારે બરફના શિવલીંગ માટે અગાઉથી ઓર્ડર મળવા લાગતા હોય છે. આમ અમોએ તેમજ રાજકોટના બીજા કેટલાક બરફના કારખાના માલિકો શ્રાવણ માસ નિમીતે બરફના શિવલીંગની પ્રતિકૃતિઓ શિવમંદિરોમાં સ્‍થાપિત કરવા  બનાવી આપતા હોય છે. બરફના શિવલીંગ લગભગ બે દિવસ સુધી રહે છે. ધીરે ધીરે ઓગળવા લાગતા હોય છે. (૬.ર)

 

સંકલન
કિશોર ઍન. કારીયા
મો. ૯૮૨૫૮ ૩૦૪૯૯

(11:43 AM IST)