તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
કાલે અષાઢી બીજની રથયાત્રા માટે ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૦ પીઆઈ સહિત ૧૬૦૦નો બંદોબસ્ત
રથયાત્રાના રૂટ પર તમામ વાહનો માટે નો-એન્ટ્રી નો-પાર્કિંગનું પોલીસ કમિશનરનું જાહેરનામુ :મહોરમ નિમીતે પણ જાહેરનામુ બહાર પડાયું: ૯ ફુટથી ઉંચો તાજીયો બનાવવો નહિઃ ધાર્મિક લાગણી દુભાય તેવા તાજીયા ન બનાવવા, રાત્રીના દસથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર ન વગાડવું: ડીજે વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજુરી લેવીઃ તાજીયા રૂટની પણ મંજુરી લેવી

રાજકોટ તા. ૨૬: આગામી દિવસોમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવારો અષાઢી બીજની રથયાત્રા અને મહોરમમાં તાજીયા યોજાનાર હોઇ તે અન્વયે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે. આવતીકાલે અષાઢી બીજની રથયાત્રા નીકળનારી હોઇ તે અનુસંધાને ૧૬૦૦થી વધુ પોલીસ અધિકારીઓ, જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રથયાત્રાના દિવસે રૂટ ઉપર સવારથી રાત સુધી ૧૨ કલાક તમામ વાહનોને નો એન્ટ્રી અને નો ર્પાકિંગ જાહેર કરવામાં આવ્યું છે જયારે ૯ ફૂટથી ઊંચા તાજીયા બનાવવા, વેચવા અને પરિવહન ઉપર પણ પ્રતિબંધ ફરમાવાયો છે. તેમજ ડીજે માટે તાજીયા કમિટીએ મંજુરી લેવા જાહેરનામામાં જણાવાયું છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની અધ્યક્ષતામાં આગામી તહેવારો અન્વયે એક બેઠક યોજાઈ હતી જેમાં રથયાત્રા અને મહોરમના બંદોબસ્ત અંગે સુચનો અપાયા હતાં. અષાઢી બીજ નિમિતે નાના મવાથી પ્રસ્થાન થતી ભગવાન જગ્ગન્નાથજીની રથયાત્રા જેકે ચોક, રૈયા રોડ, કિશાનપરા ચોક, સદર બજાર, જયુબેલી, ત્રિકોણ બાગ, પેલેસ રોડ, સોરઠીયાવાડી સર્કલ, સ્વામીનારાયણ ચોક, મવડી ફાયર બ્રિગેડ, રાજનગર ચોક, નાના મવા સર્કલથી ફરી આશ્રમ ખાતે સમાપન થનાર હોય આ તમામ રૂટ ઉપર વાહનોને નો ર્પાકિંગ અને નો એન્ટ્રી જાહેર કરવામાં આવ્યો છે બંદોબસ્તમાં ૪ ડીસીપી, ૬ એસીપી, ૨૦ પીઆઈ, ૯૩ પીએસઆઈ, એએસઆઈ, એસઆરપી, હોમગાર્ડ સહિત ૧૬૦૦ જેટલો જવાનો તૈનાત રહેશે.
આ ઉપરાંત આગામી તારીખ ૫ અને ૬ જુલાઈના રોજ મહોરમ નિમિતે તાજીયા જુલુસ નીકળવાનું હોય દરેક કમિટીઓને ૯ ફૂટથી વધુ ઉંચાઈના તાજીયા બનાવવા, વેચવા કે પરિવહનની મનાઈ ફરમાવી છે આ ઉપરાંત નિયત કરેલા સ્થળે જ તાજીયા મુકવા, ધાર્મિક લાગણી દુભાય તેવા તાજીયા ન બનાવવા, રાત્રીના દસથી સવારના છ વાગ્યા સુધી લાઉડ સ્પીકર ન વગાડવું, ડીજે વગાડવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશનની મંજુરી લેવી, તાજીયા રૂટની પણ મંજુરી લેવી સહિતની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે મહોરમનું જાહેરનામુંતારીખ ૨૫ જુનથી. ૭ જુલાઈ રાત્રીના ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમ જણાવાયું છે.
(3:12 PM IST)










