<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th June 2025

રણછોડનગરમાં બે ભાગીદારે પુર્વ કર્મચારી યુવતિ અને પિતાને ઓફિસમાં પુરી ફટકાર્યા

તમે અમારે ત્‍યાં નોકરી કરી છે, અલગથી લેજરનું કામ કરશો તો રાજકોટમાં રહેવા નહિ દઇએ.. : સંત કબીર રોડ પર રહેતી ક્રિષ્‍નાબેન બારસરાની ફરિયાદ પરથી સાવન લુણાગરીયા અને સુજલ કાસુન્‍દ્રા વિરૂધ્‍ધ બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૬: શહેરના સામા કાંઠે પરિવાર સાથે રહેતી મુળ મોરબીની યુવતિ અગાઉ રણછોડનગરના શખ્‍સને ત્‍યાં લેજર ડલ કામ કરતી હોઇ હવે પાંચેક દિવસથી તેણે ઘરે જ લેજર મશીન રાખી પોતાનું અલગથી કામ ચાલુ કરતાં આ બાબતનો ખાર રાખી રણછોડનગરના શખ્‍સ અને તેના પાર્ટનરે તેણીને વાત કરવા ઓફિસે બોલાવતાં  તે તેના પિતાને લઇને ત્‍યાં જતાં  બંને ભાગીદાર શખ્‍સો આ પિતા-પુત્રીને ઓફિસમાં  પુરીને બેફામ ધોલધપાટ કરી  તેમજ જો લેજર કામ કરશો તો રાજકોટમાં રહેવા નહિ દઇએ તેવી ધમકી આપતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં બી-ડિવીઝન પોલીસે સંત કબીર રોડ પુજીત રૂપાણી ટ્રસ્‍ટ પાસે મયુરનગર-૧માં રહેતાં મુળ મોરબી કુંભારવાડાના ક્રિષ્‍નાબેન ધર્મેશભાઇ બરાસરા (ઉ.વ.૧૮)ની ફરિયાદ પરથી સાવન લુણાગરીયા અને સજુલ કાસુન્‍દ્રા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ક્રિષ્‍નાબેન બરાસરા-પ્રજાપતિએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને લેઝર ડલકામ કરુ છું, મારા પિતા ચાંદીકામ કરે છે. પાંચ દિવસ પહેલા અમે ઘરે લેજર મશીન રાખ્‍યું છે અને કામ ચાલુ કર્યુ છે.

હું પહેલા રણછોડનગર-૨૫માં રહેતાં સાવન લુણાગરીયાને ત્‍યાં લેજર કામ કરતી હતી. દોઢેક વર્ષ મેં તેને ત્‍યાં નોકરી કરી હતી. હવે મેં અલગથી મારા ઘરે  પાંચેક દિવસ પહેલા લેજર મશીન મુકી આ કામ ચાલુ કર્યુ છે. આથી સાવને મારા પિતાને ફોન કરી કહેલુ કે મારે ક્રિષ્‍નાનું કામ છે તો મારી ઓફિસે મોકલો. જેથી બુધવારે સાંજે આઠેક વાગ્‍યે મારા પિતાએ સાવનને ફોન કરીને કહેલુ કે હું અને મારો દિકરો તમારી ઓફિસે આવીએ છીએ.

આ વાત થયા બાદ સાવને મને ફોન કરી તમે રાતે દસ વાગ્‍યે આવજો. આથી હું, મારા પિતા રણછોડનગર-૨૫માં આવેલી સાવનની ઓફિસે ગયા હતાં. જ્‍યાં સાવન લુણાગરીયા અને તેનો પાર્ટનર સુજલ કાસુન્‍દ્રા પણ હતો. આ પછી સાવને મને કહેલુ કે તારી અને તારા મિત્રની વ્‍હોટ્‍સએપ ચેટ મને બતાવ. મેં તે બતાવવાની ના પાડતાં સાવન અને સુજલ બંને ઉશ્‍કેરાઇ ગયા હતાં અને ઓફિસનું બારણું બંધ કરી મને અને મારા પિતાને જેમફાવે તેમ મારકુટ ચાલુ કરી હતી. તેમજ કહેલું કે-તમે અહિ નોકરી કરી છે, હવે પોતાનો ધંધો કરી શકો નહિ, જો લેજર કામ કરશો તો રાજકોટમાં રહી નહિ શકો તેમ કહી ધમકી આપી હતી. દેકારો થતાં બીજા લોકો ભેગા થઇ જતાં અમને છોડાવ્‍યા હતાં.

તેમ વધુમાં ક્રિષ્‍નાબેને કહેતાં પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પીએસઆઇ એમ. એસ. પંડયાએ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(4:19 PM IST)