તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ડો. અંકિત કાથરાણીએ રૂપિયા ૨૨.૪૯ લાખનો વધુ એક ક્લેઇમ બોગસ રિપોર્ટથી પકાવી લીધાનો પર્દાફાશ
ગત એપ્રિલમાં ચાની હોટલવાળા મિત્ર મયુર છુંછારને પેરેલિસિસનો દર્દી બતાવી ડો. અંકિત સહિતે ૪૦ લાખનો વિમો પકવવા કારસ્તાન ઘડતાં પાંચને પકડી લેવાયા હતાં: ગાંધીગ્રામ પોલીસની તપાસમાં જેલહવાલે ફિઝીયોથેરાપીસ્ટનું વધુ એક કારસ્તાન આવ્યું સામે : અગાઉના કોૈભાંડની તપાસ વખતે ખુલ્યું કે વર્ષ ૨૦૨૨માં ખાનગી હોસ્પિટલની સારવારના અને સિવિલ હોસ્પિટલ સહયોગ ઇમેજીંગ સેન્ટરના બોગસ એમઆરઆઇ રિપોર્ટને આધારે કોૈભાંડ આચર્યુ છેઃ આની જાણ પોલીસે કરતાં એચડીએફસી અરગો કંપનીના અધિકારીએ ગાંધીગ્રામ પોલીસમાં અલગથી ગુનો દાખલ કરાવ્યો : ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ આર. એસ. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયાએ તપાસ હાથ ધરીઃ જેલમાંથી ફિઝીયોથેરાપી ડો. અંકિતનો કબ્જે મેળવવામાં આવશે : એસીપી રાધીકા ભારાઇએ કહ્યું-ગાંધીગ્રામ પોલીસ અગાઉના ગુનાની તપાસ કરતી હતી ત્યારે નવું કોૈભાંડ ખુલ્યું: અન્ય એક કુંદન હોસ્પિટલના નામે પણ નકલી રિપોટ

રાજકોટ તા. ૨૬: શહેરના જામનગર રોડ વ્હોરા સોસાયટી પાસે રહેતાં અને ચાની હોટલ ચલાવતાં ત્રીસ વર્ષના શખ્સે પોતાને પેરેલિસીસની અસર થઇ ગઇ છે તેવા ખોટા સારવારના રિપોર્ટ ઉભા કરાવી ૪૦ લાખનો વીમો પકવવા કારસ્તાન ઘડતાં ગત એપ્રિલ મહિનામાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગાંધીગ્રામ પોલીસે ફિઝીયોથેરાણીસ્ટ ડો. અંકિત કાથરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી. ડો. કાથરાણી સામે આવુ જ એક વધુ કોૈભાંડ આચરવાનો બીજો ગુનો નોંધાયો છે. જેમાં તેણે એચડીએફસી અરગો કંપનીનો મેડીક્લેઇમ ઉતરાવી રાજકોટની ખાનગી હોસ્પિટલની સારવારના તથા સિવિલ હોસ્પિટલના સહયોગ ઇમેજીંગના ખોટા એમઆરઆઇ રિપોર્ટને આધારે રૂા. ૨૨,૪૯,૫૮૭ની પોલીસી પકાવી લીધાનું ખુલ્યું છે.
આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે મુળ તેલંગણાના કરીમનગરના માનકુડુરના વતની અને હાલ અમદાવાદ નવરંગપુરામાંવસુધા એપાર્ટમેન્ટ બી-૭ ખાતે રહેતાં અને એચડીએફસી અરગો જનરલ ઇન્સ્યુરન્સ કંપનીમાં આસી. વાઇસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરતાં ડો. શ્રીનિવાસ જનારામુ નરસૈયા (ઉ.વ.૪૪)ની ફરિયાદ પરથી હાલ અગાઉના વીમા પોલીસીના કોૈભાંડમાં પકડાતાં જેલહવાલે રહેલા ફિઝોયોથેરાપીસ્ટ ડો. અંકિત હિતેષભાઇ કાથરાણી (રહે. માધાપર ચોકડી) વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
ડો. શ્રીનિાવસ નરસૈયાએ જણાવ્યું છે કે હું એચડીએફસી ઇન્સ્યુરન્સ કંપનીમાં બે વર્ષથી ફરજ બજાવુ છું. અમારી કંપનીની ઓફિસ અમદાવાદ નહેરૂનગર ખાતે શ્રીધર એથેન્સ બ્લોક એ-૧૨૦૧ ખાતે આવેલી છે. અમારી કંપની મેડીક્લેમ સ્થળ પરિક્ષણ માટે ફિનીક્સ ક્લેઇમ સોલ્યુસનના વીમા ક્લેઇમની ચકાસણીનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. અમારી એચડીએફસી ઇઆરજીઓ (એરગો) જનરલ ઇન્સ્યુરન્સ કંપની લિ.માંથી ડો. અંકિત કાથરાણીએ પોલીસી નંબર ૨૯૧૮ ૨૦૪૬ ૩૩૨૩ ૫૦૦૦ ૦૦૦ તા. ૨૯/૪/૨૨માં પોતાના નામે રૂા. ૨૨,૪૯,૫૮૭ની લીધી હતી.
આ પોલીસીમાંમોટી તમામ ગંભીર બિમારીઓ કવર થાય છે. જ્યારે પણ વિમાધારક પોતાની બિમારી અંગેનું મેડીક્લેમ મંજુર થવા અમારી કંપનીમાં ઓનલાઇન મેડિકલ ફાઇલ સબમીટ કરે ત્યારે તે અંગેની જરૂરી ખરાઇ કરવા માટે ટીપીએ (થર્ડ પાર્ટી ઓડિટ એજન્સી) દ્વારા જરૂરી ચકાસણી કરવામાં આવે છે અને અમારી કંપની દ્વારા ફિનીક્સ કંપની સાથે થર્ડ પાર્ટી એજન્સી તરીકે પાંચ વર્ષથી કરાર કર્યા છે. એપ્રિલ-૨૦૨૫માં અમને જાણ થઇ હતી કે ડો. અંકિત કાથરાણી (રહે. માધાપર ચોકડી રાજકોટ)એ તેના અન્ય મિત્રો સાથે મળી આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડમાં ખોટો મેડીક્લેઇમ મંજુર કરાવવાની કોશિષ કરી છે અને તેના સહિતના ઉપર પોલીસ કેસ થયો છે.
આથી અમારી કંપનીમાં પણ ડો. અીંકત કાથરાણીએ મેડીક્લેઇમ પોલીસી કઢાવી હોઇ અને આ પોલીસીમાં તેણે ૩૧/૮/૨૨ના રોજ પોતાની ગંભીર બિમારી સંદર્ભે રિપોર્ટ સબમીટ કરી વીમો પકાવી લીધો હોઇ અમે તપાસ શરૂ કરી હતી. જે તે વખતે ડો. અંકિતે વીમો પકવવા રિપોર્ટ સબમીટ કર્યા ત્યારે તેમાં રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ સહયોગ ઇમેજીંગ સેન્ટરનો તા. ૨૫/૮/૨૨ના રોજનો એમઆરઆઇ ઓફ બ્રેઇનનો રિપોર્ટ પણ અપલોડ કર્યો હતો. આથી અમારી કંપનીની થર્ડ પાર્ટી એજન્સી દ્વારા તપાસ કરાયા બાદં આ વિમાધારક ડો. કાથરાણીએ પોતાની પાસ થયેલી રકમ ૨૧/૯/૨૨ના રોજ સેટલમેન્ટ લેટરથી મેળવી હતી. અમારી એચડીએફસી બેંકમાં તેની હોમલોન ચાલુ હોઇ જે લોનની રકમના રૂા. ૨૧,૭૪,૦૮૭ અમારી એચડીએફસી એરગો કંપની દ્વારા એચડીએફસી બેંકને અંકિત કાથરાણીએ હોમ લોન એકાઉન્ટ દ્વારા એનઇએફટી (બેંકથી બેંક દ્વારા) ટ્રાન્સફર કરવામાં આવેલ. બાકીના રૂા. ૭૫૫૦૦ અંકિત કાથરાણીના એચડીએફસી બેંક એકાઉન્ટની રૈયારોડ શાખામાં અમારી કંપનીએ જમા કરાવી દીધા હતાં.
આ રીતે ડો. અંકિત કાથરાણીએ અમારી કંપનીમાંથી કુલ રૂા. ૨૨,૪૯,૫૮૭નો મેડીક્લેઇમ પાસ કરાવી લીધો હતો અને અમે રકમ ચુકવી દીધી હતી. આ દરમિયાન ડો. અંકિતે મેડીક્લેઇમના નામે કોૈભાંડ આચર્યાની ખબર પડતાં અમે ફિનીક્સ કંપીના કર્મચારી મો.આરીફ અહેમદઅલી શેખ મારફત રાજકોટ પીડીયુ હોસ્પિટલના સહયોગ ઇમેજીંગ સેન્ટર ખાતે તપાસ કરાવતાં ડો. અંકિત કાથરાણીના નામે તા. ૨૫/૮/૨૨ના રોજ એમઆઇઆર રિપોર્ટ થયો જ નહોવાનું આ સેન્ટરના હેડ નિલીમાબેન ગર્ગ દ્વારા જણાવાયું હતું. આ બાબત તેમણે લેટરપેડ ઉપર લખી આપી હતી. આ રિપોર્ટ ફિનીક્સના કર્મચારીએ અમારી કંપનીને મોકલ્યો હતો.
આ પછી અમને ખબર પડી હતી કે ડો. અંકિત કાથરાણીએ અમારી કંપનીમાં ૨૦૨૨માં મેડીક્લેઇમ પોલીસી ઉતારવી બાદમાં રાજકોટની ખાનગી હોસ્પિટલના નામના ખોટા બનાવટી મેડીકલ કાગળો તેમજ ખોટા એમઆરઆઇ રિપોર્ટ રજૂ કરી તેનો સાચા તરીકે ઉપયોગ કરી અમારી કંપની પાસેથી કુલ રૂા. ૨૨,૪૯,૫૮૭નો ઇન્સ્યોરન્સ ક્લેઇમ છેતરપીંડીથી મેળવી લીધો હતો. આથી અમે ડો. હિતેષ કાથરાણી અને તેની સાથે જેટલા પણ આ કારસ્તાનમાં સામેલ હોય તેની સામે ફરિયાદ દાખલ કરાવી છે. તેમ વધુમાં ડો. શ્રીનિવાસ નરશૈયાએ જણાવતાં પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં પીએસઆઇ વી. ડી. રાવલીયા અને સ્ટાફે ગુનો દાખલ કર્યો છે. ડો. અંકિત અગાઉના આવા ગુનામાં જેલમાં હોઇ તેનો જેલમાંથી કબ્જો મેળવી પુછતાછ કરવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે અગાઉ ૪૦ લાખની પોલીસી પકવવાના કોૈભાંડમાં પોલીસે માધાપર ચોકડી પાસે વ્હોરા સોસાયટી પાસે એમ્પાયર- કેવલમ્ કિંગડમ-૨૦૨ ખાતે રહેતાં ચાની હોટલવાળા મયુર કરસનભાઇ છુછાંર (ઉ.વ.૩૦), તેના મિત્ર ફિઝીયોથેરાપીસ્ટ ડો. અંકિત હિતેષભાઇ કાથરાણી (રહે. માધાપર ચોકડી પાસે) તથા સમર્પણ હોસ્પિટલના એડમીન ભાવીક માકડ, હોસ્પિટલ ઇવેન્ટનું કામ કરતાં હિતેષ રવીયા અને તેના મિત્ર સિવિલના સહયોગ ઇમેજીંગના હિમાંશુ રાઠોડની ધરપકડ કરી હતી. જે પૈકી હાલ જેલમાં રહેલા ડો. અંકિત કાથરાણી સામે નવો ગુનો દાખલ થતાં ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની રાહબરીમાં પીઆઇ આર. એસ. મેઘાણી, પીએસઆઇ વી. ડી. રાવલીયા અને ટીમે તપાસ હાથ ધરી છે. (૧૪.૬)
ડો. અંકિત કાથરાણીનું હજુ ત્રીજુ કોૈભાંડ પણ સામે આવ્યું
ઞ્જ એસીપી રાધિકા ભારાઇએ જણાવ્યું છે કે જેલહવાલે રહેલા ડો. અંકિત કાથરાણીએ બોગસ કાગળો, રિપોર્ટને આધારે આચરેલા વીમા પકવવાના કોૈભાંડની તપાસમાં એવુ પણ સામે આવ્યું છે કે હજુ એક ત્રીજુ આવુ કારસ્તાન પણ ડો. અંકિતે આચર્યુ હતું. કુંદન હોસ્પિટલના નામે નકલી રિપોર્ટ કાગળો બનાવી વિમો પકાવી લીધાની વિગતો સામે આવી રહી હોઇ આ મામલે ત્રીજો ગુનો દાખલ કરાવવા જે તે પોલીસ સ્ટેશનને સુચના અપાઇ છે.
એચડીએફસીની હોમલોન ભરપાઇ ન કરી શકતાં ડો. કાથરાણીએ વીમો ઉતરાવી નકલી રિપોર્ટથી પકાવી લીધોઃ એસીપી રાધિકા ભારાઇ
ઞ્જએસીપી રાધિકા ભારાઇએ જણાવ્યું હતું કે ડો. અંકિત કાથરાણીએ ૨૦૨૨માં એચડીએફસીમાંથી હોમલોન લીધી હતી. આ લોન ભરપાઇ ન કરી શકતાં તેણે એચડીએફસી અરગોમાં વીમા પોલીસી ઉતરાવી હતી અને હોસ્પિટલોના ખોટા બીલો, રિપોર્ટ, એમઆરઆઇના નકલી રિપોર્ટ રજૂ કરી વીમો પકાવી લઇ જે રકમ મળી તે લોન ભરપાઇ કરીને સેટલમેન્ટ કર્યુ હતું. આ લોન ભર્યા ઉપરાંતના ૭૫ હજાર જેવી રકમ વધી હતી જે વીમા કંપનીએ ડો. અંકિતના ખાતામાં જમા કરાવી હતી.
(2:52 PM IST)










