<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th June 2025

જન્‍માષ્‍ટમી લોકમેળો ભયંકર દ્વિધામાં: સતત ત્રીજી વખત ફોર્મ અંગે મુદત લંબાવાઇઃ બીજી બાજુ રાઇડ એસો.નો બહિષ્‍કાર યથાવત

કડક SOPને કારણે રાઇડ માલિકો નહિ આવેતો મેળો ખાલીખમ જણાશેઃ અન્‍ય સ્‍ટોલ ધારકો ચિંતાતુર. :કલેકટરે રાઇડ માલિકોને તાકિદે બોલાવવા જરૂરીઃ જન પ્રતિનિધીઓની હાજરીમાં વચ્‍ચેનો રસ્‍તો કાઢવો તે આવકારદાયક રહેશે

 

રાજકોટ, તા. રપઃ દર વર્ષે હજારોની મેદનીથી ઉભરાઈ જતા, બાળકોથી માંડી વળદ્ધો સુધી સૌ કોઈને મંત્રમુગ્‍ધ કરનારા  રાજકોટના જન્‍માષ્ટમીના ભાતીગળ લોકમેળાનું ભવિષ્‍ય હાલ જોખમમાં મુકાયું છે! રેસકોર્સ મેદાનમાં આગામી ૧૪ થી ૧૮ ઓગસ્‍ટ દરમિયાન યોજાનાર આ મેળા પર ખતરો મંડરાઈ રહ્યો છે, અને તેનું કારણ છે રાજ્‍ય સરકાર દ્વારા યાંત્રિક રાઈડ માટે ફરજિયાત બનાવવામાં આવેલી કડક SOP (સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) સામે ગુજરાત મેળા એસોસિએશનનો સળગતો વિરોધ. સ્‍થિતિ એટલી હદે વણસી છે કે, અત્‍યાર સુધીમાં એક પણ યાંત્રિક રાઈડ માટે ફોર્મ ભરાયું નથી! જેના પગલે લોકમેળામાં ફોર્મ ભરવાની મુદ્દતને ત્રીજી વખત લંબાવીને ૯ જુલાઈ સુધી ખેંચવાની ફરજ પડી છે, પરંતુ શું આટલું પૂરતું થશે? તેવો સવાલ ઉઠયો છે.

રાજ્‍ય સરકારની નવી અને કડક SOP માં રાઈડ હેઠળ RCC ફાઉન્‍ડેશન, સ્‍ટ્રક્‍ચર સ્‍ટેબિલિટી સર્ટિફિકેટ અને GST સાથેનું રાઈડનું બિલ જેવી અઘરી શરતોનો સમાવેશ થાય છે. રાઈડ ધારકોનું કહેવું છે કે, આ નિયમોને કારણે મેળામાં અસ્‍થાયી ધોરણે રાઈડ ગોઠવવી ‘અશકય' બની ગઈ છે. ગુજરાત મેળા એસોસિએશને તો અગાઉ જ આ કડક SOP રદ કરવાની માંગ સાથે મેળાના સંપૂર્ણ બહિષ્‍કારની ચીમકી ઉચ્‍ચારી છે, અને તેમની આ ચીમકી સાચી ઠરી રહી હોય તેમ લાગી રહ્યું છે. શરૂઆતમાં ભલે ૩૭ રાઈડ ધારકોએ ફોર્મ ઉપાડ્‍યા હોય, પરંતુ ૧૯ જૂનની બીજી મુદ્દત સુધીમાં એક પણ ફોર્મ ભરીને પરત આવ્‍યું ન હતું.

સૌથી મોટી ચિંતા એ છે કે, જો મેળામાં રાઈડ જ નહીં હોય, તો મેળો સાવ ‘ફિક્કો' લાગશે અને લોકોની ભીડ ઓછી થશે. આ ભીતિને કારણે અન્‍ય સ્‍ટોલ અને પ્‍લોટ ધારકો પણ નિરુત્‍સાહિત બન્‍યા છે. મેળામાં કુલ ૨૩૮ સ્‍ટોલ અને પ્‍લોટ રાખવામાં આવ્‍યા છે, પરંતુ અત્‍યાર સુધીમાં માત્ર ૨૦ જ ફોર્મ ભરાયા છે, જે ખરેખર ચિંતાજનક સ્‍થિતિ દર્શાવે છે. ‘રંગીલા રાજકોટ'નો આ મેળો રાઈડ વિના કેવો લાગશે, તેની કલ્‍પના કરવી પણ મુશ્‍કેલ છે.

રાજકોટના નવા કલેક્‍ટર તરીકે ડો. ઓમ પ્રકાશે ચાર્જ સંભાળ્‍યા બાદ તુરંત જ આ ગંભીર મુદ્દા પર ધ્‍યાન આપ્‍યું છે. તેમણે પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ ફોર્મ ભરવાની મુદ્દત વધારીને ૯ જુલાઈ કરી દીધી છે. જોકે, વહીવટી તંત્ર હાલ ભારે દ્વિધામાં છે. જો SOP હળવી કરવામાં નહીં આવે, તો રાઈડ વિના મેળો યોજવો પડશે, જેના કારણે છેલ્લા ૫૦ વર્ષથી યોજાતો આ પરંપરાગત લોકમેળો કદાચ બંધ થઈ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. હવે વહીવટી તંત્ર અને રાઈડ ધારકો વચ્‍ચે તાત્‍કાલિક બેઠક થાય અને ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ મધ્‍યસ્‍થી કરીને કોઈ ઉકેલ લાવે તે અત્‍યંત જરૂરી બની ગયું છે, નહીંતર રાજકોટના જન્‍માષ્ટમી મેળાનો જાદુ આ વર્ષે ગાયબ થઈ શકે છે.

લોકમેળામાં કુલ ૨૩૮ સ્‍ટોલ અને પ્‍લોટ છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા ૯ જૂનથી શરૂ થઈ હતી.

પ્રથમ મુદ્દત (૧૩ જૂન) ૮૬ ફોર્મ ઉપડ્‍યા, ૧૨ ભરાઈને પરત આવ્‍યા.

બીજી મુદ્દત (૧૯ જૂન) ૧૧૦ ફોર્મ ઉપડ્‍યા, ૨૦ ભરાઈને પરત આવ્‍યા.

ત્રીજી મુદ્દત ૯ જુલાઈ (નવા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા લંબાવાઈ).

અગાઉ રાજકોટ જિલ્લા કલેક્‍ટર પ્રભવ જોષીની બદલી થતા, ફોર્મ ભરવાની તારીખ લંબાવવાનો નિર્ણય સ્‍થગિત રહ્યો હતો. નવા કલેક્‍ટર ડો. ઓમ પ્રકાશે ચાર્જ સંભાળ્‍યાના બીજા જ દિવસે આ મહત્‍વપૂર્ણ નિર્ણય લીધો છે.

મેળામાં આઈસ્‍ક્રીમના ચોકઠાનું ૫ દિવસનું ભાડું સૌથી વધુ રૂ. ૪,૫૦,૦૦૦ છે, જ્‍યારે ૫૦×૮૦ની સૌથી મોટી રાઈડનું ભાડું રૂ. ૪,૨૦,૦૦૦ છે. ગત વર્ષની તુલનામાં આ વખતે રમકડાના સ્‍ટોલમાં ૨૦ નો વધારો કરવામાં આવ્‍યો છે, જ્‍યારે યાંત્રિક રાઈડમાં ૧ ઘટાડો કરવામાં આવ્‍યો છે (૪૫×૭૦ ની એફ કેટેગરીની યાંત્રિક રાઈડમાં). આ પરથી એવું લાગી રહ્યું છે કે, કદાચ છેલ્લી ઘડીએ જો તમામ રાઈડ ધારકો રાઈડ રાખવાની ના પાડી દે તો તે જગ્‍યા પર પ્‍લોટ ફાળવણી કરવા માટે વહીવટી તંત્રની પૂર્વ તૈયારી હોઈ શકે છે.

ડ્રો વાળી કેટેગરી

બી - રમકડાં ૧૫૧૫ ફૂટ,  રૂ. ૪૦,૦૦૦, ૧૨૦ સ્‍ટોલ (ગત વર્ષે ૧૦૦), સી - ખાણીપીણી નાની ૧૫૧૫ ફૂટ, રૂ. ૪૦,૦૦૦, ૦૬ સ્‍ટોલ, જે - મધ્‍યમ ચકરડી ૨૪૨૪ ફૂટ, રૂ. ૨૫,૦૦૦, ૦૩ સ્‍ટોલ, કે - નાની ચકરડી ૧૨૧૨ ફૂટ, રૂ. ૧૫,૦૦૦, ૧૨ સ્‍ટોલ

હરરાજી વાળી કેટેગરી

એ- ખાણીપીણી ૩૦૩૦ ફૂટ, રૂ. ૨,૫૫,૦૦૦, ૦૨ સ્‍ટોલ, બી(૧) કોર્નર - ખાણીપીણી ૧૫૧૫ ફૂટ, રૂ. ૧,૦૦,૦૦૦, ૪૪ સ્‍ટોલ, ઈ - યાંત્રિક ૫૦૫૫ ફૂટ, રૂ. ૩,૨૫,૦૦૦, ૦૫ સ્‍ટોલ (ગત વર્ષે ૦૪), એફ - યાંત્રિક ૪૫૭૦ ફૂટ, રૂ. ૧,૯૦,૦૦૦, ૦૩ સ્‍ટોલ (ગત વર્ષે ૦૭), જી - યાંત્રિક ૫૦૮૦ ફૂટ, રૂ. ૪,૨૦,૦૦૦, ૨૦ સ્‍ટોલ (ગત વર્ષે ૧૮), એચ - યાંત્રિક ૬૦૭૦ ફૂટ, રૂ. ૪,૦૦,૦૦૦, ૦૬ સ્‍ટોલ, ચોકઠાં × આઈસ્‍ક્રીમ ૨૦૨૦ ફૂટ, રૂ. ૪,૫૦,૦૦૦, ૧૬ સ્‍ટોલ, ઝેડ - ટી કોર્નર ૨૫૭૦ ફૂટ, રૂ. ૧,૧૦,૦૦૦, ૦૧ સ્‍ટોલ.

કુલ ૨૩૮ સ્‍ટોલ/પ્‍લોટ સામે ગત વર્ષે ૨૧૯ સ્‍ટોલ/પ્‍લોટ હતા. આ વખતે સ્‍ટોલ વધારવામાં આવ્‍યા છે, પરંતુ જો રાઈડ જ નહિ હોય તો મેળાની રોનક કેવી રહેશે તે મોટો પ્રશ્ન છે! 

(3:54 PM IST)