તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 25th June 2025
ઘરેથી નિકળી ગયેલ ખત્રી મજૂર વૃધ્ધનો બે દિ' પછી આજી નદીમાંથી મૃતદેહ મળ્યો!
ખાડામાં હતા ત્યારે રાહદારીઓએ બચાવવા કોશીશ કરી પણ વૃધ્ધ બહાર નહીં નિકળેલા : મુળ ગોંડલના રહીમભાઇ આઠેક દિ'થી મગજની બિમારીથી અસ્થિર થઇ ગયેલ

રાજકોટ તા. રપ :.. કેસર એ હિંદ પુલ નીચેથી આજી નદીના પાણીના ખાડામાંથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળતા બી ડીવીઝન પોલીસની ટીમ ગઇ સાંજના દોડી ગઇ હતી. મૃતદેહને પીએમ માટે રાજકોટ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ગઇકાલે બપોરના સમયે પુલ નીચે પાણીના ખાડામાં કોઇનો મૃતદેહ ડૂબેલો જોવા મળતા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના એ. એસ. આઇ. જયપાલસિંહ ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
તપાસ કરતા જાણવા મળ્યું કે, વૃધ્ધ પાણીના ખાડામાં હતા ત્યારે રાહદારી તેમને બહાર કાઢવા ગયા હતા, પણ તે સમયે તે બહાર ન નીકળતા રાહદારી ચાલ્યા ગયા હતાં. જે બાદ ડૂબી ગયા હોય અને મૃત્યુ પામ્યા હોય તેવું અનુમાન છે.
જો કે મૃતદેહના શરીરે કોઇ ઇજાના નિશાન નહીં મળતા પોલીસની પ્રાથમિક તપાસમાં આ વૃધ્ધનું ડૂબી જવાથી મૃત્યુ થયાનું બહાર આવ્યું હતું દરમિયાન મૃતકના સગા-સબંધી તપાસમાં હોઇ જાણ થતા ગઇ રાતે મૃતકની ઓળખ થવા પામી હતી.
બહાર આવ્યા મુજબ મૃતક મુળ ગોંડલના રહીશ હતા. ગોંડલમાં તેઓ દાણાપીઠમાં મજાુરી કામ કરતા હતાં. મરનાર ખત્રી અ. રહીમ જુસબ રાજાવાઢા છેલ્લા ચારેક વર્ષથી રાજકોટમાં પોતાના ભાણેજ અને નાના ભાઇના ઘરે રહેતા હતા જો કે તેઓને કોઇ સંતાન ન હોઇ એકલા જ હતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બિમારી અને મગજની તકલીફ થઇ જતા તેની સારવાર ચાલુ હોઇ તેઓને એકાદ વર્ષથી રાહત હતી.
દરમિયાન છેલ્લા આઠેક દિ'થી ફરી તબીયત અસ્થિર થઇ જતા સોમવારના સવારના સમયે તેઓ દૂધની ડેરી પાસે આવેલ હાઉસીંગ બોર્ડના કવાર્ટરના રહેણાંકમાં આવેલ ઘરની બહાર નિકળી ગયેલ જે પરત આવેલ ન હોઇ તેમના પરિવારજનોએ તેઓની શોધખોળ આદરી હતી. જેમાં ખોડીયારપરા નજીકના ખાડામાંથી મળેલો આ મૃતદેહ રહીમભાઇનો હોવાનું તેમના પરિવારે પી. એમ. રૂમમાં ઓળખી કાઢયો હતો. આ અંગે એ ડીવી. ના સબ ઇ. એચ. એન. જેઠવાએ જરૂરી કાર્યવાહી કરી હતી.
ગરીબ પરિવારના સ્વજનનું આ રીતે મૃત્યુ થતા રાજાવાઢા પરિવારે આઘાત અનુભવ્યો છે. હજુ ર૩ દી' પહેલાં જ પણ રાજકોટના હાલાઇ મુસ્લિમ ખત્રી સમાજમાં એક ગરીબ ટાટારીયા પરિવારમાં એક યુવાન ફૈસલનું લાંબી બિમારી સબબ મૃત્યુ થયેલ અને તેના થોડા સમય બાદ ફરી આજે વધુ એક ગરીબ પરિવારના વૃધ્ધ વ્યકિતનું મૃત્યુ થતા ખત્રી સમાજમાં પણ દુઃખની લાગણી છવાઇ ગઇ છે.
(11:32 AM IST)










