તા. ૧૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૫ શુક્રવાર
News of Tuesday, 24th June 2025
રાજકોટના દિવ્યાંગ પેરા પાવરલિફ્ટર રામ બાંભવાએ ચીનના બેઇજિંગમા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો
રામભાઈ બાંભવાએ તેની રમતગમતની કારકિર્દીની શરૂઆત 2010માં ગુજરાત સરકારના ખેલ મહાકુંભથી કરી હતી તેણે ગોળાફેંક, ભાલાફેંક અને ચક્રફેંક જેવી રમતોમાં ભાગ લઈને જિલ્લા અને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા

રાજકોટ તા.૨૪ : રાજકોટના દિવ્યાંગ પેરા પાવરલિફ્ટર રામ બાંભવાએ ચીનના બેઇજિંગ ખાતે યોજાયેલા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સિદ્ધિથી તેમણે રાજકોટ, ગુજરાત અને ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે
રાજકોટના દિવ્યાંગ પેરા પાવરલિફ્ટર રામભાઈ બાંભવાએ ચીનના બેઇજિંગ ખાતે યોજાયેલા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં પુરુષોની 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સિદ્ધિથી રામ બાંભવાએ રાજકોટ સહિત ગુજરાત અને સમગ્ર ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું છે.
28 વર્ષીય રામભાઈ બાંભવાએ તેની રમતગમતની કારકિર્દીની શરૂઆત 2010માં ગુજરાત સરકારના ખેલ મહાકુંભથી કરી હતી. તેણે ગોળાફેંક, ભાલાફેંક અને ચક્રફેંક જેવી રમતોમાં ભાગ લઈને જિલ્લા અને રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. રામની મહત્વાકાંક્ષા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની હતી, જેના માટે તે પેરા પાવર લિફ્ટિંગ તરફ વળ્યો. યુટ્યૂબની મદદથી માહિતી મેળવીને અને રાજકોટની સ્થાનિક જિમમાં તાલીમ લઈને તેણે આ રમતમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું.
રામે જણાવ્યું, "દિવ્યાંગ હોવા છતાં મને ઘણી જિમમાં પ્રવેશ નહોતો મળ્યો, પરંતુ એક સ્થાનિક ટ્રેનરે મને ખૂબ સાથ આપ્યો અને મારા શરીરને આ રમત માટે તૈયાર કર્યું." આ તાલીમના પરિણામે તેમણે જૂનિયર સ્ટેટ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો, જેના આધારે તેમનું રાષ્ટ્રીય કક્ષાએ સિલેક્શન થયું હતું.
રામ બાંભવાએ અગાઉ એશિયન ગેમ્સ (ચીન) અને વર્લ્ડ ચેમ્પિયનશીપ (દુબઈ)માં છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો. તેઓ ગુજરાતના પ્રથમ એવા દિવ્યાંગ રમતવીર છે, જેમણે પેરાલિમ્પિક ગેમ્સ માટે પ્રિ-ક્વોલિફાય કર્યું છે. 2023નું વર્ષ તેમના માટે ખાસ રહ્યું, જેમાં તેમણે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ (દિલ્હી)માં 72 કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ અને નેશનલ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો. આ સફળતાઓએ તેમનો આત્મવિશ્વાસ વધાર્યો, જેનું પરિણામ બેઇજિંગ વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલના રૂપમાં જોવા મળ્યું હતું.
રામ બાંભવાએ જણાવ્યું હતું કે, પાવર લિફ્ટિંગ માટે મસલ્સ બનાવવા નોન-વેજ ખોરાક જરૂરી નથી. તેઓ રોજ બે લિટર દૂધ, પ્રોટીન પાઉડર અને જરૂરી સપ્લિમેન્ટ્સ લે છે, જે તેમની શારીરિક તાકાત જાળવી રાખે છે. તેમની આ સમર્પણભાવના અને શિસ્તબદ્ધ જીવનશૈલી યુવાનો માટે પ્રેરણાદાયી છે.
મહત્વનું છે કે, રામ બાંભવાની આ સિદ્ધિ ગુજરાતના દિવ્યાંગ રમતવીરો માટે એક મોટું ઉદાહરણ છે. તેમની સફળતા દર્શાવે છે કે દ્રઢ નિશ્ચય અને સખત મહેનતથી કોઈ પણ પડકારોને પાર કરી શકાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ ખેલો ઇન્ડિયા કાર્યક્રમનો લાભ લઈને રામે દેશનું નામ ઉજ્જવળ કર્યું છે.
(4:26 PM IST)










