તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
ભરણ પોષણના કેસમાં રાજકોટના ફેમેલી કોર્ટના હુકમની તાબડતોબ અમલવારી કરતા પતિને ૧ર૦ દિવસની કોર્ટ દ્વારા સજા ફટકારી
વોરંટની બજવણીમાં ઉદાસીન અમદાવાદ પોલીસ કમિશ્નરનો પગાર એટેચ કરવાનો હુકમ થતાંજ :બે વખત રીમાઇન્ડર આપવા છતાં કમિશ્નરે કોઇ કાર્યવાહી નહિં કરતા પોલીસ વડાને કમિશ્નરનો પગાર એટેચ કરવાનો હુકમ થતાજ વોરંટની બજવણી તાત્કાલીક કરી દીધીઃ પતિને કોર્ટમાં રજુ કરતા કોર્ટે સજા ફટકારી

રાજકોટ તા.૨૪: રાજકોટ ફેમિલી કોર્ટના ભરણપોષણની ચડત રકમની વસૂલાત અંગેના કેસમાં કોર્ટનું પકડ વોરંટ બજવણીમાં બેદરકારી સબબ અદાલતે એક તબક્કે અમદાવાદ પોલીસ કમિશનરનો પગાર ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસએ એટેચ કરવાનો રાજકોટ ફેમિલી કોર્ટે હુકમ કરવો પડ્યો હતો, જોકે આઇજીના પ્રયાસોથી છેવટે અમદાવાદ પોલીસ કમિશનરના આદેશથી સામાવાળા પતિને પકડ વોરંટથી રાજકોટ અદાલતમાં હાજર કરવો પડ્યો હતો અને તેમાં કોર્ટે સામા આવવાના પતિને ૧૨૦ દિવસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટના કંચનબેન હસમુખભાઈ દલવાડીયાએ તેમના પતિ હસમુખભાઈ કાનજીભાઈ દલવાડીયા સામે સી.આર.પી.સી. કલમ-૧૨૫ હેઠળ પોતાનું અને પુત્રી કુંજનનું ભરણપોષણ મેળવવા માટેની અરજી કરેલ, જે અરજી હેઠળ રાજકોટ ફેમિલી કોર્ટે કુલ રૂા.૭,૦૦૦/- પુરા દર માસે ચડયેચડયા ચુકવી આપવા પતિ હસમુખ દલવાડીયાને હુકમ કર્યો હતો, કોર્ટનો હુકમ હોવા છતાં પતિ હસમુખભાઈ કાનજીભાઈ દલવાડીયાએ ભરણપોષણની રકમ ન ચુકવતા પત્ની કંચનબેને પોતાની તથા પુત્રી કુંજનની ચડત થયેલ ભરણપોષણની રકમ રૂા.૩.૭૬ લાખની રિકવરી અરજી તેમના પતિ હસમુખભાઈ કાનજીભાઈ દલવાડીયા (રહે. ઉદય મહેનતપુરા, શેરી નં. ૪૪૦, ઘર નં. બી/૩૪, લીલાબેન ચાલી, અમદાવાદ) સામે કોર્ટમાં કરેલ. જે અન્વયે ફેમિલી કોર્ટે સામાવાળાને મોકલેલું સમન્સ બજી જવા છતા સામાવાળાએ ભરણપોષણની ચુકવવા દરકાર કરેલ નહી, જેથી અરજદાર કંચનબેન હસમુખભાઈ દલવાડીયાના એડવોકેટ શકુંતલાબેન યુ. પરમારની અરજીથી રાજકોટ ફેમિલી કોર્ટ દ્વારા પોલીસ કમિશનર અમદાવાદ મારફતે રિકવરી વોરંટ મોકલવામાં આવેલ, તેમ છતા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સદરહુ રિકવરી વોરંટ બજાવવા માટે કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. જેથી ફેમિલી કોર્ટ રાજકોટ દ્વારા પોલીસ કમિશનર અમદાવાદને શો કોઝ નોટિસ તથા રિમાઈન્ડર બે વખત મોકલવામાં આવેલ તેમ છતા પોલીસ કમિશનર અમદાવાદ દ્વારા સામાવાળાને કોઈ રિકવરી વોરંટ બજાવેલ નહી કે તેની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરેલા ન હતા. આમ અમદાવાદ પોલીસ કમિશનરે રાજકોટ ફેમિલી કોર્ટના હુકમને ગંભીરતાથી નહી લેતા અરજદાર પરિણીતાને ન્યાય અપાવવા ફેમિલી કોર્ટ રાજકોટ દ્વારા ગંભીર નોંધ લેવાઇ હતી. તેમાં ભરણપોષણના કેસની કલમ- ૧૨૫નો મુળભુત હેતુ પતિ અને બાળકોને ભુખમરો, દુઃખપીડા અને અફરાતફરી ભરી જિંદગીથી રક્ષણ અપાવવાનો છે, તે ઉદેશ સામે પોલીસે તેમના આંખ અને કાન બંધ રાખેલ છે. કોર્ટનો હુકમ કોઇ પીસ ઓફ પેપર્સ નથી. પોલીસ દ્વારા કોર્ટના હુકમની ઉપેક્ષા કરવામાં આવેલ છે જે ચલાવી લેવાય નહીં અને તેની ફરજ પ્રત્યેની સ્પષ્ટ નિષ્ફળતા છે અને આવી વર્તણૂકને અવગણના, ડીસીપ્લીન વિરૂધ્ધની તથા કોર્ટ ઓફ મીસ કન્ડકટ ગણાય તેવું ઠરાવી ફેમિલી કોર્ટે ઈન્સપેકટર જનરલ ઓફ પોલીસ (આઇજી અમદાવાદ)એ અમદાવાદ પોલીસ કમિશનરના પગારની રકમ એટેચમેન્ટમાં લેવી અને પોલીસ કમિશનર અમદાવાદએ કોર્ટમાં ખુલાસો કરવો તેવો હુકમ ફરમાવ્યો હતો. ત્યારબાદ પોલીસ કમિશનર અમદાવાદએ સામાવાળા હસમુખભાઈ કાનજીભાઈ દલવાડીયાની ધરપકડ કરી રૂા. ૩.૭૬ લાખના રિકવરી વોરંટની બજવણી કરવામાં આવી હતી અને સામાવાળા પતિને રાજકોટ ફેમિલી કોર્ટમાં રજુ કરવામાં આવેલ. ત્યારબાદ ફેમિલી કોર્ટે સામાવાળા પતિને ચડત ભરણપોષણની રકમ ન ભરવા સબબ ૧૨૦-દિવસની કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે. આ કેસમાં અરજદાર પરિણીતા અને સગીર બાળકી વતી એડવોકેટ શકુંતલાબેન યુ. પરમાર રોકાયા હતા.
(3:48 PM IST)










