<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

ડીસીબીએ જાહેર કરેલા વ્‍હોટ્‍સએપ નંબર પર ફરિયાદ કરનાર ધવલ પર હુમલોઃ ખૂનની ધમકી

દેવપરા ઇન્‍દિરાનગરમાં રહેતાં યુવાનને જેનીશ ઉર્ફ જેનીયાએ ધોકો ઉગામી કહ્યું-હવે પછી ફરિયાદ કરીશ તો જીવતો નહિ રહેવા દઉઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨૪: શહેરના દેવપરા પાસે રહેતાં અને કંપનીમાં નોકરી કરતાં યુવાને આ વિસ્‍તારના શખ્‍સ વિરૂધ્‍ધ ડીસીબી પોલીસના વ્‍હોટ્‍સએપ નંબર પર ફરિયાદ કરી હોઇ તેનો ખાર રાખી આ શખ્‍સે યુવાનને ભવનાથ મંદિર પાસે બોલાવી ધોકાથી મારવાનો પ્રયાસ કરી હવે પછી ફરિયાદ કરીશો પતાવી દઇશ તેવી ધમકી આપતાં યુવાને પોલીસને જાણ કરી હતી.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે દેવપરા ઇન્‍દિરાનગર-૫ ભવનાથ મંદિર પાસે મુકેશભાઇ નાગોરાના મકાનમાં ભાડેથી રહેતાં ધવલભાઇ નરેશભાઇ ખીચી (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી જેનીશ ઉર્ફ જેનીયો રજપૂત વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. ધવલભાઇ બર્જર પેઇન્‍ટ કંપનીમાં એપ્‍લીકેટર તરીકે નોકરી કરે છે અને ઇન્‍દિરાનગરમાં માતા-પિતા તથા નાના ભાઇ સાથે રહે છે. તેણે જણાવ્‍યું હતું કે સોમવારે રાતે સવા દસેક વાગ્‍યે હું  ઘરે હતો ત્‍યારે મારા કુટુંબી સગા આશિષના મોબાઇલ પરથી મને ફોન આવ્‍યો હતો. તેણે કહ્યું હતું કે તને જેનીશ ઉર્ફ જેનીયો ભવનાથ મંદિર પાસે  બોલાવે છે.

ત્‍યારબાદ હું મારુ ટુવ્‍હીલર લઇને ત્‍યાં જતાં મારા સગા આશિષ ત્‍યાં ઉભા હોઇ મેં તેને જેનીયો ક્‍યાં છે? તેમ કહેતાં તેણે કહેલુ કે જેનીશ તેની ગાડી લઇને નીકળી ગયો છે. આ વખતે મેં મારા મોટા બાપુના દિકરા અશોકભાઇને ફોન કરી આ વાત કરતાં અશોકભાઇ આવી ગયા હતાં.

દરમિયાન સાડા દસેક વાગ્‍યે જેનીશ ઉર્ફ જેનીયો હાથમાં લાકડાનો ધોકો લઇને આવ્‍યો હતો અને મને મારવા માટે દોડતાં અશોકભાઇએ વચ્‍ચે પડી ધોકો જેનીશના હાથમાંથી ખેંચી લીધો હતો. આ પછી જેનીશ ઉર્ફ જેનીયાએ આજે તો તું બચી ગયો હવે પછી મારા વિરૂધ્‍ધ કોઇ દિવસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ તેમ કહી ગાળો દેતાં મેં પોલીસને ફોન કરતાં ગાડી આવી ગઇ હતી.

નવેક દિવસ પહેલા મેં ડીસીબી પોલીસ સ્‍ટેશનના વ્‍હોટ્‍સએપ નંબર ઉપર જેનીશ ઉર્ફ જેનીયો વિરૂધ્‍ધ ફરિયાદ કરી હતી. તેનો ખાર રાખી મારી સાથે બોલાચાલી કરી ગાળો દઇ મારી નાખવાની ધમકી આપી હતી. ભક્‍તિનગરના એએસઆઇ એચ. કે. ડાંગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ડીસીબીમાં જાહેર કરાયેલા નંબર પર ફરિયાદ કરનારનું નામ ગુપ્‍ત રાખવામાં આવશે તેવુ કહેવાયું હતું ત્‍યારે ધવલે ફરિયાદ કરી છે તેની જાણ જેનીશને કઇ રીતે થઇ ગઇ? તે અંગે ચર્ચા જાગી છે.

(3:25 PM IST)