તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 24th June 2025
બે મહિના પહેલા ગૂમ થયેલી છઠ્ઠા ધોરણની છાત્રાને પીન્ટુ રાણા યુપી ઉઠાવી ગયો'તોઃ વારંવાર દૂષ્કર્મઃ માલવીયાનગર પોલીસે દબોચ્યો
ગોંડલ રોડ વિસ્તારની બાળા ગૂમ થતાં પિતાએ ફરિયાદ નોંધાવી હતીઃ માલવીયાનગર પોલીસે તપાસ કરતાં આ વિસ્તારનો યુપીનો શખ્સ પણ ગૂમ હોવાની વિગતો મળીઃ ડીસીપી બાંગરવા, એસીપી ચોૈધરી અને પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૪: શહેરના ગોંડલ રોડ વિસ્તારમાં રહેતાં એક પરપ્રાંતીય મજૂર પરિવારની છઠ્ઠા ધોરણમાં ભણતી ૧૪ વર્ષની દિકરી બે મહિના પહેલા ગૂમ થઇ જતાં પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. દિકરીને કોણ ઉઠાવી ગયું તેની પરિવારજનોને પણ ખબર નહોતી. દરમિયાન આ બનાવની માલવીયાનગર પોલીસે તપાસ કરતાં બાળકીને મુળ યુપીનો શખ્સ ઉઠાવી ગયાની માહિતી મળતાં પોલીસની ટીમ ત્યાં સુધી પહોંચી હતી અને આરોપી ૨૬ વર્ષના શખ્સને દબોચી લીધો હતો. તેની સાથે સગીરા પણ હોઇ તેને રાજકોટ લાવી વાલીને સોંપી હતી. સગીરા સાથે આ ઢગાએ દૂષ્કર્મ પણ આચર્યુ હોઇ પોક્સો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
માલવીયાનગર પોલીસે આ બનાવ અંગે અપહૃત બાળાના પિતાની ફરિયાદ પરથી ગત ૨૮/૪/૨૫ના રોજ ગુનો દાખલ કર્યો હતો. આ ગુનામાં મુળ ઉત્તરપ્રદેશ બલરામપુરના મુરીહવા ગામના અને હાલ રાજકોટ રહી ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતાં પીન્ટુ રાજુભાઇ રાણા (ઉ.વ.૨૬)ને ઝડપી લીધો છે. તે ૧૪ વર્ષની સગીરાનું અપહરણ કરી તેના વતન યુપી પહોંચી ગયો હતો. શરૂઆતમાં અજાણ્યા આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાયો હોઇ પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીીટી કેમેરા ચેક કરવા ઉપરાંત હ્યુમન અને ટેકનીકલ સોર્સની મદદ લીધી હતી. એ દરમિયાન પાક્કી માહિતી મળી હતી કે ગોંડલ રોડ ગીતાનગર વિસ્તારમાં રહી ટ્રાન્સપોર્ટમાં કામ કરતો મુળ યુપીનો પીન્ટુ રાણા પણ સગીરા ગૂમ થઇ ત્યારથી ગૂમ છે. આને આધારે લિંક મેળવી તપાસ આગળ ધપાવતાં સગીરાને પીન્ટુ જ ભગાડી ગયાનું અને હાલ તે યુપીમાં તેના વતનમાં હોવાની પાક્કી માહિતી મળી હતી.
પોલીસની ટૂકડી યુપી પહોંચી હતી અને પીન્ટુને દબોચી લીધો હતો. સાથે સગીરા પણ હોઇ બંનેને રાજકોટ લાવવામાં આવ્યા હતાં. બાળાની પુછતાછમાં એવી વિગતો ખુલી હતી કે તેણીને પ્રેમજાળમાં ફસાવીને પીન્ટુ ભગાડી ગયો હતો. તેણી સાથે વારંવાર દૂષ્કર્મ પણ આચર્યુ હોઇ પોલીસે પોક્સો હેઠળ અલગથી કલમ ઉમેરી હતી. તબિબી પરિક્ષણ બાદ સગીરાને તેના વાલીને સોંપી આરોપીને કોર્ટમાં રજૂ કરવા તજવીજ કરી હતી. આ શખ્સ અપરિણીત છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જી. ચોૈધરીની સુચના અને માર્ગદર્શન હેઠળ માલવીયાનગરના પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં ડી. સ્ટાફ પીએસઆઇ એમ. જે. ધાધલ, કોન્સ. જયદિપસિંહ જાડેજા, મહિલા કોન્સ. જલ્પાબેન સોલંકીએ આ કામગીરી કરી હતી. દિકરીને શોધી લાવનાર પોલીસ ટીમનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
(3:47 PM IST)










