News of Tuesday, 24th June 2025
દાતારના તકીયા પાસે સમીર લીંગડીયાના ગેરકાયદે બાંધકામ પર એ-ડિવીઝન પોલીસે બુલડોઝર ફેરવ્યું
ડીસીપી બાંગરવા, એસીપી ચોૈધરીની રાહબરીમાં પીઆઇ બી. વી. બોરીસાગરની ટીમની કાર્યવાહી

રાજકોટઃ રાજ્યમૉ ગુનાહિત ઇતિહાસ ધરાવતાં અને ગેરકાયદે બાંધકામો ઉભા કરતાં હોય તેવા તત્વોની યાદી તૈયાર કરી તેના ગેરકાયદે બાંધકામો પર બૂલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી સતત થઇ રહી છે. આ કાર્યવાહી અંતર્ગત શહેરના એ-ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા મારામારી અને ધમકીના ગુનામાં પકડાયેલા આરોપીના ગેરકાયદે દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. હરિહર ચોક પાસે આવેલ દાતાર બાપુની દરગાહ પાસે ગેરકાયદે બાંધકામ કરી રહેતા સમીર દિલાવરભાઈ લિંગડીયાના બાંધકામ ઉપર બૂલડોઝર ફેરવી જમીન દોસ્ત કરી દેવાયું હતું. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ શખ્સ કોન્ટ્રાક્ટરને ધમકી આપવા સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તેણે ગેરકાયદે બાંધકામ ખડકી દીધુ હોઇ મ્યુ. કોર્પોરેશન કચેરીને રિપોર્ટ કરી તેના સ્ટાફને સાથે રાખી ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ બી. વી. બોરીસાગર અને ટીમે આ કામગીરી કરી હતી.
(2:33 PM IST)










