<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th June 2025

શુક્રવારે સંતશ્રી વેલનાથ જયંતિ નિમિતે ભવ્‍ય શોભા યાત્રા

બહુમાળી ભવન ચોકથી સંતો-મહંતોના હસ્‍તે પ્રારંભઃ ૧૦ હજારથી વધુ લોકો જોડાશેઃ સેટેલાઇટ ચોકમાં સમાપન

રાજકોટઃ તા.ર૪, સંતશ્રી વેલનાતથ જયંતિ ઉત્‍સવ સમિતિ રાજકોટ દ્વારા આગામી તા. ર૭ ના શુક્રવારે અષાઢી બીજના શ્રી વેલનાથ જયંતિ નિમિતે ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. સતત રપ વર્ષથી આ આયોજન થાય છે. અકિલા ખાતે વિગતો વર્ણવતા જણાવાયું હતું કે ચુવાળીયા કોળી વિદ્યાર્થી બોર્ડિગ પ્રેરિત તા. ર૭, શુક્રવારે અષઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્‍ય અને દિવ્‍ય આયોજન થશે. રાજકોટના રાજમાર્ગો પર શોભાયાત્રા નિકળશે.

આ શોભાયાત્રાનો રૂટ બહુમાળી ભવન ચોકથી સવારે ૯ કલાકે થી પ્રસ્‍થાન થશે અને ચોધરી ગ્રઉન્‍ડ ચોક, હોસ્‍પિટલ ચોક, પારેવડી ચોક, બેડીપરા, પટેલવાડી,પાંજરાપોળ, સંતકબીર રોડ, કે.ડી. કોમ્‍પ્‍લેક્ષ ચોક, ગોવિંદબાગ મેઇન રોડ, પાણીનો ઘોડો, બાલક હનુમાનજી ચોક, પેડક રોડ, સેટેલાઇટ ચોક, પંડિત દીનદયાલ હોલ ખાતે સમાપન બાદ મહાપ્રસાદ રાખેલ છે. 

આ શોભાયાત્રામાં સમાજની વિવિધ સંસ્‍થાઓ, મંડળો, ગ્રુપો, ટ્રસ્‍ટો, સેનાઓના હોદેદારો તથા સમાજના સહુ ધર્મપ્રેમી ભાઇઓ, બહેનો, વડીલો તથા યુવાનો બહોળી જનસંખ્‍યામાં પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાઇ શોભાયાત્રાને ઐતિહાસિક બનાવશે. તેમજ ઉદ્યોગપતિઓ, બિલ્‍ડરો, વકિલો, શિક્ષકો, સરકારી કર્મચારીઓ, ઉચ્‍ચકક્ષાના અધિકારીઓ, સરપંચશ્રી ઓ, તાલુકા પંચાયતના સભ્‍યશ્રીઓ, જીલ્લા પંચયાતના સદસ્‍યો, નગરપાલિકાના નગર સેવકો, સામાજીક આગેવાનો, પોત-પોતાના વાહનો સાથે આ શોભાયાત્રામાં જોડાવા સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતિ દ્વારા સહુને આહવાન કરાયું છે.

આ શોભાયાત્રાનું પ્રસ્‍થાન સમાજના સંતો, મહંતો અને રાજકીય મહાનુભાવો અને સામાજીક શ્રેષ્‍ઠીઓ હસ્‍તે થશે. આ શોભાયાત્રા સર્વધર્મ પ્રેમીજનોએ પધારવા સંતશ્રી વેલનાથ જયંતિ ઉત્‍સવ સમિતિના પ્રમુખ દેવભાઇ કોરડીયા, મહામંત્રી દેવાંગભાઇ કુકાવા, ખજાનચી વિજય મેથાણીયા, ઇન્‍ચાર્જ દિપકભાઇ બાબરીયા તથા સર્વે હોદેદારોની યાદીમાં જણાવેલ છે.

શોભાયાત્રામાં તમામ રથ ઉપર વ્‍યસનમુકિત અને બેટી બચાવોના બેનરો લગાવી સમાજ ઉત્‍થાનનો પ્રયાસ કરશે આશરે ૧૦  હજારથી વધુ લોકો જોડાશે.

તસ્‍વીર ‘‘અકિલા ખાતે વિગતો વર્ણવતા દેવભાઇ કોરડીયા, દેવાંગભાઇ કુકાવા, દિનેશભાઇ મકવાણા, ભરતભાઇ ડાભી, પ્રતાપભાઇ રીબડીયા, રમેશભાઇ ધામેચા, કુવરજીભાઇ ભખોડીયા, મનીષભાઇ રાઠોડ, અરવિંદભાઇ ચૌહાણ, સંજયભાઇ ઝંગવાડીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(11:37 AM IST)