તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસમાં ૨ થી ૬ ઇંચ વરસાદની આગાહી : સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટો, કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડ્યા : વિસાવદર તાલુકાના રતાંગ ગીર, ગોંડલના મોવિયા અને ઉપલેટા તાલુકાના પાનેલી મોટી વાડી વિસ્તારમાં જોરદાર વરસાદનો રેડો પડી ગયો : જુઓ વિડીયો
હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયા અનુસાર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહેશે : ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના

રાજકોટ: ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે જામી રહ્યું છે અને આગામી બે-ત્રણ દિવસમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં સારો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત વજુભાઈ બારૈયાએ જણાવ્યું છે કે, આગામી ૨ થી ૩ દિવસમાં ગુજરાતમાં સરેરાશ ૨ થી ૩ ઇંચ વરસાદ વરસી શકે છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ૫ થી ૬ ઇંચ સુધીનો ભારે વરસાદ પણ પડી શકે છે. આ વરસાદનું પ્રમાણ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વધુ રહેવાની શક્યતા છે.
આજે સવારથી જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં થોડી થોડીવારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વિસાવદર તાલુકાના રતાંગ ગીર, ગોંડલના મોવિયા અને ઉપલેટા તાલુકાના પાનેલી મોટી વાડી વિસ્તારમાં જોરદાર વરસાદનો રેડો પડી ગયો હતો, જેનાથી ખેડૂતો અને સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
આજે સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં હળવો, ક્યાંક ક્યાંક વરસાદ પડી શકે છે, તેમજ અમુક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. રાજકોટ, અમરેલી, જૂનાગઢ અને જામનગર જિલ્લામાં હળવો વરસાદ, અને અમુક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો, બનાસકાંઠા, સાબરકાંઠા, થરાદ, ધાનેરા સહિતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વધુ છે. જ્યારે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ભરૂચ જેવા જિલ્લાઓમાં હળવાથી ભારે ઝાપટાં પડી શકે છે, જ્યારે અમુક વિસ્તારોમાં સારો વરસાદ પણ વરસી શકે છે.
આ આગાહીથી રાજ્યભરના ખેડૂતોમાં આશાનો સંચાર થયો છે, કારણ કે સારા વરસાદથી ખરીફ પાકોના વાવેતરમાં મદદ મળશે અને પાણીની અછતની સમસ્યા પણ હળવી થશે. આગામી દિવસોમાં ગુજરાતમાં ચોમાસાની સક્રિયતા વધવાની શક્યતા છે.
(11:04 AM IST)










