તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
મવડી પ્લોટના વિપુલભાઇ દેસાઇ સાથે કારના સોદામાં ગાંધીગ્રામના કૈલાસ વાઘેલાની ઠગાઇ
આઇ-૧૦ કારનો સોદો નક્કી કરી ગેરેજમાં બતાવવાના બહાને લઇ ગયોઃ એક વર્ષ સુધી પૈસા ન દીધા અને કાર પણ ન આપીઃ માલવીયાનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૨૧: મવડી પ્લોટમાં રહેતાં આધેડ પાસેથી તેના મિત્રનો પરિચીત ગાંધીગ્રામનો શખ્સ આઇ-૧૦ કાર ખરીદવાનું નક્કી કરી ગેરેજમાં બતાવવાના બહાને લઇ ગયા બાદ એક વર્ષ સુધી કારના પૈસા ન આપી કે કાર પણ ન આપી છેતરપીંડી કરી છે. આ અંગે માલવીયાનગર પોલીસે મવડી પ્લેટ ખીજડાવાળો રોડ સાનીધ્ય બંગલો સામે આદિત્ય પાર્ક-૩/૬ના ખુણે રહેતાં વિપુલભાઇ વિરજીભાઇ દેસાઇ (ઉ.વ.૪૫)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ ધરમનગર ક્વાર્ટરમાં રહેતાં કૈલાસ ખીમજીભાઇ વાઘેલા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે.
વિપુલભાઇએ જણાવ્યું છે કે હું રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવુ છું. મારે વાવડી ગામે રહેતાં પ્રદિપસિંહ સાથે દસેક વર્ષથી મિત્રતા છે અને તે હાલ મજૂરી કામ કરે છે. મારી પાસે આઇ-૧૦ કાર જીજે૦૩સીઇ-૭૧૭૯ રૂપિયા એક લાખ દસ હજારની કિંમતની હતી. જે મેં બે વર્ષ પહેલા દોઢસો રીંગ રોડ ઓમનાથ એસ્ટેટ બ્રોકરમાંથી ખરીદ કરી હતી. દોઢેક વર્ષ પહેલા મારે રૂપિયાની જરૂર હોઇ આ કાર વેંચવા કાઢી હતી અને મારા મિત્ર પ્રદિપસિંહને પણ વાત કરી હતી કે કોઇ ગ્રાહક હોય તો જણાવજો.
આ પછી પ્રદિપસિંહે કહેલુ કે મારો મિત્ર કૈલાસ છે તેને તમારી કાર ખરીદવી છે. આથી હું અને પ્રદિપસિંહ મારી કાર લઇ મવડી ચોડી પાસે જેમાડી હોટલ પાસે કૈલાસને મળ્યા હતાં અને કાર બતાવી હતી. આ કારનો સોદો ૧,૧૦,૦૦૦માં થયો હતો. કૈલાસે કહેલુ કે પહેલા હું તમારી કાર કોઇ ગેરેજવાળાને બતાવી આવુ પછી તમને કાર લેવી કે નહિ તે કહું. આથી મેંતેને કાર આપી હતી. બીજા દિવસે કૈલાસને પુછતાં તેણે કાર મારે લેવાની છે અને રૂપિયાની વ્યવસ્થા કરુ છું તેમ કહ્યું હતું. ત્રણ દિવસ બાદ મેં તેને ફરી ફોનક રતાં તેણે કહેલુ કે મારા દિકરાની તબિયત સારી નથી બે ત્રણ દિવસ રાહ જોવો. હું તમને રૂપિયા આપી જઇશ. એ પછી ફોન કરતાં તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતું.
તપાસ કરતાં કૈલાસનું પુરૂ નામ કૈલાસ ખીમજીભાઇ વાઘેલા હોવાનુ અને તે ગાંધીગ્રામ ધરમનગર આવાસ ક્વાર્ટર બ્લોક નં. ૧૬માં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું. તેણે મારી પાસેથી કાર ખરીદવાનું નક્કી કરી ગેરેજમાં બતાવવાનું કહી કાર લઇ ગયા બાદ આજ સુધી રૂપિયા ન આપતાં કે કાર પણ પાછી ન આપતાં અંતે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં વિપુલભાઇએ જણાવતાં પીઆઇ એચ. આર. મોરીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(3:52 PM IST)










