News of Saturday, 21st June 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

રાજકોટઃ તા. ૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીની ઉપસ્થિતિમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓ, એકઝીકયુટીવ કાઉન્સિલ ના સભ્યશ્રીઓ, ડીનશ્રીઓ, ભવનોના અધ્યક્ષશ્રીઓ, ટીચીંગ-નોન ટીચીંગ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં જોડાયા.
સંયુક્ત રાષ્ટ્ર સંઘની ૬૯ મી સામાન્ય સભામાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તા. ૨૭, સપ્ટેમ્બર, ૨૦૧૪ ના યોગના સંદર્ભમાં શારીરિક અને માનસિક રીતે માનવી સજજ બને તે માટે મહર્ષિ પતંજલીએ સમગ્ર વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. ભૌતિકતાની દોડમાં યોગવિદ્યા સ્વાસ્થ્યપૂર્ણ જીવન પધ્ધતિનું મૂલ્ય અને મહત્વ વિસરાઈ જવા પામ્યુ હતું. આવા સંજોગોમાં નરેન્દ્રભાઈ મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ દિનની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકયો અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉમળકાભેર યોગ દિનને આવકાર સાંપડયો. ભારતમાં યોગ પ્રક્રિયાનો વ્યાપક સ્વીકાર થઈ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે સામૂહિક યોગના કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ આ તકે જણાવેલ હતું કે, યોગ એ આપણી વર્ષો જૂની ઋષીકાળથી ચાલી આવતી પ્રાચીન ભારતની પરંપરા છે. યોગના કારણે મનુષ્યનો શારીરિક, માનસીક અને બૌધિક વિકાસ સારી રીતે થાય છે. યોગ એ શાંતીનું પ્રતિક છે. સ્વસ્થ જીવનશૈલી માટે યોગ ઉપયોગી છે. કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે યોગ માત્ર આજના દિવસ પૂરતું જ નહી પરંતુ દૈનિક દીનચર્યાનો ભાગ બનાવવો જોઈએ. યોગથી તંદુરસ્ત આયુષ્ય પ્રાપ્ત થાય છે.
કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ સફેદ વષાોમાં સજજ થઈને આવેલ હતા. યોગની પ્રત્યક્ષ જાણકારી મળે તે માટે ગ્રાઉન્ડ ઉપર મુખ્ય યોગ નિર્દેશક અર્જુનભાઈ ઠાકર, ચાંદનીબેન મહેતા, ઓલ ઈન્ડિયામાં યોગમાં ભાગ લીધેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી યશ્વી ટાંક સહિતના કુલ ૩ (ત્રણ) યોગ નિર્દેશક દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવેલ હતુ તેમજ યોગની પ્રત્યક્ષ જાણકારી પ્રાપ્ય બને અને દૂર સુધી બેઠેલા યોગ કરી શકે તે માટે એલ.ઈ.ડી. સ્ક્રીનની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી અને યોગ શિબિરમાં ભાગ લેનાર માટે જયુસનો પ્રબંધ તથા યોગ કાર્યક્રમ દરમ્યાન તાત્કાલીક સારવાર માટે તબીબોની ટીમ હાજર હતી.
કાર્યક્રમને સફળ બનાવવા કુલપતિશ્રી પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા, કે.કે. બાવડા, મૌનીકભાઈ ગઢવી, ઉમેશભાઈ માઢક તથા બાંધકામ વિભાગના કર્મચારીઓ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.
(2:37 PM IST)










