<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

શહેરના ટ્રાફિક સિગ્નલનું સમયપત્રક ધડા વગરનું

મનપા-પોલીસ વિભાગના સંકલનના અભાવે લોકોને દંડ : આ અંગે યોગ્‍ય કરવા શહેર કોંગ્રેસની મ્‍યુનિ. કમિશ્‍નર અને પોલીસ કમિશ્‍નરને રજૂઆત

રાજકોટ, તા. ર૦: શહેર મેગા સીટીની હરણફાળ તરફ આગળ ધપી રહ્યું છે. ટ્રાફિક સમસ્‍યા દિન પ્રતિદિન વિકરાળ રૂપ ધારણ કરી રહી છે. વાહનોની સંખ્‍યામાં જબ્‍બર ઉછાળો આવ્‍યો છે. શહેર શૈક્ષણિક હબ બની ગયું છે. સૌરાષ્‍ટ્રના પાટનગર સમાન શહેરમાં હાલ ૨૬ જેટલા ટ્રાફિક સિગ્નલો છે. મહાનગરપાલિકા અને શહેર પોલીસ કમિશનર કચેરી વચ્‍ચે યોગ્‍ય સંકલનના અભાવે ટ્રાફિક સિગ્નલો સવારે ૦૭:૦૦ વાગ્‍યાની આસપાસ પણ શરૂ થઈ જાય છે જે રાત્રે ૧૧ વાગ્‍યાની આસપાસ સુધી ચાલુ રહે છે તેવી શહેરીજનો માંથી ફરિયાદો ઉઠતા શહેર કોંગ્રેસે આ અંગે મ્‍યુનિ. કમિશ્‍નર ને પત્ર પાઠવી યોગ્‍ય ઉકેલ લાવવા માંગ કરી છે.

આ અંગે શહેર કોંગ્રેસે મ્‍યુનિ. કમિશ્‍નરને પાઠવેલ પત્રમાં જણાવ્‍યું હતું કે, ઢેબર રોડ પર નાગરિક બેંક ચોકમાં બપોરના ત્રણ કલાકે સિગ્નલો ચાલુ હતા. નાગરિક બેંકના આ ટ્રાફિક પોઇન્‍ટ પર કોઈ પોલીસ કર્મચારીઓ હાજર ન હોતા ત્‍યારે આ ટ્રાફિક સિગ્નલમાં વરસાદને કારણે કે અન્‍ય મેઇન્‍ટેનન્‍સના અભાવે ખામી સર્જાઈ હતી. ભક્‍તિનગર સર્કલ ધારેશ્વર મંદિરથી મક્કમ ચોક તરફ જતા વાહનો માટે ગ્રીન લાઈટ શરૂ થઈ જ ન હતી એટલે કે લાલ લાઇટ સતત ચાલુ રહી હતી જે પગલે શહેરીજનોને લાગે કે સાઇડ બંધ છે આ અંગે કોંગ્રેસ અગ્રણીએ મહાનગરપાલિકાના ટ્રાફિક અને ટ્રાન્‍સપોર્ટ ના ઇજનેર સમીરભાઈ ધડુક અને ટ્રાફિક પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કર્યા બાદ બે થી ત્રણ કલાક પછી મેઇન્‍ટેનન્‍સ ની કામગીરી પૂર્ણ થઈ હતી. અગાઉ રૈયા ચોકડી, હનુમાન મઢી ચોક, નાના મવા રોડ રાજનગર ચોક પાસેના ટ્રાફિક સિગ્નલ માં પણ આ પ્રકારની ખામી સર્જાઈ હતી જેમાં ત્રણ તરફ લાલ લાઈટ હોવાને પગલે શહેરીજનોને હાલાકી ભોગવવી પડી હતી. વરસાદને કારણે કે અન્‍ય કોઈ ખામી થતી હોવાને પગલે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે. જે પગલે સાઈડ બંધ હોય એટલે કે ખામીયુક્‍ત લાલ લાઈટ હોય ત્‍યારે ફરજિયાત વાહન હંકારવું પડે તો આઇવે પ્રોજેકટ હેઠળ વાહન ચાલકો બિનજરૂરી તંત્રની ભૂલ ના કારણે પણ દંડાઈ શકે છે. જેથી અમારી માંગ છે કે દરેક ટ્રાફિક સિગ્નલો જ્‍યારે ટ્રાફિક વોર્ડન કે પોલીસ કર્મચારી જે તે ટ્રાફિક સિગ્નલો પર ફરજમાં હોય ત્‍યારે જ ટ્રાફિક સિગ્નલો શરૂ હોવા જોઈએ અન્‍યથા બંધ રાખવા જોઈએ. અને ટ્રાફિક સિગ્નલો સમયસર શરૂ ન થાય કે સમયસર બંધ ન થાય તો પણ જવાબદારો સામે સીસી ફૂટેજ ના આધારે પેનલ્‍ટી થવી જોઈએ. ટ્રાફિક સિગ્નલો પાછળ રાજકોટ શહેર માં લાખો નો ખર્ચો કરવામાં આવે છે પરંતુ ટ્રાફિક મેંટેનન્‍સ ની કામગીરી માં લાલિયાવાળી ચાલી રહી છે. એમ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્‍યું હતું.

(4:13 PM IST)