તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
હિરાસર એરપોર્ટ ફરી વિવાદમાં: નવા ટર્મિનલમાં પ્રથમ વરસાદે પોલ ખોલીઃ પાણી ટપકતા પેસેન્જરોનો સમાન પાણી પાણી!!
વિડીયો વાયરલ થતા તંત્રમાં દોડધામઃ તાબડતોબ રીપેરીંગ કામ શરૂ કરાયું.. એરપોર્ટ સ્ટાફે બેદરકારી છૂપાવીઃ કન્વેયર બેલ્ટ પાસે વરસાદના પાણીનો ધોધ..

રાજકોટ, તા.૨૦: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં કરોડનાં ખર્ચે બનેલાં નવા ટર્મિનલમાં પ્રથમ વરસાદે પાણી ટપકતાં અનેક પેસેન્જરોનો સામાન પલળી ગયો હતો.ખાસ કરીને અરાઈવલ બેલ્ટ ૨ પાસે રીતસર પાણીનો ધોધ વહયો હતો.આ ઉપરાંત ટર્મિનલમાં અનેક જગ્યાએ પાણી ટપકવાની ફરિયાદો ઉભી થઇ હતી.
ગઈકાલે કન્વેયર બેલ્ટ પાસે વરસાદને કારણે પાણી પડતાં સામાન લેવા આવેલા પેસેન્જરોને સાઈડમાં ઉભા રહી પોતાનો સામાન કાઢવો પડ્યો હતો,તો ભૂલ સુધારવાને બદલે ઓથોરિટીનાં સ્ટાફે આ ભૂલ કોઇના કેમેરામાં કેદ ન થાય એ માટે ત્યાં ટ્રી પ્લાન્ટ અને આજુબાજુ અમુક વસ્તુઓથી ડેકોરેશન કરીને બેદરકારીને છુપાવી દીધી હતી. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ફલાઇટ શરૂ કરવાની વાતો વચ્ચે પાણી પડવું,મોબાઈલ કનેક્શન ન મળવું તો કલાકો સુધી વિજકનેક્શન ન હોવું સહિત અસુવિધાઓનો વરસાદ થાય છે.
થોડા દિવસો અગાઉ પણ ટર્મિનલની છતમાંથી પાણી લીક થવાનાં લીધે ચેક ઇન કાઉન્ટર અને વેઇટિંગ એરિયામાં પાણી ભરાઈ ગયું હતું.આ મુદ્દે અમુક પેસેન્જરોએ સોશ્યલ મીડિયામાં ટિપ્પણી કરતી પોસ્ટ પણ મૂકી છે જેમાં લખ્યું છે કે,આટલા મોંઘા એરપોર્ટમાં પાણી ટપકે છે,આ કેવી વિકાસની વાત છે? તો બીજી તરફ અત્યારે ટર્મિનલમાં પાણી ટપકે છે...?
હિરાસર એરપોર્ટ પર પાણી ટપકાતુ હોવાના વિડીયો વાયરલ થતા અને ફરીયાદોના ઢગલા થતા એરપોર્ટ તંત્રમાં દોડધામ થઇ પડી હતી. અને ટર્મિનલમાં જયા પાણી ટપકતું હતું ત્યાં રીપેરીંગ કામગીરી શરૂ કરી દેવાઇ હતી. આગામી દિવસોમાં આ થયેલ રીપેરીંગ કામ કેટલુ ટકી રહે છે તેના ઉપર મીટ મંડાઇ છે.
(3:58 PM IST)










