<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

શહેરમાં ૧૫ સ્‍થળેથી સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટમાંથી ૪૫ બેટરીઓ ચોરનાર ત્રિપુટી ઝડપાઇ

સુરેશ, ધીરૂ અને સગીર રાતે રિક્ષા લઇ નીકળી ચોરીઓ કરતાં: અમુક બેટરીઓ ભંગારમાં વેંચી મારી : નાસતા ફરતા સ્‍ક્‍વોડ ઝોન-૨ના પીએસઆઇ આર. આર. કારેણા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનિલભાઇ જીલરીયા, અમીનભાઇ ભલુર, પ્રશાંતભાઇ ગજેરાની ટીમની કાર્યવાહીઃ ૨૯ બેટરી, રિક્ષા અને કટર કબ્‍જે કરાયા

રાજકોટ તા. ૨૦: શહેરમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ રસ્‍તાઓ પર ફીટ કરાયેલા સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટમાંથી છેલ્લા દોઢ મહિનાથી બેટરીઓ ચોરાઇ જવાની ઘટના બની રહી હતી. અલગ અલગ ૧૫ જેટલા યુનિટમાંથી ૪૫ જેટલી બેટરીઓ ચોરાઇ ગઇ હતી. આ ચોરીઓનો ભેદ નાસતા ફરતા સ્‍ક્‍વોડ ઝોન-૨ની ટીમે ઉકેલી એક સગીર સહિતની ત્રિપુટીને ઝડપી લઇ બેટરીઓ, રિક્ષા, નાનુ કટર કબ્‍જે કર્યા છે. ત્રણેય રિક્ષા લઇ બેટરીની ચોરી કરવા નીકળતાં હતાં. ચોરેલી પૈકી અમુક બેટરીઓ ભંગારમાં વેંચી નાંખી હતી. પોલીસે ૨૯ બેટરીઓ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ  શહેરના અલગ અલગ વિસ્‍તારોમાં મહાનગર પાલિકા દ્વારા  સીસીટીવી કેમેરા ફીટ કરાવવામાં આવ્‍યા છે. જેના આઉટડોર યુનિટમાંથી છેલ્લા કેટલાક સમયથી બેટરીઓ ચોરી જવાની ઘટનાઓ બની રહી હતી. આ અંગે પુનીતનગરમાં ઓજસવોરા એપાર્ટમેન્‍ટમાં રહેતાં અને મહાપાલિકા હેઠળના નાના મવા ખાતેના સીસીટીવી કન્‍ટ્રોલ રૂમ ખાતે પ્રોજેક્‍ટર મેનેજર તરીકે ફરજ બજાવતાં મનિષભાઇ રમેશભાઇ કોરાટે એ-ડિવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. મહાનગર પાલિકાની રાજકોટ સ્‍માર્ટ સીટી ડેવલપમેન્‍ટ અને શહેર પોલીસ દ્વારા સંયુક્‍ત રીતે અમલીકરણ થયેલ પ્રોજેક્‍ટ અંતર્ગત લગાડાયેલા સીસીટીવી કેમેરા પૈકીના જ્‍યુબીલ ચોકમાં કબ્રસ્‍તાનના ખુણે આવેલા કેમેરાના સેટઅપ બોક્‍સના આઉટડોર યુનિટમાંથી રૂા. ૪૫૦૦ની  એક એવી ૧૩૫૦૦ની ત્રણ બેટરીઓ ચોરાઇ ગયાનું તેમના ધ્‍યાને આવતાં ફયિરાદ કરી હતી.

આ રીતે શહેરના અલગ અલગ અન્‍ય ચોકમાંથી પણ આ રીતે બેટરીઓ ચોરાઇ ગઇ હતી. આ ગુનાની તપાસ એ-ડિવીઝન પીએસઆઇ કે. એમ. વડનગરાએ હાથ ધરી હતી. દરમિયાન નાસતા ફરતાં સ્‍ક્‍વોડની ટીમે બાતમીને આધારે શાષાી મેદાન લીમડા ચોકમાંથી જીજે૦૩ડબલ્‍યુ-૨૭૬૭ નંબરની રિક્ષામાં બેટરીઓ સાથે નીકળેલા ત્રણ શખ્‍સો સુરેશ લાલુભાઇ ચારોલીયા (ઉ.વ.૩૪-રહે. મહિલા કોલેજ અન્‍ડરબ્રીજ ઉપર રેલ્‍વે પાટા પાસે ઝૂપડામાં), ધીરૂ જીલુભાઇ વાજેલીયા (ઉ.વ.૩૦-રહે. હુડકો ચોકડી પાસે નાલા  પાસે ઝૂપડામાં) તથા કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરને પકડી લીધા હતાં.

આ ત્રણેય પાસેથી રૂા. ૧,૪૫,૦૦૦ની ૨૯ બેટરીઓ, ૫૦ હજારની રિક્ષા અને બેટરીઓ ચોરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું કટર કબ્‍જે કર્યુ છે. આ ત્રણેયએ છેલ્લા એક દોઢ મહિનામાં ૧૫ સ્‍થળેથી બેટરીઓ ચોરી હતી. જેમાં એસ્‍ટ્રોન ચોક ઓડીસી-૨માંથી, એસ્‍ટ્રોન ચોક ગાર્ડન પાસેથી, એનસીસી ચોક, રેસકોર્ષ ટેનીસ કોર્ટ, જ્‍યુબીલી ચોક ઓડીસી-૨, સોરઠીયા વાડી ગાર્ડન ઓડીસી-૨, પારૂલ ગાર્ડન, હિંગળાજ ચોક, કાંતાસ્ત્રી વિકાસ ગૃહ રોડ, આંબેડકર કોલોની, મહિલા કોલેજ પાસે, નાના મવા સર્કલ પાસે, ડો. યાજ્ઞિક રોડ ટી-પોઇન્‍ટ, સદર બજાર ચોક, જ્‍યુબીલી ચોકનો સમાવેશ થાય છે. આ તમામ સ્‍થળના સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટમાંથી ૩-૩ મળી ૪૫ બેટરીઓ ચોરી હતી.

પોલીસના જણાવ્‍યા મુજબ ઝડપાયેલામાં સુરેશ અગાઉ પણ એ-ડિવીઝન પોલીસમાં ચોરીના બે ગુનામાં અને સગીર પણ મોબાઇલ ફોન તથા બાઇક ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્‍યા છે. આ ત્રણેય રાત્રીના સમયે રિક્ષા લઇ નીકળતાં અને સીસીટીવી કેમેરાના આઉટડોર યુનિટનું તાળુ તોડી કટરથી બેટરીઓના તાર કાપી ચોરી કરી લેતાં હતાં. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત  નાસતા ફરતા સ્‍ક્‍વોડ ઝોન-૨ના પીએસઆઇ આર. આર. કોઠીયા, હેડકોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, અંકિતભાઇ નિમાવત, અનિલભાઇ જીલરીયા, કોન્‍સ. અમીનભાઇ ભલુર અને પ્રશાંતભાઇ ગજેરાએ આ કામગીરી કરી હતી. વધુ તપાસ એ-ડિવીઝન પોલીસ કરશે. 

(3:22 PM IST)