તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th June 2025
નિવૃત ડે. કલેક્ટરે વ્હોટ્સએપ મેસેજને આધારે શેર બજારમાં રોકાણ કરતાં ૬૪ લાખ ગુમાવ્યા
શરૂઆતમાં ૫૦ હજારના શેર ખરીદતાં વોલેટમાં નફો દેખાડાયો પછી કટકે કટકે બીજી રકમોનું રોકાણ કર્યુઃ છેલ્લે નાણા વિડ્રો કરવા ન દીધાઃ બજરંગવાડીના દિનેશકુમાર નિનામાની ફરિયાદઃ પીઆઇ પી.આર. ડોબરીયાએ તપાસ આરંભી

રાજકોટ તા. ૧૯: શેર બજારમાં રોકાણના નામે લોકો સાથે લાખોનું ફ્રોડ થઇ રહ્યું છે. આવા એક બનાવમાં રાજકોટમાં રહેતાં નિવૃત ડેપ્યુટી કલેક્ટર સાથે શેર બજારમાં કમાણીના નામે અધધધ ૬૪ લાખની ઠગાઇ થઇ છે.
આ બારામાં સાયબર ક્રાઇમ પોલીસે બજરંગવાડી-૧ લોટસ કોમ્પલેક્ષ બીજા માળે ફલેટ નં. ૨૦૧માં રહેતાં નિવૃત ડેપ્યુટી કલેક્ટર દિનેશકુમાર સળીયાજી નિનામા (ઉ.વ.૫૯)ની ફરિયાદ પરથી બેંક એકાઉન્ટના અલગ અલગ ધારકો તથા એક્સપીરીયન્સ એક્સચેન્જ નામના વ્હોટ્સ ગ્રુપના એડમીન સહિતની સામે આઇટી એક્ટ, ફ્રોડનો ગુનો નોંધ્યો છે. પાટણથીનિવૃત થયેલા દિનેશકુમાર નિનામાને શેર બજારની ટીપ્સના નામે અલગ અલગ વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરાવી રોકાણ કરાવી રૂા. ૬૪,૦૦,૦૯૪ની ઓનલાઇન ઠગાઇ કરવામાં આવી હતી.
દિનેશકુમાર નિનામાએ જણાવ્યું છે ક ગત જાન્યુઆરી મહિનામાં એક વોટસએપ નંબર પરથી શેર બજારમાં રોકાણ કરી પ્રોફિટ કમાવવાનો મેસેજ આવ્યો હતો. જેમાં મને રસ પડતાં વાત કરી હતી. સામાવાળા ગઠીયાએ ફોર્મ મોકલ્યું હતું. જે ભરીને પરત કરતાં તેમને એક વોટસએપ ગુ્રપમાં એડ કરવામાં આવેલ. પછી મારા નામનું બીજું વોટસએપ ગુ્રપ પણ બનાવવામાં આવ્યું હતું અને બાદમાં મને પ્લે સ્ટોર પરથી એક એપ ડાઉનલોડ કરાવી હતી. જેમાં મારા આઈડી પાસર્વડ જનરેટ કરી આપ્યા બાદ અલગ-અલગ શેર ખરીદવા માટે મેસેજ આવવાનું શરૂ થયું હતું. શરૂઆતમાં રૂ. ૫૦,૦૦૦ ના શેર ખરીદતાં એપના વોલેટમાં પ્રોફિટ સાથેની રકમ દેખાતી હતી. ત્યાર પછી વધુ બે વખત રૂ. ૫૦-૫૦ હજાર સામાવાળાના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા.
ત્યાર પછી મને આઈપીઓમાં રોકાણની વાત સામાવાળએ કરી હતી. તેમાં મેં રોકાણ કરતાં ૧૫,૦૦૦ શેર લાગ્યા હોવાનું વોલેટમાં દેખાતું હતું. સામાવાળાએ આ માટે રૂ. ૧૮ લાખ માંગતા મારા બેન્ક ખાતામાંથી તેના એકાઉન્ટમાં રૂ. ૧૫ લાખ જમા કરાવ્યા હતા. ત્યાર પછી મને બીજા આઈપીઓમાં રોકાણ કરવાનું સૂચન કરતાં તેમાં એપ્લીકેશન કરતાં ચાર લાખ શેર એલોટ થયાનું અને તેના રૂ. ૧.૬૪ કરોડ જમા કરાવવાનું કહેવાયું હતું. પરંતુ આટલી રકમનું રોકાણ હું કરી શકુ તેમ ન હોવાથી વોલેટમાં જે પ્રોફિટ દેખાય છે તે બાદ કરતાં મને રૂ. ૮૨ લાખ ભરવાનું કહ્યું હતું. પરંતુ આ રકમ ભરવાની પણ મેં ના પાડતાં સામાવાળાએ ઓફર આપતાં કહ્યું કે અમારી સંસ્થા તમને લોન આપશે, જે રકમ તમે પછીથી ભરી શકશો. જેથી હું સહમત થઈ ગયેલ. થોડા સમય બાદ આઈપીઓ શેર બજારમાં લીસ્ટ થતાં તેમના વોલેટમાં રૂ. ૧૦ કરોડની રકમ પ્રોફિટ તરીકે દેખાતી હતી.
જે રકમ ઉપાડવા માટે સામાવાળાએ રૂ. ૮૨ લાખની લોન ભરવાની વાત કરી હતી. આ સ્થિતિમાં મારી તમામ સેવિંગ્ઝ, એસઆઈપી અને વીમાની રકમ ભેગી કરીને કટકે-કટકે રૂ ૪૯ લાખ સામાવાળાના જુદા-જુદા બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. આ રીતે કુલ રૂ. ૬૪ લાખ જમા કરાવ્યા હતા. આ પછી પણ સામાવાળા ગઠીયાએ વધુ રકમની માંગણી ચાલુ રાખતાં શંકા ગઈ હતી અને તપાસ કરતાં ફ્રોડ થયાનું જણાતાં સાયબર ક્રાઈમના હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ ઉપર ફરિયાદ કરી હતી. તેના આધારે એફઆઇઆર દાખલ કરાવી છે. પીઆઇ પી. આર. ડોબરીયાએ વધુ તપાસ હાથ ધરી છે.
(4:18 PM IST)










