News of Wednesday, 18th June 2025
રાયોટીંગ-પોલીસની ફરજમાં રૂકાવટના ગુનામાં બે વર્ષથી ફરાર જામનગર-ધ્રોલના ત્રણ ઝડપાયા
જામનગર રોડ શેઠનગર સામે ઝૂપડામાં બે જૂથ વચ્ચે ડખ્ખો થતાં પોલીસ પહોંચી હતી

રાજકોટ તા. ૧૮: શહેરના જામનગર રોડ પર શેઠનગર સામેના ભાગે ઝૂપડામાં રહેતાં દેવીપૂજક પરિવારો વચ્ચે બકરા ચોરવા મામલે અને જુના ઝઘડાને કારણે માથાકુટ થઇ હતી. જેમાં એક શખ્સની બેઠકમાં લાકડુ ખોંસી દેવાયાના આક્ષેપો થયા હતાં. બાદમાં એ શખ્સનું મોત થયું હતું. આ માથાકુટમાં સામ-સામે ગુના દાખલ થયા હતાં. જે તે વખતે ગાંધીગ્રામ પોલીસ ત્યાં પહોંચી ત્યારે ટોળકી રચી પોલીસ ઉપર પણ હુમલો કરી ફરજમાં રૂકાવટ કરવામાં આવી હતી. આ ગુનામાં બે વર્ષથી ફરાર ત્રણ શખ્સોને એલસીબી ઝોન-૨ ટીમે ઝડપી લીધા છે.
જામનગર રોડ શેઠનગર સામે ઝુપડામાં રહેતાં દેવીપૂજક પરિવારના લોકો સાથે જામનગરથી આવેલા તેના સગાને જુના મનદુઃખ મામલે મારામારી થતાં એક બીજા પર ટોળકી રચી હુમલો કર્યો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસની ટીમ હોમગાર્ડ જવાનો સાથે પહોંચી હતી. આ વખતે ડખ્ખો કરનારાઓએ ટોળકી રચીને પોલીસની ટીમ ઉપર હુમલો કરી પથ્થરમારો કરી ફરજમાં રૂકાવટ કરી હતી. બે અલગ અલગ ગુના જે તે વખતે ગાંધીગ્રામ પોલીસમાં દાખલ થયા હતાં. આ ગુનામાં ફરાર ત્રણને પકડી લેવાયા છે. એલસીબી ઝોન-૨ ટીમને માહિતી મળતાં ત્રણેયને માધાપર ચોકડી ૧૫૦ રીંગ રોડ પરથી પકડીને ગાંધીગ્રામ પોલીસને સોંપાયા છે. પોલીસે જામનગરના જોડીયા તાબેના મોરાણા ગામના દિનેશ ઉર્ફ વિનુ બાબુ ઉર્ફ બાધુ જખાનીયા (ઉ.વ.૪૫), ધ્રોલમાં ટાવર પાસે રહેતાં લાભુ કરમશી વાજેલીયા (ઉ.વ.૪૫) તથા જામનગર ગુલાબનગરના વિનુ બાધુ સાડમીયા (ઉ.વ.૩૫)ને ઝડપી લીધા છે. વર્ષ ૨૦૨૩માં આ ત્રણેય સહિતની સામે ગાંધીગ્રામ પોલીસમાં બે ગુના દાખલ થયા હતાં. ઝડપાયેલામાં વિનુ અગાઉ જામનગરમાં દારૂના ગુનામાં પકડાયો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અંતર્ગત એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદીપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી. આ ત્રણેય છુટક મજૂરી કરે છે અને રાજકોટ-જામનગર આવતા જતાં રહે છે. મજુરી માટે આવ્યા અને પોલીસની ઝપટમાં આવી ગયા હતાં
(4:04 PM IST)










