<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

રેલનગર વિસ્‍તારના વીજ ધાંધીયાનું તાકિદે નિરાકરણ કરો આ વિસ્‍તારમાં નવા સબડિવીઝનની તાતી જરૂરિયાત છે

સ્‍ટાફની તંગી હોય તો તાત્‍કાલિક સેટઅપ વધારવું જરૂરીઃ એમ.ડી.ને ફરિયાદ પત્ર પાઠવતા શહેર કોંગ્રેસ પ્રમુખ : માધાપર-બેડીનાકા બન્ને વીજ સબડીવીઝનમાં છાશવારે લાઇટો ગૂલ થાય છેઃ લોકો કલાકો સુધી હેરાન થાય છે

રાજકોટ, તા. ૧૮: શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી અતુલ રાજાણીએ પીજીવીસીએલના એમ.ડી. ને વિસ્‍તૃત પત્ર પાઠવી રેલનગરમાં નજીવા વરસાદે લાઈટો ગૂલ થવાની ઘટનાનું કાયમી નિરાકરણ કરવા તથા ભૌગોલિક ધોરણે સબ ડિવિઝનના વિસ્‍તારની વહેચણી કરવી તથા રાજકોટની વસ્‍તી જનસંખ્‍યાના આધારે ચોથી ડિવિઝન ઓફિસ નું નિર્માણ કરવું સહિતની રજુઆતો કરી હતી.

પત્રમાં ઉમેર્યુ હતું કે, રાજકોટના રેલ નગર વિસ્‍તારના છત્રપતિ ટાઉનશીપ અને પોપટપરા સહિતના વિસ્‍તારોમાં દર વર્ષે નજીવા પવનથી અથવા નજીવા વરસાદને પગલે વીજબત્તી ગુલ થવાની ઘટના બની રહી છે. શનિવારે સાંજે ત્રણ ઇંચ વરસાદની સાથે જ આ વિસ્‍તારોમાં સાંજે છ વાગ્‍યાથી લાઈટ ગૂલ થવાની ઘટના બની હતી જેનું રીપેરીંગ કામ રાત્રે ૧૨:૦૦ વાગ્‍યા સુધી પણ થયેલું હતું. રાત્રે ફોલ્‍ટ સેન્‍ટરના ફોન લાગતા નથી અને ૧૮૦૦૨૩૩૧૫૫૩૩૩ ફોન તો શોભાનો ગાંઠિયા જેવો બની જાય છે. ખરા સમયે માધાપર અને બેડીનાકા ડિવિઝન ના અધિકારીઓના પણ ફોન ઉપડતા નથી જે પગલે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને આ વિસ્‍તારમાં હાલ સ્‍ટાફ ઓછો હોય તો તાત્‍કાલિક સેટઅપ વધારી યોગ્‍ય કરશો. આ વિસ્‍તારમાં જો પ્રિમોન્‍સુન કામગીરી કરવામાં આવી ન હોય તો તાત્‍કાલિક જરૂર જણાયે વાયરીંગ નું કામ અને ટીસી ના કામ ની મરામત કરવી.

હાલ આ વિસ્‍તાર માધાપર સબ ડિવિઝન અને બેડીપરા સબ ડિવિઝન હેઠળ આવે છે ત્‍યારે રેલ નગરમાં છેલ્લા પાંચ વર્ષમાં વસ્‍તીમાં વધારો થયો છે અને ગ્રાહકોની સંખ્‍યામાં પણ જબરદસ્‍ત ઉછાળો આવ્‍યો છે ત્‍યારે આ વિસ્‍તાર રેલનગરમાં એક સબ ડિવિઝન બનાવવાથી અન્‍ય બને ડિવિઝનનું ભારણ ઘટશે અને લોકોને નજીકમાં સુવિધા મળશે અને લાઈટ જતા જ તાત્‍કાલિક પીજીવીસીએલની ટીમ પહોંચી શકે.

આ ઉપરાંત જણાવવાનું કે આપ શ્રી ને તારીખ ૨૦/૯/૨૦૨૩ અને તારીખ ૩/૩/૨૦૨૪ ના લેખિત રજૂઆત કરી હતી જે અંગે કોઈ પ્રત્‍યુતર મળેલ નથી અને કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા રેલનગરમાં ધડાધડ લાઈટો ગૂલ થઈ જાય છે અને ધાંધિયા સર્જાય છે. અને લાઈટ પુનઃ શરૂ કરવામાં કલાકો ના વિલંબ થાય છે.

હાલ રાજકોટ સ્‍માર્ટ સિટીની વાતો વચ્‍ચે પ્રજાને વીજફોલ્‍ટ દૂર કરવામાં તંત્ર દ્વારા ઘોર વિલંબ થાય છે. અપૂરતો સ્‍ટાફ અપૂરતા વાહનની સમસ્‍યા અને અન્‍ય સમસ્‍યાઓને કારણે રેલનગરવાસીઓને હાલાકી ભોગવવી પડે છે.

ઉપરોક્‍ત સંદર્ભે આપના સમક્ષ અગાઉ રજૂઆત લેખિત કરવામાં આવી છે. તે રજૂઆત તુમારશાહીનો ભોગ બનતા વધુ એક વખત તાજેતરમાં રેલનગર વિસ્‍તારમાં વીજ ધાંધિયા સર્જાયા છે ત્‍યારે અમારી માંગ છે કે સંદર્ભ દર્શિત પત્રો અને આજની આ રજૂઆત અંગે તાત્‍કાલિક યોગ્‍ય નિરાકરણ કરી આપ દ્વારા થયેલ કાર્યવાહીની જાણ કરશો. બેડી નાકા વિસ્‍તારના જંકશન પ્‍લોટ ૧૫માં વખતો વખત લાઈટો કલાકો સુધી ગૂલ થઈ જાય છે ત્‍યારે ટીસી અથવા જે કાંઈ પ્રિમોનસુન કામગીરી કરવાની આવશ્‍યકતા હોય તો તે તાત્‍કાલિક યોગ્‍ય કરવા અપીલ છે

(3:23 PM IST)