News of Tuesday, 17th June 2025
વિજયભાઇને પ્રોજેકટ ‘લાઇફ' અને લાઇફ બ્લડ સેન્ટરની શ્રદ્ધાંજલિ

રાજકોટઃ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના આકસ્મિક નિધનથી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાત શોકગ્રસ્ત છે ત્યારે સામાજિક સંસ્થા પ્રોજેક્ટ ‘લાઈફ' અને લાઈફ બ્લડ સેન્ટર પણ શોકમય છે અને સંસ્થાની સેવાયાત્રાની સફરમાં સેવાના આ સારથીએ આપેલા સહયોગને યાદ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. પ્રોજેક્ટ ‘લાઈફ' અને લાઈફ બ્લડ સેન્ટરમાં સ્વ. વિજયભાઈ રૂપાણીના સ્મરણાર્થે યોજવામાં આવેલી પ્રાર્થના સભામાં તેમના પ્રોજેક્ટ ‘લાઈફ'ના સંભારણા તેમજ તેમણે રાજકોટ-સૌરાષ્ટ્રના વિકાસ માટે આપેલા પ્રદાનને યાદ કરવામાં આવ્યું હતું તેમજ ૧૨ જુનની આકસ્મિક અને અત્યંત કરુણ વિમાન દુર્ઘટનામાં મળત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે સમગ્ર સ્ટાફ દ્વારા બે મીનીટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. પ્રોજેક્ટ ‘‘લાઈફ''ના સી.ઈ.ઓ અને જોઈન્ટ એક્ઝીકયુટીવ ટ્રસ્ટી શ્રીમતી મીતલ કોટિચા શાહે જણાવ્યુ હતું કે, સ્વ. વિજયભાઈ રૂપાણીના પ્રોજેક્ટ ‘‘લાઈફ'' સાથે અનેક સંસ્મરણો છે. સ્વ. વિજયભાઈએ સામાજિક આગેવાન તરીકે પ્રોજેક્ટ ‘‘લાઈફ''ની સેવાયાત્રાને બિરદાવી હતી તો મુખ્યમંત્રી તરીકે પણ તેઓએ એક થી વધુ વખત આ સેવાયજ્ઞને પ્રોત્સાહન આપ્યું હતું અને પ્રોજેક્ટ ‘‘લાઈફ''ના થેલેસેમિયા નાબુદી અભિયાનને પણ પ્રબળ વેગ આપેલો હતો. સ્વ. વિજયભાઈ મુખ્યમંત્રી બન્યા ત્યારે પ્રોજેક્ટ ‘લાઈફ'ના એક્ઝીકયુટીવ ટ્રસ્ટી શ્રી ચંદ્રકાંતભાઈ કોટિયા, જોઈન્ટ એક્ઝીકયુટીવ ટ્રસ્ટી અને CEO શ્રીમતી મીતલ કોટિચા શાહ, ચીફ ડેવલપમેન્ટ અને ઓપરેટીંગ ઓફિસર શ્રી ઋષિકેશ પંડયા વગેરે તેમને ગાંધીનગરમાં મળ્યા હતા અને સંસ્થા દ્વારા ચાલી રહેલી નિરંતર સેવાયાત્રા અંગે માહિતગાર કર્યા હતા.
(3:44 PM IST)










