<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

જાગનાથ વિસ્‍તારમાં ખાડા-ગારા-કિચડના સામ્રાજયથી લોકો હેરાન-પરેશાન

પાઈપલાઈનનું કામ પુરું થયા બાદ શેરીઓની મરામત નહી થતાં દરેક શેરીઓમાં વરસાદી પાણીના ખાડા અને ગારા કિચડઃ અકસ્‍માત થાય તે પૂર્વે મોરમ-ડામર પાથરવો જરૂરી : છેલ્લાં બે મહીનાથી પ્રજા મુશ્‍કેલીનો સામનો કરી રહી છે છતાં નિંભર કોર્પોરેટરો અને મ્‍યુનિ.તંત્ર તમાશો નિહાળે છે : ત્‍વરીત પગલાં લેવા જરૂરી

રાજકોટ, તા.૧૭: રાજકોટ શહેરના પોશ વિસ્‍તાર ગણાતા જાગનાથ અને ન્‍યુ જાગનાથ વિસ્‍તાર મ્‍યુનિ. કોર્પોરશનના પાપે હાલ કદરૂપા બની ગયા છે. પાણીની પાઈપલાઈન નાખવામાં આવ્‍યા બાદ ફોલોઅપ એકશન નહીં લેવાતાં દરેક શેરીઓમાં ઉંડા ઉંડા ખાડા, ગારા કિચડનું સામ્રાજય સર્જાયું હોવાનું જણાય છે. આ વિસ્‍તારના લોકોની ફરિયાદ છે કે છેલ્લાં બે મહીનાથી આ વિસ્‍તારના હજારો લોકો નર્કાગાર જેવી પરિસ્‍થિતિનો સામનો કરી રહ્યાં છે છતાં આ વિસ્‍તારના કોર્પોરેટરો અને મ્‍યુનિ.તંત્ર ભરનિંદ્રામાં હોય તેવું લાગે છે.

રાજકોટ મ્‍યુનિ.કોર્પોરેશન દ્વારા આ વિસ્‍તારમાં પાણીની પાઈપલાઈન નાખવાનું કામ બે મહીના પહેલાં શરૂ કરાયુ હતું જે હજુ ચાલુ છે. કામ થાય તે સારી વાત છે પરંતુ તે પછી ફોલોઅપ એકશન નહીં લેવાતાં પ્રજામાં રોષની લાગણી ફેલાવા પામી છે. લોકોનું કહેવું છે કે પાણીની પાઈપલાઈન નાખવામાં આવ્‍યા બાદ તરત જ ખાડા બુરવાનું અને તેના ઉપર થીગડા મારવાનું અથવા તો ડામર કામ શરૂ થવું જોઈએ પરંતુ આ કામ હજુ શરૂ થયું નથી અને હાલ વરસાદ પડતા દરેક શેરીઓમાં ઉંડા ઉંડા ખાડા અને ગારા કિચડ જોવા મળી રહયાં છે. કોઈ અકસ્‍માત થાય તે પૂર્વે વહેલી તકે કોર્પોરેશને જાગીને આ વિસ્‍તારમાં કામકાજ શરૂ કરવું જોઈએ તેવી પ્રજાની માંગણી છે.

આ અંગે આ વિસ્‍તારના લોકોની માંગણી છે કે વહેલી તકે કોર્પોરશને દરેક શેરીઓમાં મોરમ પાથરવી જોઈએ કે જેથી કોઈ રાહદારી કે વાહનચાલક ખાડામાં ન પડે એટલું જ નહીં ઉઘાડ પડયે ત્‍વરીત ડામરકામ પણ કરી દેવું જોઈએ કે જેથી લોકોની મુશ્‍કેલીનો અંત આવે. લોકોનું કહેવું છે કે પાઈપલાઈન નાખવામાં આવે તે સામે કોઈ વાંધો નથી પરંતુ તેની સાથો સાથ યોગ્‍ય રીતે ખાડા બુરાય અને રસ્‍તા સમથળ થાય તે પણ જરૂરી છે. આ વિસ્‍તારના લોકોનું એવું પણ કહેવું છે કે મત માંગવા દોડી આવતાં કોર્પોરેટરોને હાલ આ વિસ્‍તારની નર્ક જેવી સ્‍થિતિ દેખાતી નથી એ આશ્‍ચર્યજનક ગણી શકાય.

(4:20 PM IST)