<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

મૈત્રીકરાર કર્યા'તા એ યુવતિ જતી રહેતાં ગાંધીગ્રામ ગોવિંદનગરમાં કિશન જાદવનો ફાંસો ખાઇ આપઘાત

માતા ઉપરના રૂમમાં જોવા ગયા ત્‍યારે દિકરો લટકતો મળ્‍યોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: ગાંધીગ્રામના ગોવિંદનગરમાં રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. આપઘાત કરી લેનારા યુવાને મૈત્રીકરાર કર્યા હતાં. આ યુવતિ તેને છોડીને જતી રહેતાં માઠુ લાગી જતાં પગલુ ભર્યાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ ગોવિંદનગર-૨માં રહેતાં કિશનભાઇ લાલજીભાઇ જાદવ (ઉ.વ.૨૮) નામના યુવાને ઘરમાં ઉપરના માળે છતના હુકમાં કપડા સુકવવાની દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ ૧૦૮ના ઇએમટી તબિબ ગીરજાબેન રાઠોડે કરતાં કન્‍ટ્રોલ ઇન્‍ચાર્જ વી. એચ. ચોૈહાણે જાણ ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી. ઘટના જાહેર થતાં હેડકોન્‍સ. મિહીરસિંહ બારડ, રાઇટર નિલેષભાઇ ડોડીયા સહિતે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી  કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ કિશનભાઇ તેના ઉપરના રૂમમાંથી મોડે સુધી નીચે ન આવતાં તેના માતા ઉપર તપાસ કરવા જતાં તે લટકતી હાલતમાં મળતાં કલ્‍પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર કિશનભાઇ છુટક કામ કરતો હતો. તેના પિતા સેન્‍ટીંગ કામની મજૂરી કરે છે. કિશનભાઇએ એક યુવતિ સાથે મૈત્રીકરાર કર્યા હતાં. દરમિયાન આ યુવતિ તેને છોડીને જતી રહેતાં ત્‍યારથી તે ગુમસુમ રહેતો હતો. આ કારણે પગલુ ભરી લીધાની શક્‍યતા છે. વિશેષ તપાસ એએસઆઇ વી. વી. જાડેજા ચલાવી રહ્યા છે. યુવાન દિકરાના આ પગલાથી જાદવ-પ્રજાપતિ પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. 

(4:21 PM IST)