તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
સંતો સાથે વિજયભાઈને અતુટ નાતો અને અજોડ સ્નેહ સેતુ હતોઃ બીએપીએસ પરિવાર દ્વારા શ્રધ્ધાંજલી

રાજકોટઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને રાજકોટ બી.એ.પી.એસ. પરિવાર દ્વારા તેઓશ્રીના અંતિમ દર્શને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અંતિમ સંસ્કારયાત્રા કાલાવડ રોડ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પાસે પહોંચતા મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી અને પૂ.અપૂર્વમુનિ સ્વામીએ પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજ વતી તેઓના પાર્થિવ દેહને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરી, હારતોરા અર્પણ કરી, પ્રાર્થના કરી હતી. રાજકોટ મંદિરના કોઠારી સંત પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ વિજયભાઈ રૂપાણીને ભાવપૂર્ણ સ્મરણાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, ‘રાજકોટ બી.એ.પી.એસ. મંદિર અને પૂજ્ય સંતો સાથે વિજયભાઈને અતુટ નાતો અને અજોડ તોહસેતુ હતો. પ્રગટ ગુરૂહરિ મહંતસ્વામી મહારાજના અનેકવાર રાજકોટને આંગણે તેઓએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. રાજકોટની સત્સંગ સભા અને માનવ ઉત્કર્ષ મહોત્સવમાં તેઓપોતાની લાગણીઓ વહાવતા હતા. દર વખતે ચૂંટણી પૂર્વે મંદિરે તેઓ પૂજ્ય સંતોના હાથે વિજય તિલક કરાવતા. પ્રમુખસ્વામી મહારાજના ૯૮ માં જન્મ જયંતી મહોત્સવનો મંગલ પ્રારંભ તેઓએ જ કરાવેલ. તેઓ હંમેશા તેઓના વકતવ્યોમાં પ્રમુખસ્વામી મહારાજને યાદકરતા અચૂક કહેતા કે, આ પ્રમુખસ્વામીનું ગુજરાત છે. તેઓ તેમના જીવનકાળ દરમિયાન સરળ બની સૌને સ્પર્શી ગયા છે. આ ભૌતિક દેહ છોડીને અનેક દિલમાં વસી ગયા છે.' હરિભક્તોએ પણ શ્રી વિજયભાઈ રૂપાણીને સ્મરણાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે, દર વર્ષે તેઓ દિવાળી-અન્નકૂટના ઉત્સવોમાં મંદિરે ઠાકોરજીના દર્શને અચૂક આવતા હતા. મંદિરે કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી સાથે શ્રી નીલકંઠવર્ણીનો અભિષેક કરતા હતા.
(2:38 PM IST)










