<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

રૈયાધારમાં માતા સાથે ચાલીને જતી ૪ વર્ષની કિંજલ થાંભલાના તાણીયાને અડી જતાં મોત

કંચનબેન દિકરીને લઇ નજીકમાં રહેતી બહેનના ઘરે ગયા હતાં: વરસતા વરસાદે પોતાના ઘરે જતા હતાં ત્‍યારે બનાવઃ જોરદાર કરંટ લાગતાં બાળકી બેભાન થઇ ગઇઃ સારવારમાં દમ તોડયોઃ બકાલુ વેંચી ગુજરાન ચલાવતાં ધધાણીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૭: વરસાદી ઋતુમાં વિજકરંટ લાગવાના અને જીવ જંતુ કરડી જવાના બનાવો વધી જતાં હોય છે. આ દરમિયાન રૈયાધારમાં માતા સાથે ચાલીને જતી ચાર વર્ષની બાળકીને વિજથાંભલાના તાણીયામાંથી જોરદાર કરંટ લાગતાં તેનું મોત નિપજતાં પરિવારમાં અને વિસ્‍તારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ રૈયાધાર મચ્‍છુનગર સામે મફતીયાપરામાં રહેતી કિંજલ ભૂપતભાઇ ધધાણીયા (ઉ.વ.૪) સાંજે સાડા પાંચેક વાગ્‍યે પોતાની માતા કંચનબેનની સાથે નજીકમાં જ રહેતાં માસી ગોૈરીબેનના ઘરે ગઇ હતી. ત્‍યાંથી મા-દિકરી પરત પોતાના ઘરે જવા નીકળ્‍યા ત્‍યારે વરસાદ ચાલુ હતો. બંને ઘર નજીક પહોંચ્‍યા ત્‍યારે વિજથાંભલાના તાણીયા પાસેથી નીકળતી વખતે કિંજલ તાણીયાને અડી જતાં તેમાંથી જોરદાર કરંટ લાગતાં ફેંકાઇ ગઇ હતી અને બેભાન થઇ ગઇ હતી.

બનાવને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં. કિંજલના પરિવારજનો પણ દોડી આવ્‍યા હતાં. તેણીને તુરત જ બેભાન હાલતમાં ઝનાના હોસ્‍પિટલના બાળકોના વિભાગમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન તેણીનું મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. એ-ડિવીઝનના પીએસઓ વિજયભાઇ નકુમે જાણ કરતાં યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશનના  એએસઆઇ હિતેષઇ જોરૂભા જોગડાએ હોસ્‍પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી બાળકીના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનાર કિંજલ એક ભાઇથી નાની હતી. તેના માતા-પિતા છુટક મજૂરી અને બકાલુ વેંચી ગુજરાન ચલાવે છે. લાડકવાયી દિકરીના મોતથી પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. આસપાસના રહેવાસીઓમાં પણ શોક છવાઇ ગયો હતો.

(1:40 PM IST)